આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને આ સોશિયલ મીડિયા પર જાત જાતના ટ્રેન્ડ વાઈરલ થતાં હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર 2016 રીકેપ (2016 Recap) ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યો છે. સામાન્ય નાગરિકોથી લઈને બોલિવૂડ સેલેબ્સ પણ આ ટ્રેન્ડને ફોલો કરીને 10 વર્ષ જૂની યાદો તાજી કરી રહ્યા છે. આ જ ટ્રેન્ડને ફોલો કરીને સાઉથના સુપરસ્ટાર વિજય વર્માએ પણ વર્ષ 2016ની ટોઈલેટ સેલ્ફી શેર કરી છે, જે તૂફાન વાઈરલ થઈ રહી છે. ચાલો જોઈએ શું છે ખાસ ઓ ફોટોમાં અને વિજય વર્માએ કેમ આવો ફોટો શેર કર્યો...
સાઉથના સુપર સ્ટાર વિજય વર્મા માટે 2016નું વર્ષ ખરેખર ખૂબ જ મહત્ત્વનું સાબિત થયું હતું, કારણ કે આ જ વર્ષે તેને બોલીવૂડના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચન સાથે બ્લોકબસ્ટર ફિલ્મ 'પિંક'માં કામ કરવાની તક મળી હતી. બોલીવૂડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અભિનેતા વિજય વર્માએ સોશિયલ મીડિયા પર 2016 ટ્રેન્ડને ફોલો કરતા કેટલીક એવી તસવીરો શેર કરી છે જેને જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વિજયે તેની પોસ્ટમાં જણાવ્યું કે 2016 તેના જીવનનું સૌથી યાદગાર વર્ષ હતું.
વિજય વર્માએ શેર કરેલી તસવીરોમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી તસવીર અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા' ની છે. આ ફોટોમાં વિજય વર્મા અમિતાભ બચ્ચનના ઘરના 'ગોલ્ડન ટોયલેટ સીટ' સાથે સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે. આ સેલ્ફીમાં વિજયે શેરવાની પહેરી છે. બિગ બીના આલિશાન ઘરની આ અનોખી ઝલક જોઈને નેટિઝન્સ પણ જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે.
ઓફિશિયલ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતાં વિજયે કેપ્શનમાં લખ્યું હતું કે, 2016નું વર્ષ મારા માટે એક રીતે માઈલસ્ટોન સાબિત થયું હતું. આ જ વર્ષે મને ફિલ્મ 'પિંક'માં બિગ બી અને શૂજિત સરકાર સાથે કામ કરવાની તક મળી. એટલું જ નહીં પણ આ જ વર્ષે હું ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને પણ મળ્યો હતો અને હા, બચ્ચનના ઘરે ગોલ્ડન ટોયલેટ સાથે સેલ્ફી પણ લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મહાનાયક અમિતાભ બચ્ચનનું ઘર તેની સુંદરતા અને કળાત્મક કલાકૃતિઓ માટે જાણીતું છે. વિજય વર્માએ સોશિયલ મીડિયા પર શેર કરેલાં આ ફોટોએ ફરી એક વખત 'જલસા' ની ભવ્યતા વિશે ચર્ચાઓ જગાડી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, વિજય વર્મા છેલ્લે ફાતિમા સના શેખ સાથે ગુસ્તાખ ઈશ્કમાં જોવા મળ્યો હતો અને અત્યારે તેની પાસે અનેક મોટા પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે.
અહીંયા તમારી જાણ માટે કે દેશ જ નહીં પણ દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવો અંબાણી પરિવાર પોતાની લક્ઝુરિયર લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો હોય છે. આવી સ્થિતિમાં એમના ઘરના ટોઈલેટની તો ખબર નહીં પણ બિગ બીના ઘરમાં આવેલાં ગોલ્ડન ટોઈલેટના ફોટો વાઈરલ થાય એ આશ્ચર્યચકિત કરનારી ઘટના છે...