બેંગકોકઃ ચીનમાં જન્મ દર સતત ઘટી રહ્યો છે. ચીન લાંબા સમયથી વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ રહ્યો છે. વસ્તીને નિયંત્રિત કરવા માટે સરકારે 'એક બાળક' નીતિનો કડક અમલ કર્યો હતો. ચીને તેની લાંબા સમયથી ચાલતી એક બાળક નીતિનો અંત લાવ્યાના એક દાયકા પછી અધિકારીઓ વધુ બાળકોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ વિચારો અને નીતિઓ અપનાવી રહ્યા છે. જેમાં રોકડ સબસિડીથી લઇને કોન્ડમ પર ટેક્સ લાદવા સુધીનો સમાવેશ થાય છે.
આ પ્રયાસો હજુ સુધી સફળ રહ્યા નથી. આ દર્શાવે છે સોમવારે જાહેર થયેલા વસ્તીના આંકડાઓ. જે હવે વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે. નવા સરકારી આંકડા અનુસાર ચીનની ૧.૪ અબજની વસ્તી સતત ઘટી રહી છે. જેમાં સતત ચોથા વર્ષે ઘટાડો નોંધાયો છે. ૨૦૨૫માં કુલ વસ્તી ૧.૪૦૪ અબજ હતી. જે ગત વર્ષ કરતાં ૩૦ લાખ ઓછી છે. આ આંકડા દેશ સામે રહેલા ગંભીર વસ્તી વિષયક દબાણને દર્શાવે છે.
૨૦૨૫માં જન્મેલા નવા બાળકોની સંખ્યા માત્ર ૭.૯૨ મિલિયન હતી. જે ૧.૬૨ મિલિયન અથવા ૧૭ ટકાનો ઘટાડો દર્શાવે છે. તાજેતરના જન્મ આંકડા દર્શાવે છે કે ૨૦૨૪માં થોડો વધારો ટકાઉ વલણ ન હતું. ૨૦૨૩ સુધી સતત સાત વર્ષ સુધી જન્મ દરમાં ઘટાડો નોંધાયો હતો.
મોટા ભાગના પરિવારો અત્યંત સ્પર્ધાત્મક સમાજમાં બાળકના ઉછેરના ખર્ચ અને દબાણને મહત્વપૂર્ણ અવરોધો ગણાવે છે. જે હવે આર્થિક મંદીને કારણે વધુ વકરી ગયા છે. જેના કારણે જીવન ખર્ચને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહેલા પરિવારો પ્રભાવિત થયા છે. પરિવારોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે નીતિગત ફેરફારો લાગુ કરવામાં અધિકારીઓને મર્યાદિત સફળતા મળી છે.