નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના (ભાજપ) નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીને વિધિવત્ રીતે પદભાર સંભાળી લીધો છે. દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટર ખાતે આયોજિત આ ખાસ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી નવીન અધ્યક્ષને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે વડા પ્રધાને તમામ કાર્યકરોને સંબોધતા સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, “આજથી નીતિન નબીન જ અમારા અધ્યક્ષ છે અને પક્ષમાં તેઓ મારા પણ બોસ છે. વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ કોઈ વ્યક્તિથી નહીં પણ પ્રક્રિયાથી ચાલતો પક્ષ છે, જ્યાં પદ કરતાં કાર્યકર્તાનો ભાવ સર્વોપરી છે.
વડા પ્રધાન મોદીએ નીતિન નવીનની પ્રશંસા કરતા તેમને ‘મિલેનિયલ’ પેઢીના નેતા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે નવા અધ્યક્ષ એ પેઢીમાંથી આવે છે જેણે રેડિયોથી લઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સુધીની સફર જોઈ છે. તેમની પાસે યુવા ઊર્જાની સાથે સંગઠનનો બહોળો અનુભવ પણ છે, જે પક્ષ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. વડા પ્રધાને વધુમાં ઉમેર્યું કે ભાજપમાં સત્તા એ માત્ર સેવા કરવાનું માધ્યમ છે, જેના કારણે જ આજે પક્ષ પશ્ચિમ બંગાળ અને તેલંગાણા જેવા રાજ્યોમાં મજબૂત અવાજ બનીને ઉભર્યો છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ લોકોની પ્રથમ પસંદગી બન્યો છે.
આ અવસરે વડા પ્રધાને પૂર્વ અધ્યક્ષો રાજનાથ સિંહ, અમિત શાહ અને જે.પી. નડ્ડાના કાર્યકાળની સિદ્ધિઓને પણ યાદ કરી હતી. તેમણે જણાવ્યું કે રાજનાથ સિંહના સમયે પક્ષ પૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં આવ્યો, અમિત શાહના નેતૃત્વમાં બીજી વાર પ્રચંડ જીત મળી અને જે.પી. નડ્ડાના નેતૃત્વમાં પક્ષ સંસદથી લઈને પંચાયત સુધી મજબૂત બન્યો છે. જનસંઘની સ્થાપનાના 75મા વર્ષનો ઉલ્લેખ કરતા મોદીએ અનેક પેઢીઓના લાખો કાર્યકરોને નમન કર્યા હતા.
છેલ્લે વડા પ્રધાને પક્ષની શિસ્ત અને સન્માનનો દાખલો બેસાડતા કહ્યું કે, હું ભલે ત્રણ ટર્મથી વડા પ્રધાન હોઉં, પણ મારા માટે પક્ષનો કાર્યકર હોવો એ જ સૌથી ગર્વની વાત છે. જ્યારે વાત પક્ષની આવે ત્યારે હું માત્ર એક કાર્યકર છું અને માનનીય નીતિન નબીન મારા અધ્યક્ષ અને બોસ છે. વડા પ્રધાનના આ નિવેદને સમગ્ર ભાજપ સંગઠનમાં એક નવો ઉત્સાહ જગાડ્યો હતો અને સ્પષ્ટ કરી દીધું છે કે દરેક નેતાએ નવા અધ્યક્ષના નેતૃત્વમાં શિસ્તબદ્ધ રીતે કાર્ય કરવાનું રહેશે.