ગીર સોમનાથઃ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પત્ની પરપુરુષ સાથે ભાગી ગઈ હોવા છતાં પતિએ સાચવી હતી અને હવે તેની પાસેથી છૂટાછેડાના ₹2 લાખ માંગવામાં આવતા હતા. સાસરિયાના ત્રાસથી કંટાળી યુવકે આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
શું છે મામલો
ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામના એક યુવકના છૂટાછેડા થયા હતા. જે બાદ 11 મહિના પહેલા તેણે બીજા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને વચ્ચે ચકમક ઝરતા પત્ની પિયર જતી રહી હતી અને કોર્ટમાં ભરણ પોષણનો કેસ કર્યો હતો. આ મુદ્દે તેને વારંવાર માનસિક પરેશાન કરવામાં આવતો હતો. તેનાથી કંટાળીને ગઈકાલે એક વીડિયો બનાવી પોસ્ટ કર્યો હતો.
પત્ની બીજાને લઈને ભાગી ગઈ તો પણ મેં સાચવી
વીડિયોમાં યુવકે કહ્યું, મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો. હવે હું આત્મહત્યા કરવા જાવ છું. જેનું કારણ મારા સસરા, મારી પત્ની, સાળો અને વકીલ છે. છૂટાછેડા માટે તેઓ રૂ. બે લાખ મારી પાસે માંગે છે. પણ મારી પાસે એકપણ રૂપિયો નથી, હું બધાથી અલગ રહું છું. અત્યારે મારી પર અત્યાચાર કરે છે અને મારી આત્મહત્યા પાછળ આ લોકો જ જવાબદાર છે. મારી પત્ની બીજાને લઈને ભાગી ગઈ તો પણ મેં સાચવી અને હાલ મારી પર અત્યાચાર ગુજારે છે. તેમજ રૂપિયા બે લાખ માંગે છે. મારી આત્મહત્યા કરવા પાછળનું કારણ મારી પત્ની રૂપલ, મારા સસરા મનસુખભાઈ ઉગાભાઈ પરમાર, મારો એડવોકેટ તેમજ રૂપલની ફઈ શોભા છે.
ઝેરી ટીકડા પીધા બાદ પિતાને ફોન કરી માફી માંગી
આટલા શબ્દો બોલીને યુવકે અનાજમાં નાખવાના ટીકડા ખાઈ લીધા હતા. જે બાદ તેના પિતા તુલસીશ્યામ મુકામે મજૂરી કામ કરવા ગયા હતા તેમને ફોન કરી માફી માંગી હતી અન ટીકડા ખાઈ લીધા હોવાનું જણાવ્યું હતું. પુત્રએ ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાની જાણ થતાં જ પિતા તાત્કાલિક ઘરે આવી પહોંચ્યા હતા અને રાત્રીના ઉના સરકારી દવાખાને લાવ્યાં હતા. જ્યાં ફરજ પરના તબીબો તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાના પગલે મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.