નવી દિલ્હી: 2017 માં ઉન્નાવમાં સગીરા પર બલાત્કાર કેસના દોષિત ભાજપના ભૂતપૂર્વ વિધાન સભ્ય કુલદીપ સિંહ સેંગરને અન્ય એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો છે. પીડિતાના પિતાના કસ્ટોડિયલ ડેથ કેસમાં સેંગરને મળેલી 10 વર્ષની જેલની સજાને સ્થગિત કરવાનો કોર્ટે ઇનકાર કર્યો છે.
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ રવિન્દર દુડેજાએ જણાવ્યું હતું કે, "રાહત આપવા યોગ્ય કોઈ આધાર રજુ કરવામાં આવ્યો નથી. સજા સ્થગિત કરવાની માંગ કરતી અરજી ફગાવી દેવામાં આવે છે."
માર્ચ 2020 માં સેંગરને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. સજા ફટકારતા ટ્રાયલ કોર્ટે તે સમયે કહ્યું હતું કે પરિવારના એકમાત્ર કમાતા વ્યક્તિની હત્યા કરવા બદલ દોષિત સામે કોઈ પણ પ્રકારની ઉદારતા દાખવવી ન જોઈએ. આ દરમિયાન જ કુલદીપના ભાઈ અતુલ સિંહ સેંગર અને અન્ય પાંચ લોકોને પણ આવી જ સજા ફટકારી હતી.
સગીરા બાદ બળાત્કાર ગુજારવા બદલ સેંગરને ડિસેમ્બર 2019માં બાકીના જીવન માટે જેલની સજા ફટકારવામાં આવી હતી, કસ્ટોડિયલ ડેથ કેસમાં પણ તેને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ચુકાદા સામે તેણે કરેલી અપીલ હજુ પણ પેન્ડિંગ છે.
નોંધનીય છે કે દિલ્હી હાઈ કોર્ટની બીજી બેન્ચે ડિસેમ્બર 2025 માં ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે અપીલ કરવા માટે જામીન આપવામાં આવ્યા હતા. ન્યાયાધીશ સુબ્રમણ્યમ પ્રસાદ અને ન્યાયાધીશ હરીશ વૈદ્યનાથનની બેન્ચે એમ પણ કહ્યું હતું કે કે આ કેસમાં POCSO લાગુ કરી શકાય નહીં.
દિલ્હી હાઈ કોર્ટના ચુકાદા બાદ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો,બાદમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈ કોર્ટના ચુકાદા પર સ્ટે મુક્યો હતો.