Tue Jan 20 2026

Logo

White Logo

બુરખાધારી મહિલાએ BRTSના ડ્રાઈવર સાથે લાફાવાળી કરી: : મોબાઈલ માથામાં વાગતા લોહી નીકળ્યું

1 day ago
Author: Himanshu Chavada
Video

સુરત: અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા મહાનગરોમાં જાહેર પરિવહન માટે મહાનગરપાલિકાની BRTS બસ કાર્યરત છે. BRTS બસના ડ્રાઈવરની મુસાફરો સાથે ગેરવર્તણૂકના ઘણા કિસ્સાઓ અગાઉ સામે આવી ચૂક્યા છે. પરંતુ તાજેતરમાં મુસાફરે ડ્રાઈવર સાથે ગેરવર્તણૂક કરીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ડ્રાઈવરને માર મારનાર મુસાફર કોઈ પુરુષ નહીં, એક મહિલા છે. મહિલાએ ડ્રાઈવરને એવો માર માર્યો કે તેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. 

તેં ગઈકાલે મારી વાત કેમ ન માની?

મળતી માહિતી મુજબ, 16 જાન્યુઆરી 2026ને શુક્રવારે સુરતના વાય-જંકશનથી સ્ટેશન જતી બસમાં એક બુરખાધારી મહિલા મુસાફરી કરી રહી હતી. તેણે ડ્રાઇવરને બસ સ્ટેન્ડ ન હોવા છતાં રસ્તા વચ્ચે ઉતારી દેવા દબાણ કર્યું હતું. ડ્રાઇવરે નમ્રતાથી નિયમ સમજાવતા કહ્યું કે, "બહેન, અહીં સ્ટોપ નથી એટલે બસ ઉભી નહીં રહી શકે." આ સાંભળી મહિલા ઉગ્ર બની હતી અને દલીલો કરી ઉતરી ગઈ હતી. જોકે, અહીં આ વિવાદનો અંત આવ્યો ન હતો.

બીજા દિવસે એટલે કે 17 જાન્યુઆરી 2026ને શનિવારે જ્યારે એ જ બસ વેસુ વિસ્તારની જે.એચ. અંબાણી સ્કૂલ પાસેના સ્ટોપ પર ઉભી રહી, ત્યારે એ જ બુરખાધારી મહિલા ફરી બસમાં ચઢી હતી. બસમાં ચડતાની સાથે જ તે સીધી ડ્રાઇવરની કેબિનમાં ઘસી ગઈ અને "તેં ગઈકાલે મારી વાત કેમ ન માની?" તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. ઉશ્કેરાયેલી મહિલાએ પહેલા તો ડ્રાઇવરનો કોલર પકડીને તમાચા માર્યા હતા. ત્યારબાદ પોતાના હાથમાં રહેલા સ્માર્ટફોન વડે ડ્રાઇવરના માથા પર જોરદાર પ્રહાર કર્યો હતો. હુમલો એટલો જોરદાર હતો કે ડ્રાઇવરનું માથું ફાટી ગયું હતું અને બસમાં લોહીનાં ટપકાં પડવાં લાગ્યાં હતાં.


 

મહિલાની દાદાગીરીની ઘટના CCTVમાં કેદ

બસમાં થયેલી મારામારીની આ હિંસક ઘટના બસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં મહિલાની દાદાગીરી અને ડ્રાઇવરની લાચારી સ્પષ્ટ દેખાય છે. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના અધ્યક્ષ સોમનાથ મરાઠેએ આ ઘટનાની સખત નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે, "જાહેર સેવાના કર્મચારી સાથે આવું વર્તન નિંદનીય છે. અમે પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે."