Tue Jan 20 2026

Logo

White Logo

સિડની ટેરર એટેકઃ બોન્ડી બીચ પર પિતા-પુત્રએ મચાવ્યો આતંક, : 'માસ મર્ડર' પૂર્વે નરાધમ દીકરાએ માતા સાથે કરી હતી વાત...

australia   1 month ago
Author: mumbai samachar teem
Video

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના સૌથી સુરક્ષિત ગણાતા અને પ્રવાસીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સિડનીના બોન્ડી બીચ પર એક અત્યંત દુ:ખદ ઘટના બની છે. યહુદી તહેવાર 'હનુક્કા'ની ઉજવણી દરમિયાન થયેલા એક આતંકી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. શાંતિપ્રિય દેશ ગણાતા ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ત્રણ દાયકાનો આ સૌથી ભયાનક હુમલો માનવામાં આવે છે. આ હુમલામાં મૃત્યુઆંક વધીને 16 પર પહોંચ્યો છે, જ્યારે અનેક નિર્દોષ લોકો લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે લડી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝે આ ઘટનાને 'યહુદી-વિરોધી આતંકવાદ' ગણાવી તેની આકરી નિંદા કરી છે.

તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આ જઘન્ય અપરાધને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પણ પિતા અને પુત્રની જોડી હતી. 50 વર્ષીય સાજીદ અકરમ અને તેના 24 વર્ષીય પુત્ર નવીદ અકરમે ભીડવાળા વિસ્તારમાં અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં પિતા સાજીદનું મોત નીપજ્યું છે, જ્યારે પુત્ર નવીદ અકરમ હાલ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસની કસ્ટડીમાં (હોસ્પિટલમાં સારવાર હેઠળ) છે. આ હુમલાખોરોએ મહારાષ્ટ્રીયન શૈલીના દેશી બોમ્બનો પણ ઉપયોગ કરવાની કોશિશ કરી હતી, જેને પોલીસે સમયસર નિષ્ક્રિય કરી હતી.

માતાને દીકરો આતંકી હુમલો કરે એનો વિશ્વાસ નથી

આ ઘટના બાદ હુમલાખોર નવીદની માતાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. તેણે જણાવ્યું કે, હુમલાના થોડા સમય પહેલા જ નવીદે તેની સાથે ફોન પર વાત કરી હતી. હુમલાખોરો ઘરેથી એવું કહીને નીકળ્યા હતા કે તેઓ માછીમારી કરવા જઈ રહ્યા છે. જોકે, હુમલાખોર નવીદ અગાઉ કડિયાકામ કરતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર હોવાથી ફળ વેચવાનું કામ કરતો હતો. તેની માતાએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે તેનો પુત્ર આવો આતંકી હુમલો કરી શકે તે વાત પર તેને વિશ્વાસ નથી આવી રહ્યો. જોકે, પોલીસે હુમલાખોરના ઘરને ચારેબાજુથી ઘેરીને તપાસ ઝડપી બનાવી છે.

હુમલાનો ભોગ બનનારામાં બાળકથી લઈને વૃદ્ધ સામેલ

'ચાનુંકા બાય ધ સી' કાર્યક્રમમાં હજારો લોકો એકઠા થયા હતા ત્યારે અચાનક ગોળીબાર થતા નાસભાગ મચી ગઈ હતી. મૃતકોમાં 10 વર્ષના બાળકથી લઈને 87 વર્ષના વૃદ્ધોનો સમાવેશ થાય છે. આ હુમલામાં ઈઝરાયલ અને ફ્રાન્સના નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા હોવાની પુષ્ટિ થઈ છે. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ અને બચી ગયેલા લોકોએ જણાવ્યું કે ચારે બાજુ લોહીના ખાબોચિયા અને લાશો વિખરાયેલી હતી. ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓ હાલ આ ઘટનાના ઊંડા મૂળ સુધી પહોંચવા માટે રાત-દિવસ તપાસ કરી રહ્યા છે.

આંકડાઓ મુજબ આશરે 2.8 કરોડની વસ્તી ધરાવતા ઓસ્ટ્રેલિયામાં 1.17 લાખ જેટલા યહૂદી વસવાટ કરે છે. ઓક્ટોબર 2023 પછી આ દેશમાં યહૂદી-વિરોધી ઘટનાઓમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે, જે સુરક્ષા એજન્સી માટે ચિંતાનો વિષય છે. પી એમ અલ્બનીઝે સ્પષ્ટ કર્યું છે કે જે સ્થળ ખુશીઓ અને ઉત્સવો માટે જાણીતું હતું, તે હવે કાયમ માટે આતંકના ડાઘથી કલંકિત થઈ ગયું છે. હાલ પોલીસ અન્ય કોઈ શંકાસ્પદની શોધ કરી રહી નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.