Tue Jan 20 2026

Logo

White Logo

ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ નિર્ણાયક વન-ડે : આજે ટીમ ઇન્ડિયા પરંપરા સાચવશે કે કિવી ક્રિકેટરો નવો ઇતિહાસ રચશે? જાણો, આખો મામલો શું છે

1 day ago
Author: Ajay Motiwala
Video

ઇન્દોરઃ ભારતીય ક્રિકેટરો મધ્ય પ્રદેશમાં ઇન્દોર શહેરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં 2006થી અત્યાર સુધીમાં જે સાત વન-ડે રમ્યા છે એ સાતેય જીત્યા છે અને વધુ નવાઈની વાત એ છે કે છેલ્લા સાત વર્ષમાં (માર્ચ, 2019 બાદ) ભારતીય વન-ડે ટીમ ઘરઆંગણે ક્યારેય વન-ડે શ્રેણી હારી નથી, પરંતુ બીજી તરફ ન્યૂ ઝીલૅન્ડના ખેલાડીઓને આજે (બપોરે 1.30 વાગ્યાથી) રમાનારી સિરીઝની નિર્ણાયક વન-ડે જીતીને ભારતની ધરતી પર પોતાના દેશ માટે નવો ઇતિહાસ રચવાનો સુવર્ણ મોકો છે.

ટેસ્ટ પછી હવે વન-ડેમાં કિવીઓને મોકો

કિવીઓ ભારતમાં ક્યારેય દ્વિપક્ષી વન-ડે શ્રેણી નથી જીતી શક્યા. અત્યાર સુધીમાં ન્યૂ ઝીલૅન્ડના ખેલાડીઓ વન-ડે માટે (દ્વિપક્ષી શ્રેણીઓ તેમ જ ચાર વર્લ્ડ કપ માટે) કુલ મળીને 16 વખત ભારતના પ્રવાસે આવ્યા છે, પરંતુ ક્યારેય છેલ્લે જીતીને પાછા નથી ગયા. 2024માં કિવીઓ પહેલી જ વખત ભારતની ધરતી પર ટેસ્ટ-શ્રેણી જીતવામાં (3-0થી) સફળ થયા હતા. હવે આ વખતે ભારતની ધરતી પર પહેલી વાર વન-ડે શ્રેણી જીતવાની પણ તેમને તક મળી છે. ત્રણ મૅચની વર્તમાન વન-ડે સિરીઝ 1-1થી બરાબરીમાં છે અને આજે નિર્ણાયક મૅચ રમાવાની છે. ભારતીયો છેલ્લે માર્ચ, 2019માં ઘરઆંગણે જે વન-ડે શ્રેણી હાર્યા હતા એમાં ઑસ્ટ્રેલિયાએ 0-2થી પાછળ રહ્યા બાદ જબરદસ્ત કમબૅક કરીને સિરીઝ 3-2થી જીતી લીધી હતી.

ગંભીરની પણ આકરી કસોટી

બ્લૅક કૅપ્સ તરીકે ઓળખાતા ન્યૂ ઝીલૅન્ડના ક્રિકેટરો 1989ની સાલથી વન-ડે શ્રેણી માટે ભારત આવે છે, પણ ક્યારેય શ્રેણી નથી જીતી શક્યા. ભારતીય ટીમના હેડ-કોચ ગૌતમ ગંભીર માટે પણ આ કપરી કસોટી છે. ટેસ્ટ-ક્રિકેટમાં તેના કોચિંગમાં ટીમ ઇન્ડિયાની પડતી જોવા મળી છે, પરંતુ વાઇટ-બૉલ ક્રિકેટમાં ટીમ સારું પર્ફોર્મ કરી રહી છે એટલે આજે એ પ્રણાલી પણ શુભમન ગિલ ઍન્ડ કંપનીએ જાળવવાની છે.

ફરી મિચલ-મૅજિક ન જ જોઈએ

રાજકોટમાં બીજી વન-ડેમાં ડેરિલ મિચલ (131 અણનમ) ભારતને સૌથી વધુ ભારે પડ્યો હતો અને રવિવારે ખાસ તેને કાબૂમાં રાખવો પડશે. વિશેષ કરીને ભારતની સ્પિન બોલિંગને તેણે નિષ્ફળ બનાવી નાખી હતી. બીજી બાજુ, ભારતીય બૅટ્સમેનોને હરીફ ટીમના સ્પિનર્સ સામે રમવામાં તકલીફ થતી જોવા મળી છે. બન્ને રીતે, ભારતીય ટીમ માટે આ ચિંતાનો વિષય છે.

ફરી રો-કો શૉ જોવા મળશે?

ઇન્દોરમાં બે છેડાની બાઉન્ડરી લાઇન ટૂંકી છે અને અહીંની પિચ પર બોલર્સને ખાસ મદદ નથી મળતી. આ મેદાન પર 350-પ્લસનો સ્કોર જરાય અશક્ય નથી. ત્રણ વર્ષ પહેલાં ન્યૂ ઝીલૅન્ડ સામે જ ભારતે 385 રન કર્યા હતા. રોહિત અને કોહલી (રો-કો) આ સિરીઝ પછી વેકેશન પર ઊતરી જશે એટલે એ પહેલાં દમદાર પર્ફોર્મ કરવા કોઈ કસર બાકી નહીં રાખે. આ મૅચ બાદ ભારતની આગામી વન-ડે શ્રેણી છેક જુલાઈમાં (આઇપીએલ પછી) રમાશે એટલે રો-કો શૉ જોવા મળશે એવી સૌને ખાતરી હશે. રોહિત આ શ્રેણીમાં સારું નથી રમી શક્યો, પણ આજે ઇન્દોરના હજારો પ્રેક્ષકો તેના સુપર પર્ફોર્મન્સની આશા સાથે જ આવશે.

ટીમને કઈ રીતે સંતુલિત બનાવી શકાશે?

ઈજાગ્રસ્ત વૉશિંગ્ટન સુંદરના સ્થાને આયુષ બદોનીને આ શ્રેણીની સ્ક્વૉડમાં સમાવાયો છે. જોકે રવિવારે નીતીશકુમાર રેડ્ડીને જ રમવા મળશે કે બદોનીને આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરવાની તક મળશે એ જોવું રહ્યું. ધ્રુવ જુરેલ પણ સ્ક્વૉડમાં છે અને તેણે પણ ઇન્દોર આવ્યા બાદ ઘણી બૅટિંગ-પ્રૅક્ટિસ કરી છે. બોલિંગની વાત કરીએ તો અર્શદીપ સિંહને આ શ્રેણીમાં નથી રમાડવામાં આવ્યો એની પણ ચર્ચા થઈ રહી છે. નવા બૉલથી સારા સ્વિંગ કરવાની, મોટા ભાગે સ્ટમ્પ્સને જ નિશાન બનાવવાની અને ડેથ ઓવર્સમાં યૉર્કરથી બૅટ્સમૅનને તકલીફમાં મૂકી દેવાની આવડત હોવા છતાં અર્શદીપ સિંહને આ સિરીઝમાં રમવાનો મોકો નથી અપાયો. રવિવારની નિર્ણાયક મૅચમાં તેને રમાડવામાં આવે એવી સંભાવના છે, કારણકે તેના સમાવેશથી મધ્યની ઓવર્સમાં સ્પિનર્સ પરથી બોજ હળવો થઈ શકે.

બન્ને દેશની સંભવિત પ્લેઇંગ-ઇલેવન

ભારતઃ શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કે. એલ. રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર, નીતીશકુમાર રેડ્ડી/આયુષ બદોની, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ ક્રિષ્ના/અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.

ન્યૂ ઝીલૅન્ડઃ માઇકલ બે્રસવેલ (કૅપ્ટન), મિચલ હૅ (વિકેટકીપર), ડેવૉન કૉન્વે, હેન્રી નિકલ્સ, વિલ યંગ, ડેરિલ મિચલ, ગ્લેન ફિલિપ્સ, ક્રિસ્ટિયન ક્લાર્ક, કાઇલ જૅમીસન, ઝૅક ફૉક્સ, આદિત્ય અશોક/જેડન લેનોક્સ.