Tue Jan 20 2026

Logo

White Logo

રહેમાનના 'મુસ્લિમ હોવા'ના નિવેદન પર : બાંગ્લાદેશના લેખિકાએ પ્રતિક્રિયા આપી! જાણો શું કહ્યું

10 hours ago
Author: Savan Zalariya
Video

મુંબઈ: ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાને તાજેતરમાં એક ઈન્ટરવ્યું દરમિયાન આપેલા નિવેદનને કારણે વિવાદ ઉભો થયો છે. તેમણે કહ્યું હતું કે તેઓ મુસ્લિમ હોવાને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી તેમને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ નથી મળી રહ્યું. ઘણા નેતાઓ અને કલાકરો રહેમાન નિવેદન અંગે  પ્રતિક્રિયા આપી રહ્યા છે. એવામાં બાંગ્લાદેશના નિર્વાસિત લેખિકા તસ્લીમા નસરીને પણ પ્રતિક્રિયા આપી છે. 

તસ્લીમા નસરીને X પરની એક પોસ્ટમાં લખ્યું, "એ. આર. રહેમાન મુસ્લિમ છે અને ભારતમાં ખુબ જ લોકપ્રિય છે. મેં સાંભળ્યું છે તેમની ફી બીજા બધા કલાકારો કરતા ઘણી વધારે છે. કદાચ તેઓ ભારતના સૌથી ધનિક સંગીતકાર છે. તેઓ ફરિયાદ કરી રહ્યા છે કે તેમને બોલીવુડમાં એટલા માટે કામ નથી મળી રહ્યું કારણ કે તેઓ મુસ્લિમ છે."
 

તસ્લીમા નસરીને વધુમાં લખ્યું, "શાહરૂખ ખાન હજુ પણ બોલિવૂડનો બાદશાહ છે; સલમાન ખાન, આમિર ખાન, જાવેદ અખ્તર, શબાના આઝમી બધા સુપરસ્ટાર છે. જાણીતા અને અમીર લોકોને ક્યારેય ક્યાંય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. ભલે તેઓ ગમે તે ધર્મના હોય, ગમે તે જાતિના હોય કે ગમે તે સમુદાયના હોય... એ. આર. રહેમાનને હિન્દુઓ, મુસ્લિમો, બૌદ્ધો, ખ્રિસ્તીઓ, નાસ્તિકો અને આસ્તિકો તમામ દ્વારા આદર આપવામાં આવે છે. તેમના પર દયા આવે એવું નથી." 

તસ્લીમા નસરીને કહ્યું, "મારા જેવા ગરીબ લોકોને મુશ્કેલીઓ આવે છે. ભલે હું કટ્ટર નાસ્તિક છું, પણ મારા નામને કારણે મને મુસ્લિમ માનવામાં આવે. જે લોકો મુસ્લિમ વિરોધી છે તેઓને કોઈ ફરક પડતો નથી કે કોઈ નાસ્તિક છે કે આસ્તિક. કોઈ મને એપાર્ટમેન્ટ ભાડે નથી આપતું, નાસ્તિક હોવા બદલ હૈદરાબાદમાં પણ મને માર મારવામાં આવ્યો હતો; હું ઔરંગાબાદમાં પગ મૂકી શકતી નથી; મને પશ્ચિમ બંગાળમાંથી બહાર ધકેલી દેવામાં આવે છે."

નોંધનીય છે કે જાવેદ અખ્તર, લેસ્લી લુઇસ અને હરિહરન સહિત ઘણાં સેલિબ્રિટીઝે એઆર રહેમાનની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપી છે. 

જો કે વિવાદ બાદ એ આર રહેમાને કહ્યું કે  તેઓ ક્યારેય કોઈએ દુઃખ પહોંચાડવા ઈચ્છતા ન હતાં.