નવી દિલ્હી: તહેવારો અને વેકેશનના સમયમાં એરલાઇન્સ કંપનીઓ દ્વારા ટિકિટના ભાવમાં કરવામાં આવતો અસહ્ય વધારો હવે ન્યાયતંત્રના રડાર પર આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સામાન્ય નાગરિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવતી ખાનગી એરલાઇન્સની નીતિ પર કડક વલણ અપનાવ્યું છે. સોમવારે એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે, ભાડામાં થતા "અપ્રત્યાશિત ઉતાર-ચઢાવ" ને અટકાવવા માટે કોર્ટ હવે ચોક્કસપણે હસ્તક્ષેપ કરશે. આ નિર્ણયથી એવા લાખો મુસાફરોને આશા જન્મી છે જેઓ તહેવારોમાં પોતાના ઘરે જવા માટે મોંઘીદાટ ટિકિટ ખરીદવા મજબૂર બને છે.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે એક જનહિત અરજી પર સુનાવણી કરતા એરલાઇન્સ દ્વારા કરવામાં આવતા ભાવ વધારાને 'શોષણ' ગણાવ્યું છે. કોર્ટે ઉદાહરણ આપતા કહ્યું કે કુંભ મેળો કે અન્ય તહેવારો દરમિયાન દિલ્હીથી પ્રયાગરાજ કે જોધપુર જેવા શહેરોનું ભાડું આસમાને પહોંચી જાય છે. આ મામલે કોર્ટે કેન્દ્ર સરકાર અને ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી 23 ફેબ્રુઆરીએ નક્કી કરવામાં આવી છે, જેમાં સરકાર પોતાનો પક્ષ રજૂ કરશે.
અરજીમાં માત્ર ભાડા જ નહીં, પરંતુ એરલાઇન્સની અન્ય નીતિઓ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. એવો આક્ષેપ છે કે ખાનગી કંપનીઓએ કોઈપણ નક્કર કારણ વગર ઈકોનોમી ક્લાસમાં ફ્રી ચેક-ઈન બેગેજની મર્યાદા 25 કિલોથી ઘટાડીને 15 કિલો કરી દીધી છે. આનાથી જે સેવા પહેલા ટિકિટનો ભાગ હતી, તેને હવે આવકનું નવું સાધન બનાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, વધારાના સામાન માટે લેવામાં આવતા તોતિંગ ચાર્જ અને રિફંડ પોલિસીમાં પારદર્શિતાનો અભાવ પણ મુસાફરો માટે આર્થિક બોજ સમાન બની રહ્યો છે.
હાલમાં કોઈ પણ સરકારી સંસ્થા પાસે એરલાઇન્સના ભાડા પર અંકુશ મેળવવાની કે તેની સમીક્ષા કરવાની સીધી સત્તા નથી. અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા માટે એક મજબૂત અને સ્વતંત્ર નિયામક (રેગ્યુલેટર) ની સ્થાપના કરવામાં આવે. હાલની સ્થિતિમાં અમીર લોકો વહેલા ટિકિટ બુક કરાવી લે છે, પરંતુ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો, જેમને અંતિમ સમયે મુસાફરી કરવી પડે છે, તેમણે ભારે કિંમત ચૂકવવી પડે છે. સુપ્રીમ કોર્ટની દખલગીરી બાદ હવે એર ટિકિટના ભાવ નક્કી કરવા માટે નવા કડક દિશાનિર્દેશો જાહેર થઈ શકે છે.