વૈશ્વિક પડકારો સામે ટકે અને વિકાસને આગળ વધારી શકે એવાં પગલાં બજેટમાં અપેક્ષિત છે અને એની જરૂર પણ છે...
જયેશ ચિતલિયા
આગામી કેન્દ્રીય બજેટ-2026ની તૈયારી જોરમાં ચાલી રહી છે. કપરાં અને પડકારરૂપ ગ્લોબલ સંજોગો તેમ જ યુએસ ટૅરિફ પ્રકરણ વચ્ચે ભારત સરકાર દ્રારા તૈયાર થઈ રહેલંક બજેટ કંઈક વિશેષ અને વધુ નકકર લઈને આવશે એવી આશા રાખી શકાય.
ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સિતારમણનું આ સળંગ નવમું બજેટ છે, જે હાઈલી ઈન્ટેલકચ્યુઅલ વર્ગને મોટેભાગે ખામીવાળું લાગતું હોય છે, અન્યથા મિશ્ર પ્રતિભાવ મેળવતું હોય છે. આ વખતના વૈશ્વિક સંજોગોને ધ્યાનમાં રાખી બજેટ પાસે વધુ અપેક્ષા રાખવામાં આવી રહી છે. વેપાર કરાર અને ટ્રેડ ટૅરિફને લઈને આખરે અમેરિકા ભારત સાથે શું વ્યવહાર કરે છે એ હાલ અધ્ધરતાલ છે ત્યારે નાણાં પ્રધાને તેના જવાબમાં કે ઉપાયમાં અર્થતંત્ર માટે વધુ સજજ થવું અનિવાર્ય છે. જેમાં નિકાસ માટેના અન્ય માર્ગ-તકો ઝડપવી અને તેનો સાર્થક અમલ કરવો અનિવાર્ય બનશે. નવા બિઝનેસ- ન્યુએજ બિઝનેસનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે અને બીજીબાજુ અઈં (આટિફિશ્યિલ ઈન્ટેલિજન્સ)ને કારણે અન્ય પડકારો વધી રહયા છે ત્યારે સરકાર માટે રિફોર્મ્સમાં નવા લક્ષ્ય ઉમેરવાનો પણ સમયનો તકાજો બની જાય છે.
એક અભ્યાસ મુજબ અંદાજપત્ર-2026-27માં ભારતીય અર્થવ્યવસ્થાને વિભિન્ન ક્ષેત્રો, ખાસ કરીને સ્વાસ્થ્ય સેવા, ડિજિટલ પરિવર્તન, સંરક્ષણ ઉત્પાદન અને રિયલ એસ્ટેટમાં મહત્ત્વપૂર્ણ સુધારા કરાય એવી આશા રખાય છે.
સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રના માળખાકીય સ્ટ્રકચરને મજબૂત કરવા પર ભાર મૂકવો જરૂરી છે, જેમાં હોસ્પિટલો અને મેડિકલ કોલેજોના વિસ્તરણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્પાદનલક્ષી પ્રોત્સાહનો પીએલ-2 (પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ્સ) અંતર્ગત પરિવર્તન પર પણ ધ્યાન અપાશે. આ પહેલ મેડિકલ ઉપકરણોના દેશમાં જ ઉત્પાદનને પ્રાથમિકતા આપી શકે છે અને મુખ્ય પ્રવાહની આરોગ્ય સેવામાં આયુષ (અઢઞજઇં)ના બેહતર એકીકરણને સુગમ બનાવી શકે છે, જે સંભવિત રીતે ભારતને મેડિકલ ટૂરિઝમના કેન્દ્રના રૂપમાં સ્થાપિત કરી શકે છે.
ડિજિટલ ટેક્નોલોજી ભારતની આર્થિક પ્રગતિનું કેન્દ્ર બની ગઈ છે ત્યારે ટાર્ગેટેડ કરવેરા સંબંધી સવલતો, બેહતર ક્લાઉડ એક્સેસ અને વિસ્તારિત કૌશલ વિકાસ પહેલના માધ્યમથી ખજખઊત માં ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઈએ. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ અને સાયબર સુરક્ષા જેવા ઉભરતા ક્ષેત્રો સાથે સંકલિત કરવેરા નીતિઓ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવાની તાતી આવશ્યકતા છે.
આ વખતનું બજેટ સ્વદેશી ડિફેન્સ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, મૂડી ફાળવણીમાં વધારો કરવા અને સુવ્યવસ્થિત ખરીદ પ્રક્રિયાઓના માધ્યમથી આત્મનિર્ભરતાને ઉત્તેજન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ચોક્સાઈભર્યા ઉત્પાદન ક્ષેત્રમાં ખજખઊત માટે મજબૂત ટેકાનો અને સરકાર તરફથી નિકાસ સવલતો આપવા તેમજ ઉદ્યોગ-એકેડેમિક સહયોગને બળ પૂરું પાડવાનું પણ બજેટમાં મહત્ત્વ રહેશે.
કરવેરા નીતિને અનુમાનક્ષમતા અને વહીવટીય અખંડતાને અનુરૂપ બનાવવી જોઈએ. આવકવેરા કાયદા-2025ના અમલીકરણનો હેતુ વધુ પારદર્શક પ્રત્યક્ષ કર માળખું સ્થાપિત કરવાનો છે, પરંતુ એની સફળતા સંપૂર્ણપણે શિસ્તબદ્ધ વહીવટ પર નિર્ભર કરે છે.
આ બધા વચ્ચે મેડિકલ ટૂરિઝમ અને નીતિગત સુધારા માટે દેશના મેડિકલ ટૂરિઝમની ક્ષમતાને વધારવા નીતિવિષયક સુધારાને મહત્ત્વ અપાય એવી સંભાવના છે. આરોગ્ય સેવાના માળખાકીય ઢાંચામાં ઈન્વેસ્ટમેન્ટ અને સુવ્યવસ્થિત મેડિકલ વિઝા પ્રક્રિયાઓ ઘડવાની જરૂર છે. આપણા દેશના કુશળ ડોકટર્સ અને અત્યાધુનિક હોસ્પિટલ નેટવર્ક મેડિકલ ટૂરિઝમની માંગનો લાભ ઉઠાવવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.
રિઅલ્ટી સેકટર
આ સેક્ટરમાં વૈશ્ર્વિક ટોકનાઈઝ્ડ રિયલ એસ્ટેટ બજારનો લાભ ઉઠાવવા માટે બ્લોકચેન-આધારિત ઓનરશીપ માટે એક નિયામક માળખાની રચના કરવાની જરૂર વ્યકત થાય છે. સરળ કેપિટલ ગેન્સ માળખું અને પ્રમાણિત ફ્રેક્શનલ ઓનરશિપને લગતા નિયમો ઘડવાનું પણ સૂચન સરકારને થયું છે. ખરીદદારો અને ડેવલપર્સની સહાયતા માટે. નીતિવિષયક સુધારાની જરૂરિયાત પર ભાર આપવાની પણ જરૂર ખરી. હોમ લોનની મર્યાદા દૂર કરવા અને વ્યાજ ચૂકવણી પર કરલાભ મળવાની પણ સરકાર પાસેથી આશા રખાઇ છે.
ચાર મુખ્ય ક્ષેત્રમાં રિફોર્મ્સ
બજેટ મારફત રિફોર્મ્સ સુધારા માટે ચાર મુખ્ય ક્ષેત્રો દર્શાવવામાં આવ્યા છે:
નિયમપાલનમાં સુગમતા:
જટિલતા અને નિયમપાલન પાછળ થતો ખર્ચ ઘટાડવા માટે ટીડીએસને સરળ બનાવવું અનિવાર્ય છે. વિવાદો ઘટાડવા માટે ટીડીએસના અનેક દરને બદલે મર્યાદિત અને ઓછા દર રાખવા જોઈએ, જેથી વેપાર કરવામાં સરળતા બની રહે.
વિકાસ માટે કર-નીતિ:
દેશની વૈશ્વિક પ્રતિસ્પર્ધાત્મક્તાને ખાતર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કર સવલતોના માધ્યમથી ઉચ્ચ-ટેક્નોલોજીના ઉત્પાદનને પ્રોત્સાહિત કરી શકાય. આ ખાસ કરીને ત્યારે પણ જરૂરી બને છે જ્યારે વૈશ્વિક ગતિશીલતામાં પરિવર્તનને લીધે કુશળ વ્યાવસાયિકો ભારત પાછા ફરી શકે છે.
કરવેરાને લગતા કોર્ટ કેસો:
ટેક્સને લગતા કાનૂની ખટલાઓનો બેકલોગ ખૂબ વધી ગયો છે. આ સમસ્યાનો. તાકીદે ઉકેલ લાવવાની જરૂર છે. આ માટે વિવાદ સમાધાન માળખાનું સૂચન કરવામાં આવ્યું છે, જેથી પડતર કેસોનો કુશળ રીતે ઝડપી નિકાલ કરી શકાય અને અનિશ્ર્ચિતતાનો અંત લાવી શકાય.
ટેક્સ વહીવટ:
ટેક્સ વહીવટ અસરકારકની સાથે સુવિધાજનક પણ હોવો જોઈએ. આનો ઉદ્દેશ્ય કરદાતાઓમાં વિશ્વાસ ઊભો કરવાનો તેમ જ ટેક્સ વિભાગ અને કરદાતાઓ વચ્ચે સર્જાતા પ્રતિકૂળ ઘર્ષણનો અંત લાવવાનો હોવો જોઈએ. આમ કરવાથી પારદર્શક કર વસૂલી વ્યવસ્થા સ્થાપિત થઈ શકશે.
આમ એકંદરે બજેટ-2026માં જે પણ સુધારા લવાશે, પ્રોત્સાહનો અપાશે, જોગવાઈઓ કરાશે તે વિકાસલક્ષી તેમ જ વૈશ્વિક સ્પર્ધામાં અને પડકારો વચ્ચે મજબુત ઊભા રહેવાના લક્ષ્ય સાથેના હશે, આ પગલાં રોકાણ જગતમાં નવી તકો ઊભી કરશે, જેનો લાભ લેવા માટે રોકાણકાર વર્ગે પણ સજ્જ, સ્માર્ટ અને અભ્યાસુ બનવું જોઈશે.