નવી દિલ્હી: ભારતીય રેલવે બોર્ડ દ્વારા જાન્યુઆરી 2026 થી અમૃત ભારત II એક્સપ્રેસ ટ્રેનો દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી શ્રેણીની ટ્રેનોમાં ભાડાના માળખામાં કેટલાક પાયાના ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે મૂળ ભાડામાં કોઈ વધારો થયો નથી, પરંતુ લઘુત્તમ અંતરના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવે સ્લીપર ક્લાસ માટે મુસાફરે ઓછામાં ઓછા 200 કિમીનું ભાડું (અંદાજે ₹149) ચૂકવવું પડશે, જ્યારે સેકન્ડ ક્લાસ માટે લઘુત્તમ 50 કિમીનું ભાડું (અંદાજે ₹36) નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રિઝર્વેશન અને સુપરફાસ્ટ ચાર્જ અલગથી લાગુ થશે.
અમૃત ભારત II ટ્રેનના સ્લીપર ક્લાસમાં સૌથી મોટો ફેરફાર 'RAC' (રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન) ટિકિટને લઈને કરવામાં આવ્યો છે. હવેથી આ ટ્રેનમાં RAC નો કોઈ વિકલ્પ રહેશે નહીં; એડવાન્સ રિઝર્વેશનના દિવસથી જ તમામ બર્થ મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે. આ ટ્રેનમાં હવે માત્ર ત્રણ જ કેટેગરી માટે સ્પેશિયલ ક્વોટા ઉપલબ્ધ રહેશે, જેમાં મહિલાઓ, દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે. અન્ય કોઈ ખાસ ક્વોટા આ ટ્રેનમાં અમલી રહેશે નહીં.
રેલવેએ વરિષ્ઠ નાગરિકો અને નાના બાળકો સાથે મુસાફરી કરતા લોકો માટે લોઅર બર્થ (નીચેની સીટ) ને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે. 60 વર્ષથી વધુ ઉંમરના પુરુષો અને 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને સિસ્ટમ દ્વારા આપોઆપ લોઅર બર્થ ફાળવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેવી જ રીતે, જો કોઈ મુસાફર નાના બાળક સાથે મુસાફરી કરી રહ્યો હોય અને બાળકની અલગ બર્થ ન લીધી હોય, તો પણ સિસ્ટમ તેમને લોઅર બર્થ આપવાને અગ્રતા આપશે, જેથી મુસાફરી વધુ સુગમ બને.
રેલવે તંત્ર હવે ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપી રહ્યું છે. નવી નીતિ મુજબ, આરક્ષિત ટિકિટો માટે પેમેન્ટ મુખ્યત્વે ડિજિટલ માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. રેલવે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદતી વખતે પણ ડિજિટલ પેમેન્ટને જ પ્રાધાન્ય આપવું પડશે. ટિકિટ કેન્સલ કરાવવાની સ્થિતિમાં, મુસાફરોને 24 કલાકની અંદર રિફંડ મળે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જો ડિજિટલ પેમેન્ટ શક્ય ન હોય તો જ સામાન્ય નિયમો મુજબ રિફંડની પ્રક્રિયા કરવામાં આવશે.