ગુવાહાટી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના બે દિવસીય પ્રવાસનો પ્રારંભ ગુવાહાટીમાં એક શાનદાર રોડ-શો સાથે કર્યો હતો. એરપોર્ટથી અજારા સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં જનમેદની ઉમટી પડી હતી. ત્યારબાદ એક જનસભાને સંબોધતા વડાપ્રધાને આસામના સાંસ્કૃતિક વારસાના વખાણ કર્યા હતા અને સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આસામનો વિકાસ અને અહીંની પરંપરાઓનું સન્માન ભાજપ સરકારની પ્રાથમિકતા છે, જ્યારે અગાઉની સરકારોએ આ રાજ્યની ઉપેક્ષા કરી હતી.
પોતાના ભાષણમાં પીએમ મોદીએ આસામની સંસ્કૃતિ અને બોડો પરંપરાઓ પ્રત્યે પોતાનો લગાવ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, "વડાપ્રધાન તરીકે મેં જેટલી વાર આસામની મુલાકાત લીધી છે, તેટલી વાર અગાઉના કોઈ પીએમ અહીં આવ્યા નથી." તેમણે બિહુ ઉત્સવ અને બોડોલેન્ડ મહોત્સવ જેવા આયોજનોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેમનો ઉદ્દેશ્ય આસામની કલાને વિશ્વ સ્તરે મંચ પૂરો પાડવાનો છે. આજે જ્યોતિ પ્રસાદ અગ્રવાલાની પુણ્યતિથિએ તેમને શ્રદ્ધાંજલિ આપતા પીએમએ વારસાના જતન પર ભાર મૂક્યો હતો.
આસામમાં આવેલા પરિવર્તનને યાદ કરતા વડાપ્રધાને જણાવ્યું કે એક સમયે જ્યાં ગોળીબાર અને કર્ફ્યુનો સન્નાટો હતો, આજે ત્યાં સંગીતના સૂર અને ઉત્સવોના રંગ જોવા મળે છે. વર્ષ 2020 ના 'બોડો શાંતિ સમજૂતી' બાદ રાજ્યમાં અવિશ્વાસ દૂર થયો છે અને હજારો યુવાનો હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. આજે બોડો સમુદાયના યુવાનો રમતગમત અને સંસ્કૃતિના ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે, જે આસામ માટે ગર્વની વાત છે.
કોંગ્રેસને આડેહાથ લેતા પીએમ મોદીએ ગંભીર આરોપ લગાવ્યો કે કોંગ્રેસને આસામના સન્માન કરતા વિદેશી ઘૂસણખોરોમાં વધુ રસ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે પોતાના વોટબેંકના સ્વાર્થ માટે લાખો વીઘા જમીન પર ઘૂસણખોરોને કબજો કરવા દીધો હતો. ભૂપેન હજારિકાને ભારત રત્ન આપવાનો વિરોધ હોય કે રાજ્યમાં સેમીકન્ડક્ટર યુનિટ સ્થાપવાનો વિરોધ, કોંગ્રેસે હંમેશા આસામની પ્રગતિમાં અવરોધો ઉભા કર્યા છે. આઝાદી પછીના દાયકાઓમાં કોંગ્રેસે સમસ્યાઓ ઉકેલવાને બદલે તેના પર રાજકીય રોટલા શેકવાનું કામ કર્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાને અંતમાં જણાવ્યું કે આજે આસામ ભારતની 'ગ્રોથ સ્ટોરી'માં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. રાજ્યની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે અને આ બદલાવમાં બોડોલેન્ડના લોકોનું મોટું યોગદાન છે. આસામ હવે અસ્થિરતામાંથી બહાર આવીને આત્મવિશ્વાસ સાથે પ્રગતિના પંથે છે. પીએમએ ખાતરી આપી હતી કે ભાજપ સરકાર આસામના દરેક નાગરિકના ગૌરવ અને અધિકારોની સુરક્ષા માટે કટિબદ્ધ છે.