નવી દિલ્હી : ભારત માટે આર્થિક મોરચે સારા સમાચાર આવ્યા છે. જેમાં આઇએમએફ દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 0.7 ટકા વધારીને 7.3 ટકા કર્યો છે. આઇએમએફ દ્વારા ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અપેક્ષા કરતા સારા પરિણામો અને ચોથા ક્વાર્ટરમાં મજબૂત ગતિને ધ્યાનમાં રાખીને દેશના GDP વૃદ્ધિ દરમાં આ ફેરફાર કર્યો છે.
ભારત માટે જીડીપી વૃદ્ધિ દર 6.6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો
આ પૂર્વે આઇએમએફ દ્વારા ઓક્ટોબરમાં ભારત માટે જીડીપી વૃદ્ધિ દર 6.6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. તેના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક 2026 માં આઇએમએફનો અંદાજ છે કે સાયકલિકલ અને કામચલાઉ પરિબળો ઘટવાના કારણે નાણાકીય વર્ષ 2027 અને નાણાકીય વર્ષ 2028 માં ભારતનો વિકાસ દર 6.4 ટકા સુધી ઘટી શકે છે.
ભારતમાં ફુગાવો 2025 માં લક્ષિત સ્તરની નજીક પરત ફરવાની ધારણા
આઇએમએફે જણાવ્યું હતું કે ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો થવાને કારણે ભારતમાં ફુગાવો 2025 માં લક્ષિત સ્તરની નજીક પરત ફરવાની ધારણા છે. આઇએમએફે ઓક્ટોબરમાં કેલેન્ડર વર્ષ 2025 અને 2026 માટે વૈશ્વિક આર્થિક વૃદ્ધિનો અંદાજ 3.2 ટકા અને 3.1 ટકા થી વધારીને 3.3 ટકા કર્યો હતો. વર્ષ 2027 માટે તેણે 3.2 ટકા વૃદ્ધિનો અંદાજ લગાવ્યો હતો. જોકે, તેણે ચેતવણી આપી હતી કે એઆઇ વિશેની ઊંચી અપેક્ષાઓ, તેમજ વધતા વેપાર અને ભૂ-રાજકીય તણાવ બજારમાં મોટો કડાકો લાવી શકે છે અને વૈશ્વિક અર્થતંત્રને અસર કરી શકે છે.
મૂડીઝે પણ ભારતનો GDP વૃદ્ધિ દર 7.3 ટકા રહેવાનો અંદાજ મુક્યો
આ ઉપરાંત રેટિંગ એજન્સી મૂડીઝે પણ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP વૃદ્ધિ દર 7.3 ટકા અંદાજ મુક્યો છે. જેમાં મજબૂત આર્થિક વિસ્તરણ સરેરાશ ઘરગથ્થુ આવકને ટેકો આપશે અને વીમા માંગને મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે. ભારતના વીમા ક્ષેત્ર પરના તેના અહેવાલમાં, મૂડીઝે જણાવ્યું હતું કે મજબૂત આર્થિક વિસ્તરણ, વધતા ડિજિટાઇઝેશન, કર ફેરફારો અને પ્રબળ રાજ્ય-માલિકીના વીમા ક્ષેત્રમાં પ્રસ્તાવિત સુધારાઓ દ્વારા સંચાલિત સતત પ્રીમિયમ વૃદ્ધિથી ઉદ્યોગને ફાયદો થવાની અપેક્ષા છે.