Tue Jan 20 2026

Logo

White Logo

શિંદેનો બાર્ગેનિંગ પાવર વધ્યો: મુંબઈના મેયર માટે ફૉર્મ્યુલા બનાવી : મેયર અઢી-અઢી વર્ષનો શિંદેનો પ્રસ્તાવ, પણ ભાજપનું મૌન

1 day ago
Author: Yogesh C Patel
Video

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠક જીત્યા પછી ભાજપે હવે મુંબઈના મેયર પદ માટેની રણનીતિ બનાવવાની શરૂઆત કરી છે. જોકે ભાજપને સત્તા સુધી પહોંચાડવામાં શિંદેસેનાનો મહત્ત્વનો ફાળો હોવાથી એકનાથ શિંદેનો બાર્ગેનિંગ પાવર વધ્યો હોવાનું કહેવાય છે. શિંદે દ્વારા અઢી-અઢી વર્ષના મેયર માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, પણ ભાજપે આ મામલે હજુ સુધી મૌન સેવ્યું છે. આ વાતને લઈ બન્ને પક્ષમાં નારાજગીનું નાટક રચાવાની શક્યતા નકારી શકાય નહીં.

મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપ-શિવસેનાની યુતીએ 118 બેઠક પર વિજય મેળવ્યો છે, જેમાંથી ભાજપની 89 સીટ છે. ચૂંટણીમાં શિંદેસેનાને 29 બેઠક મળી હોવા છતાં ભાજપને સત્તા નજીક લઈ જવામાં તેમનો સિંહફાળો હોવાનું શિવસૈનિકો માને છે. પરિણામે મુંબઈનું મેયર પદ શિવસેનાને ભાગે જવું જોઈએ, એવી માગણી થઈ રહી છે.
બીજી બાજુ, ચૂંટણીમાં ભાજપ મોટો ભાઈ સાબિત થયો હોવાથી મેયર તેમનો બેસાડવાનો આગ્રહ સેવાઈ રહ્યો છે. આ બાબતે ભાજપમાં વિચારમંથન શરૂ છે. મુંબઈનો મેયર હિન્દુ મરાઠી હશે, એવું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અગાઉ જાહેરમાં કહ્યું છે.

ભાજપની સાથે એકનાથ શિંદે જૂથના કાર્યકરો પણ મેયર પદ માટે દાવો કરી રહ્યા છે. પરિણામે શિંદેએ અઢી-અઢી વર્ષ મેયર પદ વહેંચી લેવાનો પ્રસ્તાવ મૂક્યો હોવાનું જાણવા મળે છે. જોકે આ માટે ભાજપના વરિષ્ઠ નેતાઓ તૈયાર થશે કે નહીં, એ મોટો પ્રશ્ર્ન છે. હાલમાં તો ભાજપ દ્વારા આ અંગે કોઈ નિવેદન કરાયું નથી, પરંતુ અત્યારે બધાની નજર લૉટરી પર ટકેલી છે.
રાજ્યના નગર વિકાસ મંત્રાલય દ્વારા બીએમસી અને બાકીની મહાપાલિકાના મેયર પદની ચૂંટણી માટે આરક્ષણની લૉટરી કાઢવામાં આવશે. લૉટરી પદ્ધતિથી ચિઠ્ઠી ફેંકીને આનો નિર્ણય લેવામાં આવશે. આવતા સપ્તાહે થનારી આ લૉટરી મેયર જનરલ કૅટેગરી કે રિઝર્વ ક્વોટાનો હશે એ માટે થશે.

જોકે એક શક્યતા એવી પણ વ્યક્ત કરાઈ રહી છે કે મુંબઈનું મેયર પદ શિંદેસેનાને આપી ભાજપ સ્ટેન્ડિંગ કમિટી પોતાના હસ્તક રાખશે. સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષને પાલિકાના કામકાજ અંગે નિર્ણય લેવાની મહત્ત્વની સત્તા આપવામાં આવી છે. આ કમિટીના માધ્યમથી ભાજપ પાલિકાનો દોરીસંચાર કરી શકશે.