રેખા દેશરાજ
આજના ડિજિટલ યુગમાં જડીબુટ્ટીઓ એટલે કે ઔષધિની ખરીદી અને વેચાણ એક ક્લિકમાં થઇ જાય છે. આજે ભારતની 50 ટકાથી વધુ વસ્તી ઇન્ટરનેટ પર વિહરતી જોવા મળે છે. તેથી બજારમાંથી ખરીદી કરવા કરતાં લોકો આયુર્વેદિક જડીબુટ્ટીઓ વધુ ઓનલાઇન ખરીદવાનું રાખે છે. તે પછી વજન ઘટાડવા માટે જરૂરી જડીબુટ્ટીઓ હોય કે સદીઓ જૂની રોગપ્રતિકારક શક્તિ વધારતી ઔષધિઓ હોય, પરંતુ પ્રશ્ન એ છે કે શું દરેક ઓનલાઇન જડીબુટ્ટી શુદ્ધ અને સલામત હોય છે?
મોટાભાગના નિષ્ણાતોની ચિંતા છે કે નમૂનાઓની ગુણવત્તા જુદી હોય છે અને સામાન્ય રીતે તૈયાર માલ ઓછી ગુણવત્તાવાળા હોય છે. તેથી ઓનલાઇન ખરીદી કરતી વખતે આપણને શુદ્ધ અને સલામત જડીબુટ્ટી મળે તેના માટે કઇ-કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ તે અંગે ચાલો વિગતે વાત કરીએ.
વિક્રેતાની વિશ્વસનીયતા પર ધ્યાન આપવું
કોઇપણ વેબસાઇટ કે વિક્રેતા દ્વારા કરવામાં આવેલા દાવાઓ પર વિશ્વાસ કરતાં પહેલા તેમનાં પ્રમાણપત્રો, લાઇસન્સ અને અત્યાર સુધીના વેચાણ પર ગ્રાહકોની સમીક્ષા ખાસ વાંચવી જોઇએ. આયુર્વેદિક ડોક્ટર ડો. અનુપમા વર્મા જણાવે છે કે વ્યક્તિએ ફક્ત સ્થાપિત બ્રાન્ડ અથવા આયુર્વેદિક ફાર્મા કંપની પાસેથી જ જડીબુટ્ટીઓ ખરીદવી જોઇએ.
કારણ કે તેમનાં ઉત્પાદનો પર કડક ગુણવત્તા નિયંત્રણ હોય છે. જ્યારે પણ ઓનલાઇન જડીબુટ્ટીઓ ખરીદો છો ત્યારે આ બાબતો પર ખાસ ધ્યાન આપો- જીએમપી (ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ), આઇએસઓ પ્રમાણપત્ર, એફએસએસએઆઇ લિસ્ટિંગ, મૂળ પેઢીનું સરનામું અને ગ્રાહક સપોર્ટ. જો આ માહિતીઓનો કોઇપણ ઉત્પાદનમાં ઉલ્લેખ છે તો તેનો વિક્રેતા કાયદેસર હોવાનું માનવામાં આવે છે.
પ્રમાણિત લેબલ અને લેબલિંગ તપાસ
નીચે મુજબની માહિતી ઔષધિના લેબલ પર આવશ્યક અને સ્પષ્ટ રીતે લખેલી હોવી જોઇએ.
* છોડનું વૈજ્ઞાનિક નામ
* ઉપયોગની પદ્ધતિ
* માત્રા (મોતી, પાવડર, ફર્મેન્ટેશન)
* ઉત્પાદન અને સમાપ્તિ તારીખ બેચ/લોટ નંબર
* ઉત્પાદકનું નામ અને સરનામું
ઘણીવાર ઉત્પાદનો પર મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે. જેમ કે 100 ટકા શુદ્ધ, ત્વરિત પરિણામો આપનાર વગેરે વગેરે. પરંતુ હર્બલ નિષ્ણાંત રણજીત સિંહ કહે છે કે શુદ્ધ ઔષધિના પેકેજિંગ પર વૈજ્ઞાનિક નામ અને સ્ત્રોત સ્પષ્ટપણે લખેલા હોવા જોઇએ. માત્ર ટ્રેડ નામ કે બ્રાન્ડ નામ શુદ્ધતાની ગેરંટી આપતું નથી.
ગ્રાહક સમીક્ષા
ઓનલાઇન શોપિંગના આ યુગમાં જ્યારે પણ ઓનલાઇન ખરીદી કરો છો ત્યારે તે ઉત્પાદન અને વિક્રેતાઓ વિશે ગ્રાહક સમીક્ષાઓ જરૂરથી વાંચવાનું રાખો. ઓનલાઇન પ્લેટફોર્મ પર તમામ રેટિંગ અને રિવ્યુઝ સાથે છેડછાડ કરવાના પ્રયાસો છતાં ગ્રાહક સમીક્ષાઓ હજુ પણ ઉત્પાદનની ગુણવત્તાનો સૌથી મોટો આધાર હોય છે. તેથી કોઇપણ જડીબુટ્ટી અથવા તેનું ઉત્પાદન ખરીદતા પહેલા ગ્રાહક સમીક્ષાઓ વાંચો. તે કેટલી સકારાત્મક અને કેટલી નકારાત્મક છે. વપરાશકર્તાની વાસ્તવિક છબી અથવા તેના ફીડબેક પર ધ્યાન આપો. કોઇ ઉત્પાદન માટે ઉપલબ્ધ સમીક્ષાઓમાંથી ઓછામાં ઓછી 50 ટકા તો વાંચવાનું રાખવું જ જોઇએ. ઘણી વખત ફાઇવ સ્ટાર રેટિંગ છતાં ઓછી સમીક્ષાવાળી વસ્તુ છેતરપિંડી સાબિત થઇ શકે છે.
અહેવાલોની શુદ્ધતા
ક્યારેક ક્યારેક કેટલાક વિક્રેતાઓ દાવો કરે છે કે તેમની ઔષધિઓ પરીક્ષણ કરાયેલ છે. જેમ કે
* એચપીએલસી/ટીએલસી/જીસી-એમએસ જેવા પરીક્ષણ
* ભારે ધાતુ મુક્ત
* માઇક્રોબાયલ ટેસ્ટ પાસ
જો આ પરીક્ષણ અહેવાલો ઉપલબ્ધ છે તો ઉત્પાદનની શુદ્ધતા અને તેની અસરકારકતાની સંભાવના નોંધપાત્ર રીતે વધી જાય છે. કેટલીક ઔષધિઓ બાળકો, સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ, ડાયાબિટીસ અથવા હાઇ બ્લડ પ્રેશર પીડિત લોકો માટે યોગ્ય હોતી નથી. જો કે ઘણીવાર કેટલીક બ્રાન્ડ આ માહિતી અથવા સંકેત આપતા હોતા નથી. તેથી નિસર્ગોપચારક નિષ્ણાંત ડો. પ્રિયંકા જોશી કહે છે કે કોઇપણ નવી ઔષધિને 7 થી 10 દિવસ સુધી ઓછી માત્રામાં લો અને તમારા શરીરની પ્રતિક્રિયાનું અવલોકન કરો.
ઘટકોનો સ્તોત્ર અને ખેતીની પદ્ધતિ
શુદ્ધ ઔષધિનું સૌથી મહત્ત્વપૂર્ણ પાસું તેનો સ્તોત્ર એટલે કે તે ક્યાં અને કેવી રીતે મળી આવે છે તે હોય છે.
* શું તે ઓર્ગેનિક ખેતી દ્વારા ઉત્પન્ન થાય છે?
* શું તે કુદરતી જંગલોમાંથી એકત્રિત કરવામાં આવે છે?
* શું તે સસ્ટેનેબલ હાર્વેસ્ટિંગ એટલે કે પર્યાવરણીય રીતે સુરક્ષિત વાતાવરણમાં ઉગાડવામાં આવી છે?
હકીકતમાં કોઇપણ ઉત્પાદન પર માત્ર ઓર્ગેનિક લખી દેવું પૂરતું હોતું નથી. જો પ્રમાણિત લેબલ હોય તો જ વિશ્વાસ કરવો જોઇએ. જડીબુટ્ટી ઓનલાઇન ખરીદતી વખતે એ વાત પર ધ્યાન આપવું જોઇએ કે તે બજાર ભાવ કરતાં ઓછી કિંમતે વેચાઇ રહી નથી.
* જો એમ હોય તો ગડબડ હોઇ શકે છે. કારણ કે નિષ્ણાતો અનુસાર તેમાં ભેળસેળ હોવાની શક્યતા વધુ હોય છે.
* આવી ઔષધિઓ દૂષિત હોઇ શકે છે. એટલે કે તેમાં માટી, રેતી અથવા ભારે ધાતુઓ હોઇ શકે છે અને સૌથી અગત્યની વાત કે આવી ઔષધિઓની અસરો ખૂબ જ નબળી હોય છે.
તેથી નિષ્ણાતોનું માનવું છે કે જડીબુટ્ટીઓ ન તો કૃત્રિમ રીતે ઉત્પન્ન થાય છે અને ન તો ઝડપથી ઊગી નીકળે છે. તેની ખેતી અને તેને ઉપયોગ યોગ્ય બનાવવા વચ્ચે ખાસ્સો સમય લાગે છે. તેથી જો કોઇ જડીબુટ્ટી સામાન્ય રીતે બજાર ભાવ કરતાં ઘણી સસ્તી છે તો તે નકલી અથવા અશુદ્ધ હોવાની ભારોભાર શક્યતા હોય છે.
રિફંડ અને રિટર્ન પોલિસી
ઓનલાઇન ખરીદી ઘણીવાર અસંતોષકારક પરિણામો આપે છે. તેથી ઓનલાઇન જડીબુટ્ટીઓ ખરીદતી વખતે નિયમો અને શરતોની સમીક્ષા કરો કે શું તમને તે પસંદ ન આવે કે ગુણવત્તાની કસોટીમાં ખરી ન ઊતરે તો રિફંડ પોલિસી છે કે નહીં. જો છે તો રિટર્ન શરતો શું છે?
*ખામીયુક્ત અથવા અસંતુષ્ટ ઉત્પાદનો માટે ગ્રાહક સપોર્ટનો સમય તપાસો. જો કોઇ વિક્રેતા સ્પષ્ટ પોલિસી આપતો નથી તો તેને પ્રાથમિકતા આપશો નહીં.
*છેલ્લે એ વાત પર ધ્યાન આપો કે તમામ જડીબુટ્ટીઓ ત્યારે જ ફાયદાકારક હોય છે જ્યારે તેનો ઉપયોગ યોગ્ય માત્રામાં, યોગ્ય સમય પર અને યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે.
તેથી હર્બલ ઉત્પાદનના પેકેજિંગ પર માત્રા- દૂધ કે પાણીની સાથે અથવા તેના વિના યોગ્ય સમય એટલે કે સવાર કે સાંજે અને સમયગાળો એટલે કે દિવસ, અઠવાડિયું વગેરે દર્શાવેલા હોવા જોઇએ. જો કોઇ ઉત્પાદનમાં નિષ્ણાતોની આવી સલાહ ન હોય તો તેનું વધુ માત્રામાં સેવન કરવું હાનિકારક સાબિત થઇ શકે છે.
શુદ્ધ જડીબુટ્ટી ઓનલાઇન ખરીદવા માટેની નવ શરતો
* વિશ્વસનીય વિક્રેતા
* યોગ્ય લેબલિંગ
* મહત્તમ ગ્રાહક સમીક્ષા
* પરીક્ષણ અહેવાલોની ઉપલબ્ધતા
* સસ્તી અથવા અસામાન્ય કિંમતોથી સાવધ રહો
* પ્રમાણિત ઓર્ગેનિક સ્ત્રોત
* રિટર્ન/રિફંડ નીતિ
* ડોક્ટર/નિષ્ણાંતની સલાહ
* પહેલા નાના પેકમાં ટ્રાયલ કરવું