બોટાદ: જિલ્લાના તુરખા ગામમાં સગીરાના અપહરણની શંકાથી ઊભા થયેલા ઝઘડામાં હુમલાની ઘટના બની હતી અને જેમાં 60 વર્ષીય દલિત વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. આથી આ ઘટના હત્યામાં પરિણમી હતી અને આ ઘટનાના વિરોધમાં અને અન્ય માંગણીઓ સાથે મૃતકના પરિવારે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
સગીરાના અપહરણના વિવાદમાં લોહિયાળ ખેલ
મળતી વિગતો અનુસાર, ગત 12 જાન્યુઆરીએ બોટાદના તુરખા ગામના એક દલિત યુવકે સગીરાનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ આ કેસને પ્રેમપ્રકરણ માની રહી હતી. જોકે, 15 જાન્યુઆરીએ સગીરાના પિતાએ અપહરણ કરનાર યુવકના સંબંધીને ઠપકો આપતા મામલો બિચક્યો હતો. સામા પક્ષના આશરે 15 જેટલા શખ્સોએ હથિયારો સાથે સગીરાના પિતાના ઘર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધા સહિત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં સારવાર દરમિયાન 60 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજતા આ બનાવ હત્યામાં પરિણમી હતી.
પોલીસ અધિકારીઓ સામે પગલાં
ભાવનગરની હોસ્પિટલ ખાતે વિરોધ કરી રહેલા પરિજનોનો આક્ષેપ છે કે જો સ્થાનિક પોલીસે સગીરાને શોધવામાં સમયસર પગલાં ભર્યા હોત, તો આ હિંસક હુમલો ટાળી શકાયો હોત. પરિવારની મુખ્ય માંગણી છે કે બેદરકાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને હુમલામાં સંડોવાયેલા તમામ 15 આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. જ્યાં સુધી આ માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ લેવા તૈયાર નથી.
પોલીસની કાર્યવાહી અને ક્રોસ ફરિયાદ
બોટાદ એસપી (SP) ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત 4 લોકોની ધરપકડ કરી છે અને અન્ય 2 શખ્સો પોલીસ નિગરાની હેઠળ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ચાર ટીમો બનાવી છે. એસપીના જણાવ્યા અનુસાર, આ કેસમાં સામસામે ફરિયાદ (ક્રોસ ફરિયાદ) નોંધવામાં આવી છે, કારણ કે સામા પક્ષના લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે પરિવારને સમજવા અને મૃતદેહ સ્વીકારવાની અપીલ કરી છે.