અમદાવાદઃ શહેરમાં પાણીપુરીના રસિયા માટે માઠા સમાચાર છે. શહેરમાં 280 લારીમાં અખાદ્ય પાણીપુરી પકડાઈ હતી. પાણીપુરી વિક્રેતાઓ પાણી, રગડો વગેરેમાં ફેક્ટરી ગ્રેડનો કલર વાપરી જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું.
કયા વિસ્તારમાંથી લેવાયા હતા નમૂના
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શહેરમાં પાણીજન્ય રોગચાળો ડામવા માટે પાણીપુરીની લારીઓ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમોએ ચાંદલોડિયા, ગોતા, થલતેજ, ઘાટલોડિયા, સાબરમતી, રાણીપ, ચાંદખેડા, નવા વાડજ, વાસણા, પાલડી, સરખેજ, ખોખરા, ઈસનપુર, જમાલપુર, વટવા, મણીનગર, બાપુનગર, સરસપુર, ગોમતીપુર, ખાડિયા, શાહપુર, દરિયાપુર સહિતના વિસ્તારોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા.
લેબ રિપોર્ટ શું મળ્યું
આ વિસ્તારની લારીઓમાંથી લેવાયેલા નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. કુલ 1121 જેટલા નમૂના પૈકી 280 નમૂનામાં અખાદ્ય કલર ભેળવવામાં આવ્યો હોવાનું પૂરવાર થયું હતું. બે નમૂનામાં પાણીમાં હાનિકારક બેક્ટેરિયા જોવા મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જે નમૂના ફેલ થયા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે અને આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
કયા ઝોનમાંથી કેટલા નમૂના થયા ફેલ
પશ્ચિમ ઝોનઃ 26
ઉત્તર પશ્ચિમ ઝોનઃ 34
દક્ષિણ પશ્ચિમ ઝોનઃ 33
મધ્ય ઝોનઃ 33
ઉત્તર ઝોનઃ 48
પૂર્વ ઝોનઃ 52
દક્ષિણ ઝોનઃ 54