અમદાવાદ: ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ નશો કરીને વાહન ચલાવીને અન્યના જીવને જોખમમાં મુકવાની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. આવો જ એક કિસ્સો અમદાવાદથી બહાર આવ્યો છે. શહેરના શીલજ-રાંચરડા રોડ પર ગત મોડી રાત્રે નશામાં ધૂત એક કારચાલકે પૂરઝડપે વાહન ચલાવીને એક નહી પણ 9 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતના કારણે ભારે ભાગદોડ મચી ગઈ હતી.
મળતી વિગતો અનુસાર અમદાવાદના શીલજ-રાંચરડા રોડ પર રવિવારે મોડી રાત્રે દારૂના નશામાં ધૂત એક કાર ચાલકે ભારે આતંક મચાવ્યો હતો. નીતિન શાહ નામનો શખ્સ પોતાની કિયા કાર લઈને પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો, ત્યારે તેણે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. નશામાં ચૂર આ ચાલકે રસ્તા પર ઉભેલા અને પસાર થતા એક પછી એક એમ કુલ 9 વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કારની સ્પીડ એટલી વધારે હતી કે તેની અડફેટે આવેલા અનેક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જ્યા બાદ જ્યારે ચાલક કારની બહાર નીકળ્યો ત્યારે તે ભાનમાં નહોતો અને દારૂના નશાને કારણે સરખી રીતે ઉભો પણ રહી શકતો નહોતો. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે.
ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને રોષે ભરાયેલા લોકોએ નશાખોર ચાલકને સ્થળ પર જ પકડી પાડ્યો હતો. લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા એમ-ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપી નીતિન શાહની અટકાયત કરી હતી. પોલીસે આરોપીને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.