- શોભિત દેસાઈ
હસરત જયપુરી, શૈલેન્દ્ર
ચાલો, આજે ફરી એકવાર પર્દાના માનવજાતને અલૌકિક, અદ્ભુત, એકમેવ અને ઉત્તમ ઉપહાર ‘ગાઇડ’ની વાત શરૂ કરીએ તો ઉર્દૂનો એક બેજોડ શેર છે...
બસ ઇક કદમ ઉઠા થા ગલત રાહ-એ-શૌકમેં
મંઝીલ તમામ ઉમ્ર મુઝે ઢૂંઢતી રહી
અબ્દુલ હમીદ અદમ
પ્રેમના માર્ગમાં એક નાનકડી ભૂલ શું થઇ, મંઝીલ મને કાયમની હાથતાળી આપી ગઇ. અહીં અદમનો જાદુ મંઝીલ આખી જિંદગી મને શોધતી રહીમાં છે.
હસરત જયપુરી વિશે આમ તો કોઇ ફેલફિતુરીના, કોઇ ઉદ્ધતાઇના કિસ્સા સાંભળ્યા તો નથી પણ મિત્ર કલ્પેન શાહ હું ગાઇડ વિશે લખતો હોઉં અને મને અજાણી માહિતીથી સમૃદ્ધ ન કરે તો કલ્પેન શાનો? ઓરિજિનલી તો એસ.ડી. બર્મને હસરતને ગીતકાર તરીકે રાખ્યા હતા. સૌથી પહેલા ગીત વખતે એસ. ડી. હસરતને બોલ્યા : ગીત જેવું જોઇએ છે એવું બન્યું નથી. ફરી વખત લખવું પડશે. હસરત હેરાન, એ વાતથી કે ગીત તો રેકોર્ડ થઇ ગયું છે રફીના અવાજમાં, ત્યારે તો બધું બરાબર હતું. બર્મન ચૂપ અને હસરત સમજી ગયા કે વાંધો નિર્માતા (દેવ) અને નિર્દેશક (વિજય)ને છે.
હસરત એ વખતના ટોપના ગીતકાર. પસંદ નાપસંદ હોય પણ રેકોર્ડ થઇ ગયા પછીનું વલણ હસરત સમજી ન શકયા. રમેશ પારેખ કહે છે એમ, ત્યાં જ બેટો થાપ ખાઇ ગયો. બર્મને બન્નેની નાપસંદગીની વાત હસરતને કહી ઉમેર્યું કે વિજય આનંદ દિગ્દર્શક પણ ચાહે છે કે વાર્તાના મુખ્ય નાયક રાજુ ગાઇડની હાલત અને મૂડ પર થોડા બીજા કવિત આવવા જોઇએ અને... અને... હસરત ફાટયો... કહે : આના ઉપર આનાથી વધારે સારું હું શું લખું? આ તો એક દલાલનું ગીત છે. (‘ગોલ્ડી-ધ મેન એન્ડ ધ મુવીઝ’ નામની વિજય આનંદની બાયોગ્રાફીમાં તમે શબ્દશ: આ જ લખાયેલું વાંચશો.) પિકચરના મુખ્ય પાત્ર એટલે કે દેવ આનંદના પાત્રને દેવાયેલી આ ગાળ હતી.
આનંદ બ્રધર્સ ધૂંઆપૂંઆ... તરત વિજયે દેવને કહ્યું કે આ માણસ જોડે કેવી રીતે ફિલ્મ બનાવી શકાશે. દેવ તરત જાણી લે છે કે એ દિવસોના સામાન્ય રૂ. 500 પ્રતિ ગીતના ભાવની સામે ગાઈડના બધા જ ગીત લખવાનો કોન્ટ્રેકટ હસરત જયપુરી સાથે રૂ, 25,000માં કરાયો હતો. ફિલ્મમાં એકપણ ગીત લીધા વગર એ જ ક્ષણે હસરત જયપુરીને કોન્ટ્રેકટની તમામ રૂ, 25,000ની રકમ આપીને છૂટા કરી દેવામાં આવે છે અને આવી જાય છે શૈલેન્દ્ર. હસરત કેવા નેગેટિવ ટ્રાન્સમાં હશે કે એ આવું બોલ્યા ! અને આનંદ બંધુ કેવા પોઝીટિવ ટ્રાન્સમાં હશે કે 1963ની સાલમાં કદાચ જુહુ સ્કીમમાં રૂ.25,000માં 500 વારનો બંગલો ખરીદી શકાય એટલા પૈસા ચુકવતા એમને એક મિનિટ ન લાગી. અને પછી જે પરિણામ આવે છે એ કેવું આવે છે ?! ગુજરાતી કવિતાના સર્વશ્રેષ્ઠ સંગ્રહો કરતાં વધુ ઉત્કૃષ્ટ કવિતાઓ એક ફિલ્મના માધ્યમથી જગતમાં વહેતી થઇ.
1. વહાં કૌન હૈ તેરા, મુસાફિર જાયેગા કહાં
દમ લે લે ઘડીભર યે છૈયાં પાયેગા કહાં
2. તેરે મેરે સપને અબ એક રંગ હૈ.
જહાં ભી લે જાયે રાહેં હમ સંગ હૈ
3. પિયા તોસે નૈના લાગે રે...
4. કાંટોસે ખીંચ કે યે આંચલ
તોડકે બંધન બાંધી પાયલ
આજ ફિર જીનેકી તમન્ના હૈ આજ ફિર મરનેકા ઇરાદા હૈ
5. દિન ઢલ જાયે હાયે રાત ન જાયે
તુ તો ન આયે તેરી યાદ સતાયે
6. ગાતા રહે મેરા દિલ, તૂ હી મેરી મંઝીલ
કહીં બીતે ના યે રાતેં, કહીં બીતે ના યે દિન
7. મોસે છલ કીયે જાય, સૈંયા બેઇમાન
8. કયા સે કયા હો ગયા, બેવફા તેરે પ્યાર મેં
છાપરા પર ચઢીને જેની નાસ્તિકી બૂમાબૂમ કરી રહી છે, પોકારી રહી છે એવો મારા જેવો NON BELIEVER પણ માને જ માને કે એની, કોની? પરમાત્માની ઇચ્છા ના હોય તો આટલા મોટા ગજાની સર્જનાત્મકતાઓ મેળો બનીને ગાઇડમાં સાથે ન થઇ જાય.
‘ફના’ જવાહર બક્ષી સિવાય આજે તો કોનાથી અંત લાવીએ! બીજી કોઇ પંક્તિ ટકે એમ જ નથી...
કોઇ લખાવે છે ને લખે જાઉં છું ‘ફના’
મારી ગઝલમાં કોઇ જવાહરગીરી નથી.
છતાં... વિજય આનંદ આટલા મહાન કલાકાર હોવા છતાંય એક જગ્યાએ ફૈઝની એક પંક્તિ ઋણ સ્વીકાર કર્યા વગર પોતાના નામે મૂકી દે છે... બોલો... પ્રેમ પતી ગયા પછી રાજુ રોઝીથી વિદાય લઇ રહ્યો છે અને ...
રોઝી : અચ્છા અબ આપ જાઇએ ઔર કપડે બદલીયે આપકી રાહ દેખતી હું.
રાજુ : બહોત રાહ દેખી, ઇક ઐસી રાહ પે જો તેરી રેહગુઝર ભી નહીં...
ન જાને કીસ લીયે ઉમ્મીદવાર બૈઠા હું.
ઇક ઐસી રાહ પે જો તેરી રહગુઝર ભી નહીં
ફૈઝ અહમદ ફૈઝ
આજે આટલું જ...