અમદાવાદઃ શહેરના ચંડોળા, કુબેરનગરના ઉમલા તળાવ અને ઈસનપુર તળાવ બાદ વધુ એક તળાવ પર બુલડોઝર ફરી વળ્યું છે. શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં આવેલા 420 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે. કુલ ચાર તબક્કામાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે. વર્ષ 2010 પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. ઉપરાંત ધાર્મિક સિવાયના દબાણો હટાવાશે.
કામગીરી જોવા સ્થાનિકો ટોળે વળ્યા
દબાણ હટાવાની કામગીરીમાં 300 અધિકારીઓ-કર્મચારીઓ અને 500 પોલીસ જવાનો જોડાયા છે. 12 હિટાચી મશીન અને 4 જેસીબી મશીનની મદદથી દબાણ હટાવવામાં આવી રહ્યા છે. ડિમોલિશન કામગીરી જોવા માટે સ્થાનિકો ભેગા થયા છે, જેથી તમામને ઘરમાં રહેવા માટે જણાવાયું છે. ગેરકાયદેસર બાંધકામોની સાથે તળાવની બાજુમાં આવેલા ટીપી રોડને ખોલવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. તળાવની બાજુમાંથી 18 અને 24 મીટરના રોડ પસાર થાય છે જે હાલમાં હયાત 8 મીટર જેટલા છે. જેથી રોડ ઉપર આવેલા આ તમામ ગેરકાયદેસર બાંધકામો ડિમોલિશન કરવામાં આવી રહ્યા છે.
2010 પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાશે
ડિમોલિશન અંગે માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું, વાંદરવટ તળાવની 58,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે. 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. હિટાચી અને JCB દ્વારા દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 2010 પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વાંદરવટ તળાવ, મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવનું ઇન્ટર લિંકિગ કરવાનું હોવાથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે.
તંત્રની પણ માનવતા આવી સામે
ડિમોલિશન દરમિયાન તંત્રની માનવતા પણ જોવા મળી હતી. ડિમોલિશન થઈ રહ્યું છે ત્યાં બાજુમાં આવેલી સોસાયટીમાં આજે એક શુભ પ્રસંગ હોવાથી બાજુમાં આવેલી જગ્યામાં મંડપ બાંધી અને ત્યાં રસોડું કરવામાં આવ્યું છે. આજે સવારથી ડિમોલિશન શરૂ કરતાં સ્થાનિકોએ બપોર સુધીનો જમણવારનો પ્રસંગ પૂર્ણ થાય ત્યાં સુધી ડિમોલિશન બપોર બાદ કરવા વિનંતી કરી હતી. સ્થાનિક રહેવાસીનો પ્રસંગ ન બગડે તેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા તે જગ્યામાં બપોર બાદ ડિમોલિશન કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ પહેલા શહેરમાં અહીં ડિમોલિશનની કામગીરી
આ પહેલા અમદાવાદમાં ચંડોળા તળાવ અને કુબેરનગરના ઉમલા તળાવમાં ડિમોલિશનની કામગીરી થઈ હતી. 29 એપ્રિલ, 2025ના રોજ અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ હતી. 50 JCB મશીન સાથે AMCની ટીમે સવારે 7 વાગ્યાથી બાંધકામો તોડવાનું શરૂ કર્યું હતું. 24 નવેમ્બરના રોજ ચંડોળા તળાવ બાદ ઈસનપુર તળાવમાં પણ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ઈસનપુર તળાવમાં છેલ્લાં અનેક વર્ષોથી દબાણો કરવામાં આવ્યાં હતાં. ચંડોળા તળાવની જેમ જ ઈસનપુર તળાવમાં 1,000થી વધારે લોકો રહેતા હતા. આ તમામ દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી કરાઈ હતી.
16 ડિસેમ્બર, 2025ના રોજ કુબેરનગર ITI રોડ પર આવેલા કમલ (ઉમલા) તળાવમાં સવારથી બપોર સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તળાવમાં 150 જેટલા કાચા-પાકા મકાનો ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડી 20,032 ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.