Tue Jan 20 2026

Logo

White Logo

મારુતિ સુઝુકી ખોરજમાં રૂ. 35,000 કરોડના રોકાણ સાથે નવો પ્લાન્ટ સ્થાપશે; : 10 લાખ વાહનોનું થશે ઉત્પાદન...

1 day ago
Author: Devayat Khatana
Video

Maruti Suzuki


(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ દ્વારા અમદાવાદ નજીક ખોરજમાં રૂ. 35,000 કરોડના રોકાણ સાથે નવો વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને મારુતિ સુઝુકીના એમ.ડી. હિતાશી તાકેઉચીની ઉપસ્થિતિમાં ઇન્વેસ્ટમેન્ટ લેટર સુપરત કરવામાં આવ્યા હતા. આ નવો પ્લાન્ટ જી.આઇ.ડી.સી. દ્વારા ફાળવવામાં આવેલી 1750 એકર જમીન પર તૈયાર કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ અન્વયે કુલ ચાર ઉત્પાદન યુનિટ્સ સ્થાપવામાં આવશે, જેની સંયુક્ત વાર્ષિક ક્ષમતા 10 લાખ કારની રહેશે. કંપનીના આયોજન મુજબ, પ્રથમ યુનિટમાં ઉત્પાદન પ્રક્રિયા નાણાકીય વર્ષ 2029 થી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ માટેના એમ.ઓ.યુ. વર્ષ 2024ની વાઇબ્રન્ટ સમિટ દરમિયાન કરવામાં આવ્યા હતા. હાલમાં હાંસલપુર ખાતે કંપનીનો પ્રથમ પ્લાન્ટ કાર્યરત છે, જેની ક્ષમતા પણ વર્ષ 2026-27 સુધીમાં વધારીને 10 લાખ યુનિટ કરવાની યોજના છે.

રોજગારીની દ્રષ્ટિએ આ પ્લાન્ટ અત્યંત મહત્વનો સાબિત થશે. તેનાથી 12,000 થી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી મળવાની સંભાવના છે. આ ઉપરાંત, આસપાસના વિસ્તારોમાં આનુષંગિક એકમો અને એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રનો વિકાસ થવાથી અંદાજે 7.50 લાખથી વધુ લોકોને પરોક્ષ રોજગારીની તકો પ્રાપ્ત થશે. આ રોકાણથી ગુજરાતના ઓટોમોબાઈલ સેક્ટરને વૈશ્વિક સ્તરે વધુ મજબૂતી મળશે.

કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાતના પ્રારંભથી જ જાપાન ગુજરાતના વિકાસ પ્રવાસમાં મહત્વનું ભાગીદાર રહ્યું છે. મારુતિ સુઝુકીના એમ.ડી. હિતાચી તાકેયુચીએ ગુજરાત સરકારના સક્રિય સહયોગની પ્રશંસા કરતા 'મેક ઇન ઇન્ડિયા' પહેલમાં કંપનીના યોગદાનની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. આ પ્રસંગે મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ સહિત રાજ્ય સરકાર અને મારુતિ સુઝુકીના ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.