ભાવનગરઃ બગદાણાના સેવક નવનીત બાલધીયા પર માયાભાઈ આહીરના પુત્રે જ હુમલા કરાવ્યો હોવાની કોળી આગેવાને જુબાની આપી હતી. તેમજ 15 પુરાવા સોંપ્યા હતા. સોમવારે ભાવનગર રેન્જ આઈજી ઓફિસ ખાતે SIT ટીમે પ્રથમ વખત આ બનાવના ભોગ બનનાર નવનીત બાલધિયાને નિવેદન માટે આઈજી ઓફીસ ખાતે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની બે કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ તેણે દાવો કર્યો કે, તેણે સીટને 15 પુરાવા સોંપ્યા છે, જે મુજબ ટીમ તપાસ કરશે તો મુખ્ય સૂત્રધાર સુધી સરળતાથી પહોંચી શકાશે.
આ ઉપરાંત બાલધિયાએ ચોંકાવનારો દાવો કરતાં જણાવ્યું, સામાન્ય કોન્સ્ટેબલ પણ માની રહ્યો છે કે, આ હુમલા પાછલ જયરાજ આહીરનો હાથ છે. તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, જો આ કેસમાં અમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં અમારા સમાજનું સંમેલન બોલાવીશું અને તેમાં આગળની રણનીતિ નક્કી કરીશું.
શું છે સમગ્ર મામલો
બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી.
જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાઇવર્ટ કરી રહી છે. મારી માગ છે કે આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ સમાચારે માયાભાઈ આહીરના પુત્રના વિવાદ અંગે ગુજરાતના જાણીતા પત્રકાર જગદીશ મહેતા સાથે ટોક શો કર્યો હતો.