Tue Jan 20 2026

Logo

White Logo

અમેરિકાના ટેરિફનો માર, : ગુજરાતના ડેનિમ ઉદ્યોગે બદલવો પડ્યો બિઝનેસ મોડલ

3 hours from now
Author: MayurKumar Patel
Video

અમદાવાદઃ અમેરિકા દ્વારા ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લાદવામાં આવ્યો છે. જેના કારણે અનેક ઉદ્યોગો પર અસર થઈ છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફની ગુજરાતના ડેનિમ ઉદ્યોગ પર મોટી અસર થઈ છે. સ્પર્ધાત્મક બજારમાં ટકી રહેવા માટે અનેક ડેનિમ મેકર્સે બિઝનેસ મોડલમાં બદલાવ કરવો પડ્યો છે.

મળતી વિગત પ્રમાણે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા વધારાના ટેરિફને કારણે વર્ષો જૂના વ્યાપારી સંબંધો નબળા પડ્યા છે. અત્યાર સુધી ભારતની મોટી મિલો અને નિકાસકારો માટે અમેરિકા એક મોટું બજાર હતું, જ્યાં મોટા જથ્થામાં ઓર્ડર અને સ્થિર નફો મળતો હતો. પરંતુ હવે આ સમીકરણ બદલાઈ ગયું છે. નિકાસમાં મળતી રાહત છીનવાઈ જતાં હવે મિલો સ્થાનિક બ્રાન્ડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે માલ તો મોટો ખરીદે છે પણ ભાવમાં ખૂબ જ રકઝક કરે છે. પરિણામે, હવે આ બિઝનેસ 'હાઈ-સ્પીડ પણ લો-માર્જિન' બની ગયો છે. ડેનિમની જૂની કાર્યપદ્ધતિ હવે બદલાઈ રહી છે.

ડેનિમ કેમ થયું મોંઘું

અમેરિકામાં ભારતીય ડેનિમની નિકાસ પર કુલ 50 ટકા જેટલો તોતિંગ ટેરિફ લાગે છે. જેમાં બેઝલાઇન ડ્યુટી અને 2025 માં ભૌગોલિક રાજકીય મુદ્દાઓને કારણે લાદવામાં આવેલા વધારાના ટેરિફનો સમાવેશ થાય છે. આના કારણે બાંગ્લાદેશ કે વિયેતનામની સરખામણીએ ભારતીય ડેનિમ મોંઘું થઈ ગયું છે.

ડેનિમની નિકાસમાં તોતિંગ ઘટાડો

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2024-25 માં એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન અમેરિકામાં ડેનિમની નિકાસ 49.68 લાખ ચોરસ મીટર હતી, જે 2025-26 ના સમાન ગાળામાં ઘટીને માત્ર 2.47 લાખ ચોરસ મીટર રહી ગઈ છે. એટલે કે વાર્ષિક ધોરણે નિકાસમાં 86 ટકા નો ઘટાડો નોંધાયો હતો.

સ્ટોકની સમય મર્યાદા ઘટાડી

નિકાસ ઘટતા ગુજરાતની મિલો હવે સ્થાનિક બજાર તરફ વળી છે. ભારતમાં હાલમાં 'ફાસ્ટ ફેશન' અને સસ્તી બ્રાન્ડ્સનો દબદબો છે. સૂત્રોએ  જણાવ્યું હતું કે, ઝુડીયો, સ્ટાઈલ અપ અને રિલાયન્સ રીટેલ જેવી બ્રાન્ડ્સ કે જે 400 થી 2,000 રૂપિયાની રેન્જમાં કપડાં વેચે છે, તે ડેનિમની માંગ વધારી રહી છે. પરંતુ આ બ્રાન્ડ્સ કાપડના ભાવમાં ખૂબ જ દબાણ લાવે છે, જેનાથી ઉત્પાદકોનો નફો ઘટે છે. સોશિયલ મીડિયાના જમાનામાં ફેશન પણ ઝડપથી બદલાય છે. અત્યારે લૂઝ અને બેગી ફિટિંગની માંગ છે, પરંતુ આ ટ્રેન્ડ ક્યારે બદલાઈ જાય તે નક્કી હોતું નથી. આથી ઉત્પાદકો હવે સ્ટોક રાખવાનું ટાળી રહ્યા છે. પહેલા જે સ્ટોક 30 દિવસનો રાખવામાં આવતો હતો તે હવે ઘટાડીને 15 દિવસનો કરી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત સૂત્રોએ કહ્યું, વૈશ્વિક બજારમાં ડેનિમનો ઉપયોગ વધી રહ્યો છે. ગુજરાતના ઉત્પાદકો હાલમાં 75-80 ટકા  ક્ષમતા પર કામ કરી રહ્યા છે. ઘણી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ હવે ભારતમાંથી ગારમેન્ટ્સ લઈ રહી છે જે સારી નિશાની છે. નિકાસ મર્યાદિત થતા હવે વધુ મિલો સ્થાનિક બજારમાં સ્પર્ધા કરી રહી છે. પેમેન્ટ સાયકલ લાંબી થઈ રહી છે, તેથી વધુ સ્ટોક રાખવો હવે જોખમી છે.