Tue Jan 20 2026

Logo

White Logo

અમદાવાદીઓ ખાસ વાંચજો! બુલેટ ટ્રેનની કામગીરીને : પગલે શાહીબાગ અંડરબ્રિજ 6 દિવસ માટે બંધ

3 hours from now
Author: Devayat Khatana
Video

અમદાવાદ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હવે અમદાવાદના શહેરના મધ્ય વિસ્તારોમાં તેજ ગતિએ આગળ વધી રહી છે. સાબરમતીથી વટવા સુધીના પાયલોટીંગ અને સેગમેન્ટ લગાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે શાહીબાગ અંડરબ્રિજ પાસે તૈયાર થયેલા પિલરો પર ભારેભરખમ સેગમેન્ટ લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને ધ્યાનમાં રાખીને સુરક્ષાના કારણોસર આગામી તા. 23 જાન્યુઆરીથી તા. 28 જાન્યુઆરી સુધી આ વિસ્તારમાં વાહનવ્યવહાર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરના ઈન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક)  દ્વારા જાહેરનામું બહાર પાડી જણાવવામાં આવ્યું છે કે, શાહીબાગ અંડરબ્રિજના ત્રણેય પ્રવેશ અને નિકાસ માર્ગો તા. 23/01/2026ના રાત્રે 20:00 કલાકથી તા. 28/01/2026ના રાત્રે 24:00 કલાક સુધી તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન બુલેટ ટ્રેનના પિલરો પર ગર્ડર અને સેગમેન્ટ ગોઠવવાનું કામ રાત-દિવસ ચાલશે, જેને પગલે મુસાફરોએ વૈકલ્પિક માર્ગોનો આશરો લેવો પડશે.

મુસાફરોની સુવિધા માટે તંત્ર દ્વારા ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ, દિલ્હી દરવાજા કે સુભાષબ્રિજથી એરપોર્ટ અને ગાંધીનગર તરફ જનારા વાહનચાલકો સુભાષબ્રિજથી શિલાલેખ ફ્લેટ થઈ રિવરફ્રન્ટના માર્ગે ડફનાળા થઈને જઈ શકશે. એ જ રીતે એરપોર્ટ અને ગાંધીનગરથી શહેર તરફ આવતા લોકો ડફનાળા રિવરફ્રન્ટ અથવા શાહીબાગથી મહાપ્રજ્ઞજી બ્રીજનો ઉપયોગ કરીને અસારવા, દિલ્હી દરવાજા કે કાલુપુર તરફ જઈ શકશે. તદુપરાંત, ગીરધરનગર અને અસારવા તરફથી ગાંધીનગર કે એરપોર્ટ જવા ઈચ્છતા વાહનચાલકોએ શાહીબાગ થઈ અનેક્ષી, ગાયત્રી મંદિર અને આર્મી કેન્ટોનમેન્ટ રોડનો ઉપયોગ કરીને ઈન્દિરા બ્રિજ તરફ જવાનું રહેશે.