Tue Jan 20 2026

Logo

White Logo

...તો યુવરાજ બચી ગયો હોત! નોઈડામાં એન્જિનિયરના : મોતથી તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી

3 hours from now
Author: Savan Zalariya
Video

નોઇડા: શનિવારે વહેલી સવારે ગ્રેટર નોઈડાના સેક્ટર-150માં એક કાર પાણી ભરેલા એક ખાલી પ્લોટમાં ખાબકી હતી, જેમાં 27 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર યુવરાજ મહેતાનું મોત દર્દનાક મોત નીપજ્યું હતું. આ ઘટનાને કારણે તંત્રની બેદરકારી ઉઘાડી પડી છે, જેની સામે રાષ્ટ્રીય સ્તરે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં યુવરાજ મૃત્યું માટે જવાબદાર પરિબળો જાણવા મળ્યા છે.

યુવરાજ ગુરુગ્રામમાં આવેલી તેની ઓફિસથી ઘરે પરત ફરી રહ્યો હતો, આ દરમિયાન ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. કોઈ કારણોસર તેણે કાર પરથી કાબુ ગુમાવ્યો અને કાર 90 ડિગ્રીના વળાંક સામે આવેલી દીવાલ તોડીને પાણી ભરેલા ખાડામાં ખાબકી.

યુવરાજ કેમ કરીને તેની આંશિક રીતે ડૂબેલી કારની છત પર ચઢી ગયો, મદદ માટે તેણે પિતાને ફોન કર્યો. યુવરાજ લગભગ 90 મિનિટ સુધી તેને ખાડામાંથી બહાર કાઢવા માટે અપીલ કરતો રહ્યો, તેને રેસ્ક્યુ કરવામાં આવે એ પહેલા તેનું મોત નીપજ્યું.  

પત્ર મળવા છતાં કાર્યવાહી કરવામાં ન આવી:
બેદરકારી બદલ બે રિયલ એસ્ટેટ ડેવલપર્સ સામે FIR નોંધવામાં આવી છે. આ દરમિયાન એક પત્ર અંગે પણ જાણ થઇ છે, જેને કારણે તંત્રની બેદરકારી જાહેર થઇ છે. ત્રણ વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશ સિંચાઈ વિભાગે નોઈડા ઓથોરિટીને પત્ર લખીને ખાડામાં પાણી ભરાતું અટકાવવા કાર્યવાહીની જરૂર હોવાની જાણ કરી હતી. પરંતુ એ અંગે કોઈ કાર્યવાહી થઇ નહીં.

અધિકારીઓના જણાવ્યા મુજબ યુવરાજની કાર જ્યાં પડી હતી તે પ્લોટમાં વરસાદન ઉપરાંત નજીકની રહેણાંક સોસાયટીઓની ગટરોમાંથી નીકળતું પાણી પણ ભરાતું હતું.

ખાડામાં પાણી ભરાતું રહ્યું અને શનિવારે યુવારાજે જીવ ગુમાવ્યો, જો પહેલા આ પત્રને આધારે કાર્યવાહી કરવામાં આવી હોત તો આ દુર્ઘટના બની ન હોત.

વ્યવસ્થાનો અભાવ:
જ્યાં અકસ્માત સર્જાયો ત્યાં રોડ 90 ડિગ્રીએ વળાંક લે છે. વળાંક સામે દીવાલ પણ નબળી હતી. આ વિસ્તારમાં મજબૂત ક્રેશ બેરિયર્સની જરૂર હતી. રોડ પર સાઈન્સ અને લાઇટિંગની વ્યવસ્થા પણ નથી. 

રેસ્ક્યુ ટીમની બેદરકારી:
રેસ્ક્યુ માટે લગભગ 90 મિનિટનો સમય હોવા છતાં, રેસ્ક્યુ ટીમો યુવરાજને બચાવી શકી નહીં. પોલીસ, ફાયર સર્વિસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમો સ્થળ પર પહોંચી, પરંતુ યુવરાજને બચાવી ન શકી.

અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, રેસ્ક્યુ ટીમ પાસે દોરડા ખૂબ ટૂંકા હતા, ક્રેન સમયસર સ્થળ પર પહોંચી ન શકી,  રેસ્ક્યુ ટીમના કર્મચારીઓને પાણીમાં સુરક્ષિત રીતે પ્રવેશવા માટે તાલીમબદ્ધ ન હતાં.

તપાસ માટે SITની રચના:
લોકોના આક્રોશને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે સોમવારે નોઈડા ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લોકેશને પદ પરથી હટાવ્યા છે. યુવરાજના મૃત્યુ પાછળ જવાબદાર કારણોની તપાસ માટે  જતા ત્રણ સભ્યોની સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે.