ઇન્દોર: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ ODI મેચની સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે 18 જાન્યુઆરીના રોજ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાશે. હાલ સિરીઝ 1-1 થી બરાબર છે, બંને ટીમો જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આજની મેચ અને સિરીઝનું પરિણામમાં હોલકર સ્ટેડિયમની પિચ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
પીચ રીપોર્ટ:
સામાન્ય રીતે હોલ્કર સ્ટેડિયમની પીચ બેટર્સને મદદરૂપ રહે છે, પીચ એકદમ સપાટ છે, બોલ વધુ મુવમેન્ટ કર્યા વગર બેટ પર સરળતાથી આવે છે, બેટર્સ માટે શોટ રમવા સરળ રહે છે. મેચની ઇનિંગ્સની શરૂઆતમાં બોલ થોડો સ્વિંગ થાય છે, પરંતુ મેચ આગળ વધે એમ બેટિંગ સરળ બને છે.
મેદાનની બાઉન્ડ્રી પણ પ્રમાણમાં ટૂંકી છે. જેને કારણે સિક્સર ફટકારવી સરળ રહે છે. આ મેદાન પર અનેક વાર હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી છે.
ઇન્દોરમાં હવામાન કેવું રહેશે?
આજે મેચ દરમિયાન ઇન્દોરમાં હવામાન સ્વચ્છ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. સૂર્યાસ્ત બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, સાંજે ઝાકળને કારણે બીજી ઇનિંગમાં બોલિંગ કરતી ટીમને મુશ્કેલી પડી શકે છે. આમ ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.
ઈન્દોરમાં ભારતીય ટીમનો અજેય રેકોર્ડ:
હોલ્કર સ્ટેડિયમમાં ભારતીય ટીમેં હજુ સુધી સાત વનડે રમી છે, તમામ મેચ જીતી છે, ભારતીય ટીમ આ રેકોર્ડ જાળવી રાખવા ઈચ્છશે, પરંતુ ન્યુઝીલેન્ડની ટીમના ફોર્મને જોતા એ સરળ નહીં રહે.