નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળ્યા છે. વરિષ્ઠ નેતા નીતિન નબીને સત્તાવાર રીતે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. નીતિન નબીને ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે શપથ લીધા છે.
પાર્ટીની આંતરિક ચૂંટણીમાં 37 ઉમેદવારી પત્રો સાથે નીતિન નવીન બિનહરીફ ચૂંટાયા હતાં. 45 વર્ષીય નીતિન નબીને જગત પ્રકાશ નડ્ડાનું સ્થાન લીધું છે, તેઓ ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ છે. વડાપ્રધાન મોદી અને જેપી નડ્ડાએ તેમને અભિનંદન પાઠવ્યા. નીતિન નવીનને 'Z' કેટેગરીની CRPF સિક્યોરિટી આપવામાં આવી છે.
ભાજપ મુખ્યાલયમાં તેમના સમારોહ દરમિયાન વડા પ્રધાન મોદી, જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતાં.
વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા:
નીતિન નબીને પદભાર સાંભળ્યા બાદ સમારોહમાં હાજર વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું, "વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભાજપના અધ્યક્ષ બનવા બદલ હું નીતિન નબીનને અભિનંદન પાઠવું છું. પક્ષને મજબૂત બનાવવામાં યોગદાન આપવા બદલ હું ભાજપના તમામ ભૂતપૂર્વ અધ્યક્ષોનો આભાર માનું છું."
નીતિન નવીન પર મોટી જવાબદારીઓ:
આ વર્ષે અને આગામી વર્ષે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં વિધાન સભા ચૂંટણી યોજાવાની છે અને વર્ષ 2029માં લોકસભા ચૂંટણી યોજાવાની છે, એવામાં નીતિન નવીન પર પાર્ટીના સંગઠનને વધુ મજબુત બનાવવા અને ચૂંટણીઓ માટે રણનીતિ બનાવવાની મોટી જવબદારીઓ હશે.
ભાજપમાં નીતિન નબીનની છબી એક મહેનતુ અને રાજકીય રીતે જિજ્ઞાસુ વ્યક્તિ તરીકેની છે. તેઓ લોકો સાથે સતત સંપર્કમાં રહેતા માણસ છે. તેમને 'સમન્વય'ના માણસ તરીકે ઓળખવામાં આવે છે.