(અમારા પ્રતિનિધિ તરફથી)
વડોદરા:હરણી લેકઝોનમાં થયેલા બોટકાંડ મામલે હવે પીડિત પરિવારોએ ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે મોરચો માંડ્યો હતો. શાળાની ગંભીર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકાયા હોવાનો આક્ષેપ કરી 11 વાલીઓએ વડોદરાની ગ્રાહક સુરક્ષા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. વાલીઓએ અલગ-અલગ ફરિયાદો દાખલ કરી પ્રત્યેક કેસમાં રૂ. 1 કરોડ 51 લાખના વળતરની માંગ કરી હતી, જે મુજબ કુલ રૂ. 16 કરોડ 61 લાખનો જંગી વળતર દાવો માંડવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વાલીઓની ફરિયાદ જણાવ્યું હતું કે 18 જાન્યુઆરી 2024ના રોજ શાળા દ્વારા પ્રતિ વિદ્યાર્થી રૂ. 750 વસૂલ કરી હરણી લેકઝોન ખાતે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપ છે કે આ પ્રવાસ માટે જરૂરી સરકારી મંજૂરી મેળવવામાં આવી નહોતી અને સલામતીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરાયું હતું. યોગ્ય દેખરેખના અભાવે આ કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શાળાને માત્ર રૂ. 10,000નો નજીવો દંડ ફટકારાયો હતો.
ગ્રાહક કોર્ટમાં રજૂ કરેલી દલીલોમાં વાલીઓએ જણાવ્યું હતું કે, શાળાએ ફી વસૂલવા છતાં સુરક્ષિત સેવા આપવામાં નિષ્ફળ રહી હતી, જે સ્પષ્ટપણે સેવામાં ખામી અને ગુનાહિત બેદરકારી દર્શાવે છે. પોતાના વહાલસોયા સંતાનો ગુમાવનારા પરિવારોએ માનસિક આઘાત અને આર્થિક નુકસાનના બદલામાં આ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસની વધુ સુનાવણી ગ્રાહક કોર્ટમાં આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.