(અમારા પ્રતનિધિ તરફથી)
મુંબઈ: મીરા રોડમાં રહેતી મહિલા મતદાન કરવા બાન્દ્રા ગઈ ત્યારે તેના ફ્લૅટમાંથી અંદાજે સાત લાખ રૂપિયાના દાગીના ચોરવાના કેસમાં પોલીસે ભૂતપૂર્વ નોકરાણીની ધરપકડ કરી હતી. ફ્લૅટમાં કામ કરતી હતી ત્યારે આરોપીએ ચોરીછૂપીથી મેઈન ડોરની ડુપ્લિકેટ ચાવી બનાવી રાખી હતી, એવું તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું.
કાશીમીરા નજીકના પેણકર પાડા ખાતે આવેલી લોઢા ઍક્વા ઈમારતમાં રહેતી અનીતા ગંડલેના ફ્લૅટમાં 15 જાન્યુઆરીની બપોરે ચોરી થઈ હતી. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર સુશિલકુમાર શિંદેની ટીમે ઉષાતાઈ સંજય કઠારે (40)ને પકડી પાડી હતી. તેની પાસેથી ચોરીના 13 તોલા સોનાના દાગીના હસ્તગત કરવામાં આવ્યા હતા.
પોલીસ ફરિયાદ અનુસાર 15 જાન્યુઆરીએ મહાનગરપાલિકાની ચૂંટણી હતી. ફરિયાદી અનીતા અગાઉ બાન્દ્રામાં રહેતી હોવાથી તેનું મતદાનનું સેન્ટર બાન્દ્રામાં હતું. મતદાન કરવા અનીતા બપોરે 12.30 વાગ્યે ઘરેથી નીકળી હતી. સાંજે 6.30 વાગ્યાની આસપાસ તે પાછી ફરી ત્યારે ઘટનાની જાણ થઈ હતી. આ પ્રકરણે અનીતાએ કાશીમીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.
સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે પોલીસે શકમંદને ઓળખી કાઢી હતી. ઉષાતાઈ હાલમાં ફરિયાદી રહે છે એ જ ઈમારતમાં ઘરકામ કરે છે. અગાઉ તે અનીતાના ફ્લૅટમાં કામ કરતી હતી. તે સમયે તેણે ચોરીછૂપીથી ઘરના મુખ્ય દરવાજાની ડુપ્લિકેટ ચાવી બનાવી રાખી હતી. આ ચાવીની મદદથી તે ફ્લૅટમાં ઘૂસી હતી. પછી બેડરૂમમાંના લાકડાના કબાટનું લૉક તોડી તેણે દાગીના ચોર્યા હતા. વધુ કાર્યવાહી માટે આરોપીને કાશીમીરા પોલીસના તાબામાં સોંપાઈ હતી.