ચિંતનઃ હેમુ ભીખુ
સત્ય એટલે પરિસ્થિતિનું યથાર્થ નિરૂપણ. સત્ય એટલે અહંકાર તથા સ્વાર્થની બાદબાકી પછી કરવામાં આવેલ અભિવ્યક્તિ. સત્ય એટલે સૃષ્ટિના નિયમોનો સ્વીકાર. સત્ય એટલે આધ્યાત્મના માર્ગ પર આગળ વધવા માટે જરૂરી ગણાતી ચિત્ત-શુદ્ધિ માટેનું અગત્યનું સાધન. સત્ય એટલે શુદ્ધ, સાત્વિક, નિર્દોષ, પવિત્ર, તટસ્થ, નિર્લેપ, શાશ્વત, અવિચળ, અવિનાશી ભાવ. સત્ય એટલે સ્થળ, સમય અને પરિસ્થિતિની મર્યાદા બહારનું અસ્તિત્વ. સત્ય એટલે ઈશ્વર પ્રત્યેની અપાર શ્રદ્ધાને આધારે વ્યક્ત થતું કથન. સત્ય એટલે માર્ગદર્શક. આ સત્યની સુગંધ હંમેશાં પ્રસરતી જ રહે - રામાયણનું આ વિધાન છે.
સત્ય છૂપું ન રહી શકે, કારણ કે તે સુગંધ સમાન છે. સત્યને છુપાવી ન શકાય, કારણ કે તે પ્રકાશ સમાન છે. સત્યને દબાવી ન શકાય, કારણ કે તે અતિ બળવાન છે. સત્યને હરાવી ન શકાય, કારણ કે તે અજેય છે. સત્યની ઉપેક્ષા ન થઈ શકે, કારણ કે તે સદાય પ્રત્યક્ષ હોય છે. સત્ય મનનો વિષય નથી, કારણ કે મનમાં તો વિકાર ભરેલા હોય છે. સત્ય બુદ્ધિનો વિષય પણ નથી, કારણ કે બુદ્ધિ પૂર્વગ્રહીત હોઈ શકે.
સત્ય અને અહંકાર ક્યારેય એક સાથે અસ્તિત્વ ધરાવી શકે, કારણ કે જ્યાં અહંકાર છે ત્યાં વ્યક્તિગત ઘેલછા છે અને સત્ય અને વ્યક્તિગત ઘેલછા સાથે ન રહી શકે. સત્ય કદાચ ચિત્તનો વિષય હોઈ શકે. છતાં પણ ખાતરીપૂર્વક તો એમ કહેવાય કે સત્ય એ કારણ-અસ્તિત્વનો વિષય છે. સત્યનું સંપૂર્ણતામાં નિરૂપણ પણ કરવું મુશ્કેલ છે કારણ કે તે અતિ વિસ્તૃત, સર્વાંગી, સમાવેશીય તથા આધ્યાત્મની વ્યાખ્યા સમાન છે. સત્ય માત્ર સત્ય છે. સૃષ્ટિના અસ્તિત્વમાં માત્ર સત્ય છે. સત્યને જાણવા માટેનું સાધન માત્ર સત્ય છે. સત્યને સંપૂર્ણતામાં સત્ય જ જાણી શકે.
સત્ય અપરિવર્તનશીલ છે, વાસ્તવિકતાનું પર્યાય છે, સાત્વિકતાનો નિચોડ છે, ધર્મનું પ્રતિબિંબ છે, આધ્યાત્મિક દ્રષ્ટિકોણ છે, પ્રામાણિકતાની પ્રતીતિ છે, બ્રહ્માંડનો આત્મા છે, નૈતિકતાનું પ્રથમ ચરણ છે, ઈશ્વરનું ગુણાત્મક સ્વરૂપ છે, બ્રહ્મનું પ્રતિબિંબ છે, નિરાકારની શક્તિ છે, ગીતાનો આધાર છે, સૃષ્ટિનો પ્રાણ છે, જગતનો વિશ્વાસ છે, સંત પુરુષોનો શ્વાસ છે, સાત્વિકતાની અનુભૂતિ છે - સત્ય છે એટલે બધું નિયમનમાં છે, નિયમબદ્ધ છે. સત્ય હંમેશાં વિજયી છે- ‘સત્યમેવ જયતે’.
સુગંધ એટલે સારી, મીઠી, આકર્ષક, મનભાવન, પવિત્ર, સાત્વિક, નિષ્કલંક અને સ્વચ્છ વાસ. સુગંધ આનંદ આપે અને પરિસ્થિતિને આહ્લાદક બનાવે. તે હવાનો શુભ ગુણધર્મ છે. શ્રેષ્ઠ લાગણીઓ અને તાજગીની ભાવના ઊભી કરવા માટે સુગંધનો ઉપયોગ થતો હોય છે. આંખો માટે જેમ સૌંદર્ય મહત્ત્વનું છે તેવું જ ઘ્રાણેન્દ્રિય માટે સુગંધનું મહત્ત્વ છે. તે ઇન્દ્રિયને ખુશ કરી શકે છે, પ્રત્યેક સજીવને પોતાના તરફ આકર્ષી શકે છે, એક પ્રકારનો સકારાત્મક સ્વીકૃત માહોલ ઊભો કરી શકે છે.
સુગંધનો ફેલાવો ત્વરિત હોવાથી તેની અસરકારકતા જલ્દીથી સ્થાપિત થાય છે. સુગંધ ફૂલોની હોય, માટીની હોય કે કોઈ પદાર્થની હોય, દરેક સંજોગોમાં તેને કારણે અન્ય પરિસ્થિતિની સ્વીકૃતિ પણ વધી જાય છે. સાત્વિક અર્થમાં પણ સુગંધ શબ્દનું વિશેષ મહત્ત્વ છે. કેટલાંક સત્ય, પુણ્ય, ધર્મ, જ્ઞાન જેવા માનવીય ગુણોને સુગંધ સાથે સરખાવવામાં આવે છે. શાસ્ત્રને પણ સુગંધી કહેવાય છે. મહાપુરુષની કીર્તિને પણ સુગંધ સાથે સરખાવાય છે. સારા કર્મને કારણે ઉદ્ભવતી પરિસ્થિતિને પણ સુગંધિત કહેવાય છે.
સત્ય સ્વયં સુગંધ સમાન છે, તેથી ‘સત્યની સુગંધ પ્રસરતી જ રહે’ એ એક સનાતન સત્ય છે. આ એક સુંદર, સાર્થક, સ્વીકૃત અને સંપૂર્ણ વિચાર છે. સત્યને આધારે ધર્મ સ્થાપિત થાય છે, ધર્મ સમગ્ર સૃષ્ટિને ધારણ કરે છે, સૃષ્ટિ પુરુષ અને પ્રકૃતિની દેન છે, પુરુષ અને પ્રકૃતિ શાશ્વત અસ્તિત્વ છે, આ શાશ્વત અસ્તિત્વ હંમેશાં સત્ય આધારિત હોય. પુરુષ અને પ્રકૃતિ સમગ્ર સૃષ્ટિમાં એક પ્રકારની સુગંધિત - પ્રકાશિત - શ્રેષ્ઠ ઊર્જા ફેલાવે છે. તેથી એમ કહી શકાય કે સત્યની સુગંધ સમગ્રતામાં સદાય પ્રસરતી જ રહે.
રામાયણના મુખ્ય પાત્ર પ્રભુ શ્રીરામ આ વિધાનનું જીવંત ઉદાહરણ છે. તેઓ સત્ય અને ધર્મના આગ્રહી હતા અને તેમના જીવનની સુગંધ આજ સુધી સમગ્ર વિશ્વમાં પ્રસરી રહી છે. શ્રીરામના જીવનનો પ્રત્યેક પ્રસંગ, તેમના જીવનનું પ્રત્યેક પાસું, તેમના જીવનનો પ્રત્યેક તબક્કો સત્યનિષ્ઠા, નૈતિકતા અને કર્તવ્ય આધારિત રહ્યાં છે. આનાથી પ્રસરતી સુગંધ સર્વશ્રેષ્ઠ મનાતી આવી છે. એક પરિપ્રેક્ષ્ય પ્રમાણે શ્રીરામ સ્વયં સુગંધ સમાન છે કારણ કે શ્રીરામ સત્ય છે.
સત્ય જીવનમાં પરમ સ્થિતિ પામવાનો પાયો છે. સત્યને આધાર રાખી નૈતિક મૂલ્યોની સ્થાપના થતી હોય છે જે જીવનને સાચો માર્ગ બતાવી શકે. સત્ય ધાર્મિક જીવનનો પણ પાયો છે. શ્રદ્ધા અને વિશ્વાસ સત્યને કારણે ટકી રહે છે. સત્ય પ્રેરણા પણ છે, સાધન પણ છે, ધ્યેય પણ છે અને ધર્મ પણ છે. આ ‘સત્યની સુગંધ’ એટલે નૈતિકતાને આધારે ટકી રહેલ દરેક કાર્યમાં, દરેક પરિસ્થિતિમાં, દરેક તત્ત્વમાં, અનુભવાતી સાત્વિકતા.