(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: ગત ઓક્ટોબર માસની શરૂઆતમાં ભુજ નજીક આવેલા સામત્રા ગામ ખાતે ૬૦ વર્ષના પતિને બર્બરતાપૂર્વક ગેરેજમાં પુરી, કેરોસીન છાંટીને જીવતો સળગાવીને મોતને ઘાટ ઉતારી દેવાના, દેશભરમાં ભારે ચકચારી બનેલા ગુનાની મૂળ હિંમતનગર, બનાસકાંઠાની રહેવાસી આરોપી એવી કૈલાસ કનુસિંહ ચૌહાણએ ચાર્જશીટ બાદ દાખલ કરેલી નિયમિત જામીન અરજીને નામદાર સેશન્સ કૉર્ટે ફગાવી દીધી હતી.
પતિને કેરોસીન છાંટીને સળગાવ્યો હતો
ચાર્જશીટ મુજબ, પતિથી અડધી ઉંમરની કૈલાસે ભુજમાં ખરીદેલાં મકાન માટે પતિ ધનજી ઊર્ફે ખીમજી વિશ્રામ કેરાઈ પાસે નાણાંની માંગણી કરી હતી જેને આપવાનો ઈન્કાર કરતાં ગત ૧૦-૧૦-૨૦૨૫ના રોજ ઉશ્કેરાયેલી કૈલાસે પતિને ઘરના આંગણાંમાં આવેલા ગેરેજ સુધી ઢસડીને લઈ ગઈ હતી અને પતિ પર કેરોસીન છાંટીને સળગાવી દઈ ગેરેજનો દરવાજો બંધ કરી દીધો હતો.
એકલતા ભાંગવા મેટ્રિમોનિયલ સાઈટ પરથી કર્યા હતા લગ્ન
ધનજીભાઈની મરણચીસો સાંભળીને દોડી આવેલા પાડોશીઓએ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ ગણતરીના કલાકોમાં તેઓએ દમ તોડી દીધો હતો. મૃતકના પત્નીનું ચાર વર્ષ અગાઉ કોરોના કાળ વેળાએ અવસાન થયું હતું. સંતાન અલગ સંસાર માંડીને રહેતા હોઈ, એકલતા ભાંગવા તેઓએ દોઢેક વર્ષ પૂર્વે મેટ્રિમોનિયલ સાઈટના માધ્યમથી કૈલાસ સાથે લગ્ન કર્યા હતાં. કૈલાસના પણ ભુજમાં રહેતા અગાઉના પતિથી છૂટાછેડાં થયા હતા.
આ ગંભીર ગુનામાં કૈલાસની પ્રથમદર્શનીય સંડોવણી જણાઈ આવતી હોવાનું, જામીન પર છોડાય તો સાક્ષીઓ અને પુરાવાઓને પ્રભાવિત કરી શકે તેવી શક્યતા હોવાનું, સમાજવિરોધી ગંભીર ગુનો હોવાનું જણાવીને ભુજના છઠ્ઠા અધિક સેશન્સ જજ વી.એ. બુદ્ધે જામીન અરજી ફગાવી દીધી હતી.
શું હતો સમગ્ર મામલો
ભુજના સામત્રા ગામમાં રહેતા 60 વર્ષના ધનજીભાઈ પટેલે ઘટનાના દોઢ વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા. પહેલી પત્નીના મૃત્યુ બાદ ધનજીભાઈએ કૈલાસ સાથે બીજા લગ્ન કર્યા હતા. કૈલાસના પોતાના પહેલાં પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા. ધનજીભાઈને ત્રણ દીકરા છે. તેમાંથી બે વિદેશમાં છે અને એક તે જ ગામમાં પોતાના પરિવાર સાથે રહે છે. ધનજી પટેલ અને કૈલાસ બંને એકલા રહેતા હતાં. લગ્ન બાદ કૈલાસે ધનજી પટેલની પહેલી પત્નીના આશરે 18 તોલા સોનાના દાગીના લઈ લીધા હતા. ધનજીભાઈએ જ્યારે આ દાગીના પાછા માંગ્યા તો તે પાછા આપતી નહતી અને ઝઘડા કરતી હતી. કૈલાસે ભુજમાં પોતાના નામે એક ઘર ખરીદ્યું હતું, જેના હપ્તા ધનજીભાઈ ભરતા હતા. જો તે કૈલાસને રૂપિયા આપવાની ના પાડે તો તે જાનથી મારી નાંખવાની ધમકી આપતી હતી. આ અંગે તેમણે ગામના કેટલાક લોકો અને ગામમાં રહેતા દીકરાને વાત કરી હતી.
જોકે, 11મી સપ્ટેમ્બર, 2025ની સાંજના સુમારે કૈલાસે ફરી ધનજીભાઈ પાસે પૈસા માંગ્યા હતા. આ દરમિયાન તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી. કૈલાશ ઉશ્કેરાઈ જતા તેણે ધમકી આપી હતી કે, 'આજે તો તને જીવતો નહીં મૂકું.' જે બાદ કૈલાસે પતિનો હાથ ખેંચીને ઘરની બાજુમાં આવેલા ગેરેજમાં લઈ જઈને પતિ પર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી. પતિને સળગતો મૂકીને કૈલાસ ગેરેજના નાના દરવાજેથી બહાર નીકળી દરવાજો બંધ કરી દીધો હતો. આ અંગેની જાણ થતા દીકરો અને અન્ય લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જે બાદ તેમને જી. કે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે, તેઓ 90 ટકા સુધી દાઝી ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.