Tue Jan 20 2026

Logo

White Logo

વડોદરામાં કફ સીરપથી 5 વર્ષની બાળકીનું મોત, : મેડિકલ સ્ટોરમાંથી પ્રિસ્ક્રિપ્શન વગર કરી હતી ખરીદી

10 hours ago
Author: MayurKumar Patel
Video

વડોદરાઃ શહેરમાં કફ સીરપથી 5 વર્ષની બાળકીનું મોત થયું હોવાની ઘટના સામે આવી હતી. માતા-પિતાની છત્રછાયા વગરની બાળકીના મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયા હતા. બાળકીના માસીના કહેવા પ્રમાણે, મેડિકલ સ્ટોરમાંથી ખરીદેલી શરદી-ખાંસીની સીરપ પીવડાવ્યા બાદ તબિયત લથડી હતી. જેના કારણે તેનું મોત થયું હતું.

મળતી વિગત પ્રમાણે, વડોદરામાં પાંચ વર્ષની બાળકી તેના દાદા-દાદી સાથે રહેતી હતી. નાની ઉંમરમાં જ તેના માતા-પિતાનું મોત થયું હતું. જેથી દાદા-દાદી તથા અન્ય સંબંધીઓ સંભાળ રાખતા હતા. થોડા દિવસ પહેલા તેને ખાંસી અને શરદી થઈ હોવાથી તેના પિતરાઈ કાકા નજીકના મેડિકલ સ્ટોર પરથી શરદી ખાંસીની સીરપ લઈને આવ્યા હતા. જોકે રાહત થવાના બદલે તબિયત લથડી હતી.

જેના કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા. પરિવારજનો દ્વારા મેડિકલ સ્ટોર પરથી ખરીદેલા કફ સીરપ પર આશંકા વ્યક્ત કરીને ન્યાયની માંગણી કરી હતી. મૃતક બાળકીના માસીએ રડતા રડતા કહ્યું કે, બાળકી સાથે કઈંક અજુગતુ બન્યું છે કે દવાની આડઅસર છે કે અન્ય કારણ તેની તપાસ થવી જોઈએ.

રાજ્યની જાહેર જનતાને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખૂબ સતર્કતાપૂર્વક કામગીરી કરીને કાયદાનું ઉલ્લંઘન કરનાર ઇસમો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગત મહિને અમદાવાદ ખાતે આવેલા વિવિધ 8 જેટલા મેડિકલ સ્ટોર્સની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં ઘાટલોડીયામાં આવેલી એપોલો ફાર્મસી અને ક્રિષ્ના મેડિકલ, સેટેલાઇટની સોલક્યોર ફાર્મસી, નમનીધી ફાર્મા, નમ: વેલનેસ અને નટરાજ મેડિકલ સ્ટોર્સ તેમજ એપોલો ફાર્મસી, વેજલપુર અને એપોલો ફાર્મસી, પ્રહલાદનગરનો સમાવેશ થતો હતો.