Tue Jan 20 2026

Logo

White Logo

આવો, આપણે જઈએ વિસ્મયમાં ગરકાવ કરી દેતાં એક અનોખા વિશ્ર્વમાં... : -

1 day ago
Author: Mumbai Samachar Team
Video

જગતમાં એવાં કેટલાંક ગામ - નગર - સ્થળો છે, જેની અમુક વિશેષતા તમને આશ્ચર્યમાં તરબોળ કરી મૂકે...

ક્લોઝ-અપ  -  ભરત ઘેલાણી

*બન્ને વિશ્વયુદ્ધ વખતે નષ્ટ થઈ ગયેલી બેલ્જિયમની 14મી સદીની આ ઐતિહાસિક પ્રાચીન લાઈબ્રેરી આજે ફરી કાર્યરત થઈ ગઈ છે !
*મહારાષ્ટ્રનું પુસ્તકમય ભિલાર ગામ: અહીં 30 જેટલાં ઘરમાં છે 35 હજારથી વધુ પુસ્તકો!
*સ્ત્રી પણ રેપ કરી શકે છે...!
*બળાત્કારીઓનું ‘મિરેકલ ’ ગામ

કોઈ નરાધામે એક બાળકીને પોતાની હવશનો શિકાર બનાવી.. 

કોઈએ એક યુવતીની કાયા ચૂંથી નાખી. 

એક આશિકે પોતાની માશુકા પર બળાત્કાર કર્યો એવી ઘટનાઓની સાથો સાથ આજકાલ તો કોઈ મહિલાનું અપહરણ કરી દોડતી કારમાંથી એના પર રેપ કર્યો ને કારમાંથી ફગાવી દીધી, વગરે વગેરે સમાચાર હવે નવી નવાઈના નથી રહ્યા, પણ આ બધા જુગુપ્સાપ્રેરક સમાચારની વચ્ચે એક સાવ વિચિત્ર ને સાવ માની ન શકાય એવા રેપ અર્થાત્ બળાત્કારના સમચાર પણ આવ્યા છે.

તાજેતરમાં જ પૂણે પોલીસને એક ફરિયાદ મળી. એક યુવાને ફરિયાદ કરી કે એના પર બળાત્કાર કર્યો છે એક યુવતીએ! એ સાંભળીને પોલીસના આલા અફસરો પણ ચકરાઈ ગયા.

પેલા યુવાનની એવી ફરિયાદ હતી કે એને બેહોશીની દવા આપીને એક યુવતીએ એના પર બળાત્કાર કર્યો છે ! કોઈ પુરુષ સ્ત્રી પર બળાત્કાર કરે, પણ એક સ્ત્રી આવું કઈ રીતે કરી શકે? આ અટપટી ઘટનાની વાત જરા વિગતે જાણીએ...

 પીડિત એવા પુરુષ ગૌરવ (નામ બદલ્યું છે) ની એવી ફરિયાદ હતી કે આરોપી યુવતી છાયા (નામ બદલ્યું છે)  સાથે એને ઓળખાણ હતી. છાયાએ એને લગ્નનું વચન આપીને એની સાથે નિકટતા કેળવી હતી. પછી એક રાત્રે એની સાથે ડિનર લેતી વખતે એણે કોઈ દવા ભેળવી દીઘી હોવાથી એ બેહોશ થઈ ગયો પછી એનાં વસ્ત્રો દૂર કરી એનાં નગ્ન ફોટા અને વીડિયો શૂટ કરી લીધાં અને બીજી સવારે છાયાએ એવો કકળાટ કર્યો ગૌરવે રાતે એના પરા બળાતકાર કર્યો હતો !

આ ઘટના પછી ‘પેલી તસવીરો અને વીડિયો’ જાહેર કરશે એની ફરિયાદ પોલીસને નોંધાવી બદનામ કરશે.’ એવી ધમકી આપી છાયા પેલા શ્રીમંત પરિવારના ગૌરવને બ્લેકમેલ કરી અવારનવાર મોટી રકમ પડાવતી હતી. છેલ્લે છેલ્લે છાયાએ એક પોશ વિસ્તારમાં એના નામે ફલેટ અપાવી દેવાની ડિમાન્ડ કરી પછી ત્રાસેલા ગૌરવે પોલીસ ફરિયાદ  નોંધાવી.

એ પછી છાયાની કડક ઉલટ-તપાસમાં ઘણાં ભેદ બહાર આવ્યા કે વકીલ હોવાની દાવો- બનાવટ કરતી છાયાએ  ગૌરવ સાથે વાપરી હતી એવી જ મોડસ ઓપરેંડી દ્વારા ભૂતકાળમાં પણ અનેક યુવાનો -પુરુષોને છેતરીને તગડી રકમ ઓકાવી હતી!

બળાત્કાર કે જાતીય ચેષ્ટાના વગેરે સમાચાર હવે નવી નવાઈના નથી રહ્યા, પણ આ બધા વચ્ચે પૈસા પડાવવાનો પેલી યુવતી છાયાનો ‘બળાત્કાર’રૂપી શોર્ટકટ બધાને વિચરતા કરી મૂકે એવો છે.  

 હવે જાણીએ વાત બળાત્કારીઓના એવા ગામની જ્યાં રેપ નથી થતાં...!

વાત જયારે એક બનાવટી રેપ અને પછી સાચા બળાત્કારની ઘટનાઓ બને છે ત્યારે આપણી હિન્દી ફિલ્મનું આ એક મશહૂર ગીત યાદ કરવા જેવું છે :

‘જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા...’

આના કેટલાક શબ્દો બદલીને આવું જ કંઈક અમેરિકાના એક ગામવાળા કહી શકે કે ‘અહાં ઘર ઘર મેં રેપિસ્ટ કરતે હૈ બસેરા!’

વાત હસી કાઢવા જેવી નથી. આ હકીકત છે કે અમેરિકાના ફ્લોરિડા સ્ટેટમાં ખોબા જેવું એક ગામ છે, જેનું નામ છે : ‘મિરેકલ’ એટલે કે ‘ચમત્કાર’ ...

આ ગામની એક નકારાત્મક વિશેષતા એ છે કે માંડ 300 લોકોની વસતિ ધરાવતા આ ગામની 50 % થી વધુ વસતિ ગુનેગારોની છે અને એ પણ એવા અપરાધીઓ, જે બળાત્કાર માટે સજા ભોગવીને આવ્યા હોય!

આવો જ કંઈક સિનારિયો અમેરિકા આ મિરેકલ ગામનો છે. અમેરિકાના એક કાયદા મુજબ બળાત્કાર અને જાતીય સતામણીના અપરાધ પછી કોર્ટની સજા ભોગવી લીધા બાદ એ રીઢા ગુનેગારોને ચર્ચ- સ્કૂલ કે પાર્કની આસપાસ વસવાની રહેવાની રવાનગી નથી મળતી. આમ કાયદાકીય સજા પછી પણ એ અપરાધીઓને આવા સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડે છે.

આવા ગુનેગારો અને એમના પરિવારના લાભાર્થે ફ્લોરિડાના એક પાદરીએ ‘મિરેકલ ’ નામે એક ગામ વસાવ્યું,જ્યાં ખાસ કરીને જાતીય સતામણી અને બળાત્કારના ભૂતપૂર્વ અપરાધીઓને વસાવ્યા!

2008માં આ ગામ વસ્યું એને આજે 17 વર્ષ થઈ ગયા, પણ અહીં કોઈ જ પ્રકારની ગુનાખોરી માટે કોઈ પોલીસ કેસ પણ નોંધાયો નથી, જે આ ‘મિરેકલ’ ગામનો એક ચમત્કાર જ છે...!

આમ એક તરફ આપણે ત્યાં માત્ર પૈસા પડાવવા બનાવટી બળાત્કાર થાય અને બીજી તરફ અમેરિકાનું સાચા બળાત્કારીઓનું ગામ, જ્યાં વર્ષોથી કોઈ અપરાધ થતા જ નથી!

આવી વિરોધાભાસી ઘટનાઓ - હકીકત વચ્ચે હવે આપણે એવાં સ્થળોએ જઈએ, જ્યાં સંપૂર્ણ વિનાશ -વિસર્જન પછી માનવ સંસ્કૃતિને ધધકતી રાખવાં એક નવી જ દુનિયાનું પુન : સર્જન થયું છે.

કહે છે ને કે જગતની કોઈ પણ તાકાત આસ્થા અને જ્ઞાનને અટકાવી નથી શકતી અને એમાં શક્તિપૂરક બનતો સાડા ત્રણ અક્ષરનો એક શબ્દ છે ‘પુસ્તક’... આ પારસમણિ જેવા સ્પર્શ માત્રથી- એના વાંચનમાત્રથી તમારી કલ્પનાના સીમાડા વિસ્તરી જાય. તમારું સમગ્ર વિશ્વ પલટાઈ જાય અને એટલે જ આવાં જાદુઈ છડી જેવાં પુસ્તકોનો જ્યાં સંગ્રહ હોય એવાં પુસ્તકાલય વાચક માટે એક તીર્થસ્થળ સમાન બની જાય છે. 

બાય ધ વે, આવાં જ તીર્થસ્થાન જેવાં બે વિરાટ અને વિખ્યાત બે પુસ્તકમેળા આ જાન્યુઆરી મહિનામાં પાટનગર દિલ્હી અને કોલકાતામાં યોજાઈ રહ્યાં છે. 

યુદ્ધ વખતે દુશ્મનને બધી રીતે પાયમાલ કરવાનો એક સચોટ રસ્તો એ છે કે દુશ્મન દેશનાં ધાર્મિક સ્થળ વિદ્યાલય અને જ્ઞાનનાં પરબ એવાં પુસ્તકાલયોનો નાશ કરવો!

આવું જ બેલ્જિયમમાં થયું હતું. ત્યાંની 14મી સદીની ઐતિહાસિક ‘લ્યુવેન યુનિવર્સિટી’ની અતિ પ્રાચીન લાઈબ્રેરી પર બન્ને વિશ્વયુદ્ધ વખતે જબરું આક્રમણ કરીને જર્મન સૈન્યએ લાઈબ્રેરીનાં કુલ 13 લાખથી વધુ પુસ્તકો અને હજારો મૂલ્યવાન -અપ્રાપ્ય હસ્તપ્રત- પાંડુલિપિ સળગાવી મૂકી હતી.... યુદ્ધ પછી એ પુસ્તકાલય એકડે એકથી શરૂ કરવામાં આવ્યું. 1951થી ફરી એક વાર કમર કસીને પુસ્તકો એકઠાં કરવાનાં શરૂ થયાં અને મૂળ 1928માં પુસ્તકાલયની જે ઈમારત હતી એવી જ અદલોદલ શૈલીના બાંધકામ સાથે નવી લાઈબ્રેરી આજે ફરી કાર્યરત થઈ ગઈ છે..!

 લાઈબ્રેરીની વાત નીકળી છે ત્યારે જાણી લો કે આજે ભારતમાં શહેરો- ગામડાં સહિત 54 હજર, 856 લાઈબ્રેરી છે. એમાં દેશની સૌથી મોટી કોલકાતાની ‘નેશનલ લાઈબ્રેરી’ છે. 1891માં સ્થાપના થઈ એવી આ લાઈબ્રેરીમાં આજે 25 લાખથી વધુ પુસ્તકોનો સંગ્રહ છે!

જો કે, દેશમાં સૌથી વધુ પુસ્તકાલય (11 હજા2, 2,191) મહારાષ્ટ્રમાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહેલી વાચક અને વાંચનાલયોની આવી ક્રાંતિ વચ્ચે આપણે મહારાષ્ટ્રના એક અનોખા ગામમાં પણ લટાર મારવી જોઈએ..

મહારાષ્ટ્રના પૂણે શહેરથી 108 કિલોમીટરના અંતરે સતારા જિલ્લામાં નાનું એવું એક ગામ છે. નામ છે એનું ભિલાર. વસતિ છે માંડ 3500ની. આ ગામ આજે મરાઠીમાં ‘પુસ્તકાંચી ગાવ’ અર્થાત પુસ્તકોનું ગામ તરીકે જાણીતું છે. અત્યારે ભારતના ‘એક માત્ર પુસ્તકોના ગામ’ તરીકે આવી વિખ્યાતિ એટલા માટે એણે મેળવી છે, કારણ કે ત્યાંના 30 જેટલાં ઘરમાં છે 35 હજારથી વધુ પુસ્તકો છે!

આ ગામને જોવાં અને ત્યાંના પુસ્તકોને વાંચવા દૂર દૂરથી પુસ્તકરસિકો ઊમટે છે.

હકીકતમાં ગ્રેટ બ્રિટેનના એક ભાગરૂપે વેલ્સનું એક વિલેજ (હે-ઑન-વે) એનાં પુસ્તકપ્રેમ અને બુકફેર્સ માટે જાણીતું છે એને નજર સામે રાખીને આ ભિલાર ગામની રચના થઈ છે. પંચગીની અને મહાબલેશ્વરની સમીપ આવેલા આ ગામનાં 30 જેટલાં ઘરમાં જાતભાતનાં પુસ્તકો છે. આ બધા ઘરની દીવાલોને 70થી વધુ ચિત્રકારોએ એમની કળાથી એવી સરસ રીતે સજાવી છે કે પુસ્તકો ધરાવતાં એ ઘર સાવ અલગ જ તરી આવે. ‘સ્વીટ સ્વીટ સ્ટ્રોબેરી’ માટે જાણીતા આ ગામનો ખુશનુમા માહોલ પણ વાચનપ્રેમીઓ તેમજ સર્જકો સુધ્ધાં માટે બહુ લોભાવનારો છે. એવા આ ભિલાર ગામમાં જે 35 હજાર પુસ્તકો છે એમાંનાં મોટા ભાગનાં મરાઠી કવિ-લેખકોનાં જ છે, પણ હવે વધુ ને વધુ વાચકો-પ્રવાસીઓને આકર્ષવા અન્ય ભાષાનાં પુસ્તકો અહીં લાવવાની યોજના ઘડાઈ રહી છે.

આવાં તો બીજાં અનેક અજાણ્યાં સ્થળ છે, જ્યાંની કથા તમને વિસ્મયનાં રોમાંચક વમળમાં ઘેરી લેશે... એ બધા વિશે ફરી ક્યારેક...!