ગાંધીનગર: લૂંટેરી દુલ્હનની અનેક ઘટનાઓ તો ઘટી ચૂકી છે, પરંતુ ગાંધીનગરના એક યુવાન સાથે લૂંટેરી ટોળકીએ લૂંટ આચરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ગાંધીનગર જિલ્લાના ઇસનપુર મોટા ગામના એક યુવાનને લગ્ન કરાવવાની લાલચ આપી મહીસાગરની એક ટોળકીએ રૂપિયા 11.30 લાખનો ચૂનો લગાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ભોગ બનનાર રીંકેશકુમાર પટેલે મહીસાગરના બાકોર પોલીસ મથકમાં 7 જેટલા શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ટોળકીએ યુવાનને વિશ્વાસમાં લેવા માટે ખોટી લગ્નવિધિ પણ કરી હતી અને બાદમાં દાગીના તથા રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા.
એફઆઈઆરની વિગતો અનુસાર, રીંકેશકુમારના લગ્ન માટે તેમના પિતાએ એક ઓળખીતા મારફતે મહીસાગરના ખાનપુરના મધ્યસ્થીઓનો સંપર્ક કર્યો હતો. ટોળકીના સભ્યોએ જ્યોતિ નામની યુવતી બતાવી લગ્ન નક્કી કર્યા હતા. ભોગ બનનારનો વિશ્વાસ કેળવવા માટે આરોપીઓએ કુંભાયડી ગામે ચાંદલા વિધિ કરી હતી અને લગ્ન કપડાં તથા જમણવારના બહાને અવારનવાર ઓનલાઇન નાણાં પડાવ્યા હતા. ગત 16 જાન્યુઆરીના રોજ લગ્ન નક્કી થયા હોવાથી પરિવારજનો સાથે યુવાન પાંડરવાડા પહોંચ્યો હતો, જ્યાં આરોપીઓ તેમને જંગલ વિસ્તારમાં આવેલા એક મકાને લઈ ગયા હતા.
જંગલના મકાનમાં આરોપીઓએ નકલી લગ્ન વિધિ કરી હતી. આ સમયે યુવાનના પરિવારે જ્યોતિને અઢી તોલાનું સોનાનું મંગળસૂત્ર, બે તોલાનો સોનાનો દોરો, પાયલ અને સોનાની ચૂની સહિત કુલ 6.09 લાખના દાગીના પહેરાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ વધુ 2.15 લાખ રોકડા પણ પડાવ્યા હતા. લગ્નવિધિ પતી ગયા બાદ માતાજીના દર્શન કરી જ્યોતિને મોકલીએ છીએ તેમ કહી આરોપીઓ યુવતીને ઈકો ગાડીમાં બેસાડી રફુચક્કર થઈ ગયા હતા. લાંબા સમય સુધી પીછો કરવા છતાં આરોપીઓ હાથમાં ન આવતા અને તેમના ફોન સ્વીચ ઓફ થઈ જતા પરિવારને છેતરપિંડીનો અહેસાસ થયો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે બાકોર પોલીસે રાકેશ, જ્યોતિ, કનુભાઈ ડામોર, શારદાબેન અને મધ્યસ્થી જયરાજસિંહ સહિતના લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આ ટોળકી આયોજનબદ્ધ રીતે ખોટા નામે યુવતીઓ બતાવી છેતરપિંડી કરતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થયેલા મોબાઈલ નંબરો અને સીમ કાર્ડ ધારકોની વિગતો મેળવી ટોળકીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.