કરાંચી/અમદાવાદ: ગુજરાત અને પાકિસ્તાનને જમીનની સાથે દરિયાની પણ સહિયારી સરહદ છે અને આ સરહદના કોઈ લીટા નથી તાણેલા આથી ક્યારે કોઈ નાગરિક દેશની સરહદ વટીને પરદેશની સરહદમાં પહોંચી જાય છે તેનો ખ્યાલ રહેતો નથી. આ સમસ્યાનો સૌથી મોટો કોઈ ભોગ બન્યા હોય અને બની રહ્યા હોય તો તે છે માછીમારો. અનેક માછીમારો આજે પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે. તાજેતરમાં પાકિસ્તાનની જેલમાં કેદ એક ગુજરાતી માછીમારનું ગત ૧૬ જાન્યુઆરીના રોજ મૃત્યુ થયું હોવાના અહેવાલ મળ્યા હતા.
ગુજરાત અને પાકિસ્તાનની સહિયારી દરિયાઇ સરહદમાં માછીમારી માટે ગયેલા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના અનેક માછીમારો આજે પાકિસ્તાનની જેલમાં કેદ છે. પાકિસ્તાનની જેલમાં સબડતા ભારતીય માછીમારોની મુક્તિ માટેની સતત વધતી માંગ વચ્ચે એક પાકિસ્તાનની મલીર જેલમાં કેદ એક ગુજરાતી માછીમારનું ૧૬ જાન્યુઆરીના રોજ મૃત્યુ થયું હોવાના અહેવાલ મળ્યા હતા. આશ્ચર્ય કહો કે આઘાત પણ આ માછીમારની સજા વર્ષ ૨૦૨૨માં જ પૂર્ણ થઈ ગઈ હતી અને તેની રાષ્ટ્રીયતાની પુષ્ટિ પણ થઈ ચૂકી હતી, તેમ છતાં તેને વતન પરત મોકલવામાં આવ્યો ન હતો.
સૂત્રોએ એક સામાજિક કાર્યકર્તાને ટાંકીને જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના ૨૦૦૮ના દ્વિપક્ષીય કરાર મુજબ, જે કેદીની સજા પૂરી થઈ જાય અને રાષ્ટ્રીયતાની પુષ્ટિ થઈ જાય, તેને એક મહિનામાં મુક્ત કરવો જોઈએ. જોકે આ નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવું જણાય છે. હાલમાં પાકિસ્તાનની કરાચી સ્થિત મલીર જેલમાં આશરે ૨૦૦ જેટલા ભારતીય માછીમારો કેદ છે, જેમાંથી મોટાભાગના ગુજરાત, દીવ અને મહારાષ્ટ્રના છે. આમાંના અનેક માછીમારો પોતાની સજા પૂરી કરી ચૂક્યા હોવા છતાં જેલના સળિયા પાછળ દિવસો વિતાવી રહ્યા છે.
તેમણે આગળ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની જેલોમાં દર વર્ષે સરેરાશ ૩ થી ૪ ભારતીય માછીમારોના મૃયું થાય છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. જેલમાં સજા કાપી રહેલા ઘણા માછીમારોની તબિયત નાજુક છે અને તેઓ વતન પરત ફરવાની આશા ગુમાવી રહ્યા છે. માછીમારો જાણીજોઈને નહિ પરંતુ અજાણતા દરિયાઇ સરહદ ઓળંગી જતાં હોવાથી બંને દેશોએ આ મુદ્દાને માનવતાવાદી દૃષ્ટિકોણથી જોવો જોઈએ તેવી માંગ પણ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ માછીમાર પરિવારોની મહિલાઓના એક પ્રતિનિધિમંડળે દિલ્હી ખાતે વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બીમાર માછીમારોને તાત્કાલિક સારવાર, જેલમાંથી મુક્તિ અને વર્ષ ૨૦૧૩થી સ્થગિત થયેલી કેદીઓ અંગેની 'જોઈન્ટ જ્યુડિશિયલ કમિટી'ને ફરી શરૂ કરવા સહિતની છ મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી.