ચાર ધામ: દેવભૂમિ ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રાને લઈને વહીવટીતંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષથી ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના મંદિર પરિસરમાં મોબાઈલ ફોન અને કેમેરાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. યાત્રાની ગરિમા અને ભક્તિમય વાતાવરણ જળવાઈ રહે તેમજ શ્રદ્ધાળુઓને દર્શનમાં કોઈ અડચણ ન આવે તે હેતુથી આ નવો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે.
ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેએ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ઉચ્ચે પોલીસ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક બાદ આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, મંદિરની અંદર મોબાઈલ અને કેમેરાની મંજૂરી હોવાને કારણએ ઘણા લોકો ફોટા અને વીડિયો ઉતારવામાં વ્યસ્ત રહેતા હતા. જેનાથી દર્શનની કતારો ધીમી પડતી હતી અને સુરક્ષા વ્યવસ્થામાં પણ ખલેલ પહોંચતી હતી. હવે શ્રદ્ધાળુઓએ મંદિરમાં પ્રવેશતા પહેલા પોતાના ઈલેક્ટ્રોનિક ઉપકરણો બહાર જમા કરાવવા પડશે.
શ્રદ્ધાળુઓની સુવિધા માટે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિને ખાસ સૂચના આપવામાં આવી છે. મંદિર પરિસરની બહાર જ મોબાઈલ અને કેમેરા સુરક્ષિત રીતે જમા કરાવી શકાય તે માટે ખાસ કાઉન્ટર અને લોકરની વ્યવસ્થા કરવામાં આવશે. જોકે, શ્રદ્ધાળુઓ મંદિરની બહાર નીકળ્યા બાદ મંદિરને બેકગ્રાઉન્ડમાં રાખીને પોતાની તસવીરો કે વીડિયો લઈ શકશે, પરંતુ ગર્ભગૃહ કે મુખ્ય પરિસરમાં કોઈ પણ પ્રકારનું શૂટિંગ થઈ શકશે નહીં.
વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ગત વર્ષે ચારધામ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને આશરે 50 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા હતા. આ વર્ષે પ્રવાહ હજુ વધવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને યાત્રા વધુ સુગમ અને સરળ બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભક્તો શાંતિપૂર્ણ અને શ્રદ્ધાપૂર્વક ભગવાનના દર્શન કરી શકે તે માટે પોલીસ અને વહીવટી અધિકારીઓ સતત દેખરેખ રાખશે.