વોશિંગ્ટન ડીસી: વર્ષ 2026ની શરૂઆત વિશ્વ માટે કોઈ રોમાંચક ફિલ્મી પટકથા જેવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાએ 'ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ' દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિને નજરકેદ કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. આ ઘટના બાદ હવે આખું યુરોપ ફફડાટમાં છે, કારણ કે ટ્રમ્પની નજર હવે ગ્રીનલેન્ડ પર અટકી છે. ટ્રમ્પની આ આક્રમકતા જોઈને હવે કેટલાક યુરોપિયન દેશોને રશિયાના પુતિન કરતા અમેરિકાના ટ્રમ્પ વધુ ખતરનાક લાગી રહ્યા છે, જેને કારણે વૈશ્વિક સંબંધોના સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે.
ગ્રીનલેન્ડ પર કબજો કેમ ઈચ્છે છે ટ્રમ્પ?
ટ્રમ્પની નવી વિદેશ નીતિને નિષ્ણાતો 'ડોનરો ડોક્ટ્રિન' તરીકે ઓળખાવી રહ્યા છે. ટ્રમ્પનું માનવું છે કે જો અમેરિકા ગ્રીનલેન્ડને પોતાના હસ્તક નહીં લે, તો રશિયા કે ચીન ત્યાં પોતાનો પ્રભાવ જમાવી દેશે. રણનીતિક દૃષ્ટિએ ગ્રીનલેન્ડ અમેરિકાના 'ગોલ્ડન ડોમ' મિલાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે અત્યંત મહત્વનું છે. અહીંથી આર્કટિક માર્ગે આવતી મિસાઈલો પર સરળતાથી નજર રાખી શકાય છે. ટ્રમ્પ માટે આ માત્ર જમીનનો ટુકડો નથી, પણ અમેરિકાની સુરક્ષા માટેનો 'ફ્રન્ટયાર્ડ' છે.
ગ્રીનલેન્ડ વિશ્વનો સૌથી મોટો દ્વીપ છે અને તે કિંમતી ખનિજો તેમજ 'રેર અર્થ મેટલ્સ' થી ભરપૂર છે. ગ્લોબલ વોર્મિંગને કારણે જેમ જેમ બરફ પીગળી રહ્યો છે, તેમ તેમ 'નોર્થવેસ્ટ પેસેજ' નામનો નવો દરિયાઈ માર્ગ ખુલી રહ્યો છે. આ માર્ગ એશિયા અને યુરોપ વચ્ચેના પ્રવાસનો સમય અને ખર્ચ ઘણો ઘટાડી શકે તેમ છે. અમેરિકા પહેલેથી જ અલાસ્કામાં હાજર છે, અને જો ગ્રીનલેન્ડ તેના કબજામાં આવે તો આખા વૈશ્વિક વેપાર માર્ગ પર અમેરિકાનું પ્રભુત્વ સ્થપાઈ શકે છે.
અમેરિકાનો ઈતિહાસ હંમેશા જમીન ખરીદીને સામ્રાજ્ય વિસ્તારવાનો રહ્યો છે, પછી તે ફ્રાન્સ પાસેથી લુઈસિયાના હોય કે રશિયા પાસેથી અલાસ્કા. ટ્રમ્પ પોતાની સરખામણી 19મી સદીના રાષ્ટ્રપતિ જેમ્સ પોલ્ક સાથે કરી રહ્યા છે. 4 જુલાઈ 2026ના રોજ અમેરિકા તેની આઝાદીના 250 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. ચર્ચાઓ એવી છે કે આ ઐતિહાસિક દિવસે ટ્રમ્પ ગ્રીનલેન્ડને અમેરિકાનું 51મું રાજ્ય જાહેર કરીને પોતાની એક અમીટ વિરાસત છોડવા માંગે છે. એક રિયલ એસ્ટેટ ટાયકૂન માટે ગ્રીનલેન્ડ જેવી 'ડીલ' તેના જીવનની સૌથી મોટી સિદ્ધિ હોઈ શકે છે.