મુંબઈ: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ મુંબઈમાં ‘રિસોર્ટ પોલિટીકસ’ શરુ થઇ ગયું છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફાઇવ સ્ટાર હોટલમાં લઇ જવામાં આવ્યા છે. મહાયુતિને BMCની સત્તા પર કબજો કરતી રોકવા વિપક્ષ મોટો દાવ રમી શકે છે, શિવ સેનાને હોર્સ ટ્રેડીંગ થવાનો ડર છે. આગામી કેટલાક દિવસો મુંબઈ માટે મહત્વના રહેશે.
BMC ચૂંટણીમાં કોઈપણ પક્ષને પોતાના દમ પર બહુમતી મળી નથી, ભાજપ-શિવસેના ગઠબંધ ‘મહાયુતિ’એ બહુમતીનો આંકડો પાર કર્યો છે. મહાયુતિ સામે વિપક્ષી પક્ષો એકઠા થઇ શકે છે, વધુ આઠ કોર્પોરેટર સાથે લઇને BMC પર કબજો મળેવી શકે છે.
BMCની સત્ત મેળવવાના ગણિત પર એક નજર કરીએ.
મહાયુતીએ બહુમતી મેળવી:
BMCમાં 227 વોર્ડ છે, બહુમતી માટે 114 ચૂંટાયેલા કોર્પોરેટરની જરૂર છે. ચૂંટણી પરિણામો મુજબ ભાજપે 89 વોર્ડ પર જીત મેળવી છે, જ્યારે શિવ સેનાએ 29 વોર્ડ પર જીત મેળવી છે. આમ મહાયુતીએ કુલ 118 વોર્ડ પર જીત મળેવી છે, જે બહુમતીના આંકડાથી 4 વધારે છે.
રાજ્ય કક્ષાએ મહાયુતિમાં હોવા છતાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)એ એકલા હાથે ચૂંટણી લડી હતી, NCPએ ત્રણ વોર્ડમાં જીત મેળવી.
વિપક્ષ પાસે પણ છે તક:
ઠાકરે ભાઈઓની પાર્ટી શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) તથા NCP (શરદ ચંદ્ર પવાર) એ સાથે મળીને ચૂંટણી લડી.
શિવસેના (UBT)એ 65 વોર્ડ પર જીત મેળવી, MNSએ છ વોર્ડમાં જીત મેળવી, અને NCP (SP) એ એક વોર્ડ પર જીત મેળવી, આમ આ ગઠબંધને કુલ 72 વોર્ડ પર જીત મેળવી છે.
એકલા હાથે લડતા કોંગ્રેસે 24 વોર્ડમાં, AIMIM ને 8માં અને સમાજવાદી પાર્ટી(SP)એ 2 વોર્ડમાં જીત મળી.
વિપક્ષ શિવસેનામાં તિરાડ પાડી શકે છે:
જો સમગ્ર વિપક્ષ સાથે આવે તો 106 બેઠકો સુધી પહોંચે છે, મહાયુતીને BMC પર કબજો કરતા અટકાવવા માટે એક આ પક્ષો થવાનો નિર્ણય લઇ શકે છે. આમ બહુમતી સુધી પહોંચવા તેમને વધુ છ ચૂંટાયેલા પ્રતિનિધિઓના સમર્થનની જરૂર પડશે, જેના માટે તેઓ શિવ સેનાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સંપર્ક કરી શકે છે. આમ હોર્સ ટ્રેડીંગના ડરે શિવ સેનાએ તેના પ્રતિનિધિઓને હોટેલમાં લઇ ગઈ છે.
શિંદે પર પાર્ટીમાંથી દબાણ:
અહેવાલ મુજબ ઓછી બેઠકો હોવા છતાં શિવ સેનાના કેટલાક નેતાઓ ઈચ્છે છે કે મેયર પદ ભાજપને બદલે તેમના પક્ષ પાસે રહે. અહેવાલ મુજબ પાર્ટીની અંદરથી શિંદે પર દબાણ વધી રહ્યું છે. ચૂંટાયેલા કોર્પોરેટરો ઇચ્છતા નથી કે તેઓ મેયર પદ માટે ભાજપ સાથે સમાધાન કરે. આમ શિવ સેના કિંગમેકર તરીકે ઉભરી આવી છે.
આગામી થોડા દિવસોમાં મુંબઈમાં રાજકરણ ગરમ રહી શકે છે.