કાલિયાબોર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં કાલિયાબોરમાં જાહેર સભાને સંબોધિત કરતા કોંગ્રેસને આડે હાથે લીધી હતી. તેમણે જણાવ્યું કે આજે ભાજપ દેશના લોકોની પ્રથમ પસંદ બની છે. તેમજ છેલ્લા દોઢ વર્ષમાં દેશનો ભાજપ પર વિશ્વાસ સતત વધી રહ્યો છે.જેમાં હાલ બિહારમાં 20 વર્ષ બાદ લોકોને ભાજપને વિક્રમી જીત અપાવી હતી. તાજેતરના મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં પણ લોકો ભાજપને જનાદેશ આપ્યો છે. મુંબઈમાં પ્રથમવાર જનતાએ ભાજપને સેવા કરવાનો મોકો આપ્યો છે. જીત મુંબઈમાં થઇ છે અને તેની ઉજવણી કાજીરંગામાં કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ પાર્ટી મુંબઈમાં પાંચમાં ક્રમે
આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે તાજેતરના તમામ ચૂંટણી પરિણામો અનેક બાબતો સ્પષ્ટ કરે છે. જેમાં આજે દેશના મતદારો સુશાસન, વિકાસ ઇચ્છે છે અને વિકાસ અને વારસો બંને પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી જ તેઓ ભાજપને પસંદ કરે છે. તેમણે કહ્યું,આ ચૂંટણીઓમાં બીજો સંદેશ છે. દેશ સતત કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને નકારી રહ્યો છે. મુંબઈ શહેરમાં જ્યાં કોંગ્રેસનો જન્મ થયો હતો તે પાર્ટી આજે ચોથા કે પાંચમા ક્રમે છે.
ડબલ એન્જિન સરકારે પૂર્વોત્તરના વિકાસને પ્રાથમિકતા આપી
પીએમ મોદીએ પૂર્વોત્તર અંગે જણાવ્યું કે અહીંના લોકોને લાગતું હતું કે દેશનો વિકાસ બીજે ક્યાંક થઈ રહ્યો છે.જે તેમને પાછળ છોડી દે છે. ભાજપે આ લાગણીને બદલવાનું કામ કર્યું. ડબલ એન્જિન સરકારે પૂર્વોત્તરના વિકાસને પ્રાથમિકતા આપી. રોડવે, રેલ્વે, હવાઈ માર્ગ અને જળમાર્ગો દ્વારા આસામને જોડવાનું કામ એકસાથે શરૂ થયું, જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર સત્તામાં હતી ત્યારે આસામને રેલ બજેટ ખૂબ જ ઓછું મળતું હતું. જે લગભગ 2,000 કરોડ રૂપિયા હતું. હવે ભાજપ સરકારે તેને વધારીને વાર્ષિક આશરે 10,000 કરોડ રૂપિયા કરી દીધા છે.