(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી સંચાલિત વિવિધ ૩૩ સેલ્ફ ફાઈનાન્સ અભ્યાસક્રમોમાં ઊંચી ફીમાંથી રાહત આપવા અને અન્ય શૈક્ષણીક સુવિધા અંગે વ્યાજબી પગલા ભરવાની માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કરી હતી. કોંગ્રેસે સેલ્ફ ફાઈનાન્સ અભ્યાસક્રમોમાં ઊંચી ફીને વિદ્યાર્થીની ઉઘાડી લૂંટ ગણાવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચલાવતા સેલ્ફ ફાઈનાન્સ અભ્યાસક્રમોમાં ખાનગી કંપનીઓ અને વિશેષ ભાગીદારોને મુક્ત કરવાથી તમામ ફીની આવક ગુજરાત યુનિવર્સિટીના એકાઉન્ટમાં જમા થાય છે.
સેલ્ફ ફાઈનાન્સ અભ્યાસક્રમોમાં તોતિંગ ફી વસૂલાતી હોવાનો આક્ષેપ
મૂળ વાત એ છે કે, અગાઉ ખાનગી કંપનીઓ અને વિશેષ ભાગીદારોને જે હિસ્સો આપવામાં આવતો હતો તેમાંથી યુનિવર્સિટી મુક્ત થઈ છે. તેમ છતાં અગાઉના ફીના ધોરણો ઘણા ઊંચા હતા તે જ ફી લેવામાં આવી રહી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા 33 થી વધુ સેલ્ફ ફાયનાન્સ સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) જેમાં ૨૭૫૬ વિદ્યાર્થીઓની બેઠક સંખ્યા (INTAKE) હાલમાં ઉપલબ્ધ છે. જેમાં વિવિધ સેલ્ફ અભ્યાસક્રમો માટે રૂપિયા 40,000 થી 55,000, રૂપિયા 50,000થી 65,000, રૂપિયા 75,000 થી 90,000 અને અમુક અભ્યાસક્રમોના વાર્ષિક 1,20,000 જેટલી માતબર ફી વસૂલવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચલાવતા સેલ્ફ ફાઈનાન્સ અભ્યાસક્રમોમાં ઊંચી ફી માંથી સામાન્ય-મધ્યમવર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને રાહત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
GUમાં ઘણા સમયથી સેલ્ફ ફાઈનાન્સ અભ્યાસક્રમો ચાલે છે
હાલમાં ચાલતા સેલ્ફ ફાઈનાન્સ અભ્યાસક્રમોમાં ફેકલ્ટી તરીકે તાજેતરમાં પાસ આઉટ થયેલાને નિમણુંક અપાઈ છે. અગાઉ જેમની સામે અનેક ફરિયાદોથી હતી, વિવાદાસ્પદ કામગીરી કરી ચૂકેલા અનેક કર્મચારીઓને ગોઠવણ કરી દેવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઘણા સમયથી સેલ્ફ ફાઈનાન્સ અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યાં છે. જે અભ્યાસક્રમો જુદી જુદી કંપનીઓ સાથે એમ.ઓ.યુ.(MOU) કરીને ગુજરાત યુનિવર્સિટી ખાતે ચલાવવામાં આવતા હતા જેમાં તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિવિધ લાભો જે તે કંપનીઓને આપવામાં આવ્યા હતા.
આ અભ્યાસક્રમોમાં MOU માં વિવિધ શરતો કરીને આવકની નિશ્ચિત વહેંચણી પણ સુનિશ્ચિત ઠરાવવામાં આવી હતી. ત્યારબાદ, જે તે કંપનીઓ અને વિશેષ વ્યક્તિઓની ભાગીદારી સાથે લાંબો વિવાદ ઊભો થતાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ અભ્યાસક્રમો ચલાવતી ખાનગી કંપનીઓ અને વિશેષ ભાગીદારોને મુક્ત કરવામાં આવ્યા તે આવકારદાયક બાબત છે.ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલતા ૩૩ થી વધુ સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) વિવિધ સેલ્ફ ફાઈનાન્સ અભ્યાસક્રમોમાં ફીની આવક સામે વ્યાજબી પણું તપાસીને સામાન્ય-મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને પાસેથી વસૂલાતી ફીમાં તાત્કાલીક અસરથી ઘટાડો કરવામાં આવે. જેથી વ્યાજબી ફીમાં વિશેષ અભ્યાસક્રમો દ્વારા કારકિર્દી ઘડવામાં તમામને તક મળે તેવી માંગ કરી હતી.