મુંબઈ: બોલીવુડના ફેમસ એક્ટર વરુણ ધવન અત્યારે પોતાની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બોર્ડર 2' ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં આ ફિલ્મનું આઇકોનિક ગીત 'ઘર કબ આઓગે' રીલીઝ કરવામાં આવ્યું હતું, જે બાદ સોશિયલ મીડિયા પર વરુણ ધવનની એક્ટિંગ અને કાસ્ટિંગને લઈને ટીકાઓનો વરસાદ શરૂ થયો છે. જોકે, આ નકારાત્મકતા વચ્ચે 'બોર્ડર' ફિલ્મના અભિનેતા સુનીલ શેટ્ટીએ વરુણનો પક્ષ લઈને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.
સુનીલ શેટ્ટીએ વરુણના સમર્થનમાં વાત કરતા જણાવ્યું કે, લોકોએ હજુ ફિલ્મ જોઈ પણ નથી અને અત્યારથી જ અભિપ્રાય આપવા લાગ્યા છે જે ખોટું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વરુણ ધવન 'બોર્ડર 2' માં શાનદાર કામ કરશે. સુનીલે વધુમાં ઉમેર્યું કે, વરુણ અહીં કોઈ સામાન્ય પાત્ર નહીં પણ દેશ માટે શહીદ થનાર એક સન્માનિત ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યો છે, તેથી કોઈ પણ ટિપ્પણી કરતા પહેલા લોકોએ વિચારવું જોઈએ.
એક ઈન્ટરવ્યુ દરમિયાન સુનીલ શેટ્ટીએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કડવા અનુભવો વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, આજના સમયમાં કોઈને નીચું દેખાડવું ખૂબ સરળ બની ગયું છે. બીજા ક્ષેત્રોમાં નિષ્ફળતા વ્યક્તિગત હોય છે, પરંતુ અહીં જ્યારે કોઈ કલાકાર નિષ્ફળ જાય છે ત્યારે આખી દુનિયા તેની મજાક ઉડાવે છે. લોકો કલાકારોને અબુધ સમજે છે, પણ હકીકતમાં તેઓ ખૂબ સમજદાર હોય છે. સુનીલે અફસોસ વ્યક્ત કર્યો કે આજે સફળતા કરતા નિષ્ફળતાની ઉજવણી વધુ કરવામાં આવે છે.
બીજી તરફ, વરુણ ધવને પણ પોતાની એક્ટિંગ પર સવાલ ઉઠાવનારાઓને શાંતિથી જવાબ આપ્યો છે. જ્યારે એક યુઝરે તેને પૂછ્યું કે 'લોકો તમારી એક્ટિંગ પર સવાલ ઉઠાવી રહ્યા છે, તેના વિશે શું કહેશો?' ત્યારે વરુણે હકારાત્મક રીતે જવાબ આપતા કહ્યું કે, આ વિવાદ અને સવાલોને કારણે જ ગીત હિટ થઈ ગયું છે અને લોકો તેને એન્જોય કરી રહ્યા છે. વરુણ આ ફિલ્મમાં મેજર હોશિયાર સિંહ દહિયાનું પાત્ર ભજવી રહ્યો છે.
વર્ષ 1997માં જેપી દત્તા દ્વારા નિર્મિત 'બોર્ડર' હિન્દી સિનેમાની કલ્ટ ક્લાસિક ફિલ્મ છે. હવે તેની સીક્વલ 'બોર્ડર 2' માં સની દેઓલની સાથે વરુણ ધવન, દિલજીત દોસાંજ, અહાન શેટ્ટી અને સોનમ બાજવા જેવા કલાકારો જોવા મળશે. યુદ્ધના મેદાનની આ શૌર્યગાથા 23 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રીલીઝ થવા માટે તૈયાર છે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.