અમદાવાદઃ રાજ્યમાં ઘેરલું હિંસાના કેસને લઈ ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. 181 અભયમ હેલ્પલાઈનને દર 6 મિનિટે ઘરેલું હિંસાનો એક કેસ મળ્યો હતો. રોજના સરેરાશે 247 કેસ નોંધાયા હતા. જોકે આ સંખ્યા 2024માં નોંધાયેલા 274 કેસ અને 2023માં નોંધાયેલા 271 દૈનિક કોલ્સ કરતા ઓછી હતી. ડેટા મુજબ, રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં અમદાવાદમાં જ વર્ષ-દર-વર્ષ ઘરેલુ હિંસાના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે રાજયમાં છેડતીના કેસમાં બે વર્ષમાં 15 ટકાનો વધારો થયો હતો.
પાંચ વર્ષમાં દૈનિક કોલની સંખ્યા બમણી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેટલાક કિસ્સાઓમાં જ્યાં તાત્કાલિક કાર્યવાહીની જરૂર હતી, તેવા કોલ્સ ગયા સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવેલી '112' હેલ્પલાઇન પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં દરરોજ ઘરેલુ હિંસાના 54 કોલ્સ નોંધાયા હતા, જેનો અર્થ છે કે દર 30 મિનિટે લગભગ એક કોલ નોંધાયો હતો. વર્ષ 2020માં આ સંખ્યા 26 હતી, જે દર્શાવે છે કે પાંચ વર્ષમાં દૈનિક કોલ્સની સંખ્યા બમણી થઈ ગઈ હતી.
ઘરેલુ હિંસાના મુખ્ય કારણો
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘરેલુ હિંસા હંમેશા મહિલાઓ માટે મુખ્ય સમસ્યાઓ પૈકીની એક રહી છે અને કોઈપણ નિવારણ પ્રણાલીમાં તેનો મોટો હિસ્સો હોય છે, પરંતુ આ વધતી સંખ્યા મહિલાઓમાં ઘટનાઓની જાણ કરવાની પ્રવૃત્તિ દર્શાવે છે. જ્યારે પરિવાર અથવા મહિલા પોલીસને બદલે હેલ્પલાઇનનો સંપર્ક કરે છે, ત્યારે તેનો હેતુ પોલીસ અથવા કાયદાકીય કાર્યવાહી શરૂ કરતા પહેલા વચલો માર્ગ શોધવાનો હોય છે. કાયદાકીય કાર્યવાહીમાં ઘણીવાર સંબંધોનો અંત આવી જતો હોય છે. આ ઉપરાંત ઘણીવાર ઘરેલુ હિંસાના કેસો અનેક મુદ્દાઓનું મિશ્રણ હોય છે, અને જ્યારે તે જાહેર મંચ પર પહોંચે છે, ત્યારે તેને સંવેદનશીલ રીતે સંભાળવાની જરૂર હોય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘરેલુ હિંસાના કેસો ઘણીવાર બાળકની કસ્ટડી, આર્થિક સમસ્યાઓ, લગ્નેતર સંબંધો, લગ્ન જીવનના વિખવાદ અને વ્યસન જેવા કારણોથી ઉદભવતા હોય છે.
છેડતીના કેસમાં વધારો
રાજ્યમાં છેડતીના કેસમાં બે વર્ષમાં 15 ટકાનો વધારો થયો હતો. અમદાવાદમાં 2 વર્ષમાં છેડતીના કેસમાં 40 ટકાનો વધારો થયો હતો. જ્યારે રાજકોટમાં 38 ટકા, સુરતમાં 30 ટકા અને વડોદરામાં 5 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે મહિલા-યુવતીઓનો પીછો કરવાની ઘટનામાં અમદાવાદમાં બે વર્ષમાં 45 ટકાનો વધારો થયો હતો.