Tue Jan 20 2026

Logo

White Logo

શબ્દમાં જીવતો કવિ ભગવતીકુમાર શર્મા : ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ

1 day ago
Author: Mumbaisamachar Team
Video

સર્જકના સથવારે - રમેશ પુરોહિત

સુરત એટલે ગુજરાતી ગઝલનું જન્મસ્થાન. આ શહેરની પરંપરા અને આધુનિકતાની સંધિના સમયે એક અગ્રગણ્ય કવિ અને નવલકથાકાર ભગવતીકુમાર શર્માનો ઉદય થાય છે અને પછી તો ગઝલની પાલખીમાં નીકળેલા ભગવતીકુમારની શબ્દ, ઊર્મિ, રંગ, સૌરભ તેજ રહે ને થોડી ભીનાશભરી ગઝલો છવાઈ જાય છે.

સુરતના ગઝલ માહોલની વાત કરીએ તો પરંપરાગત ગઝલોની જન્મભૂમિ અને કર્મભૂમિ સુરત-રાંદેર રહ્યા છે. ગઝલમાં ડખો એ મુશાયરા પ્રવૃત્તિ ગામેગામ પહોંચાડીને ગઝલને લોકભોગ્ય બનાવવામાં ઘણી મદદ કરી છે. અમીન આઝાદ જેવા ઉસ્તાદની આજુબાજુમાં ગની દહીંવાલા, અસીમ રાંદેરી, રતિલાલ અનિલ, ઝાર રાંદેરી, જેવા સમર્થ સર્જકો હતા અને તેઓની સહાયથી મુશાયરાઓ યોજાતા રહ્યા અને ગઝલની એક માતબર સર્જકતાનું સ્થાપન થયું. આ બધા ગઝલકારોએ રચેલી પરંપરાની શક્તિપીઠ પર ગઝલકારોએ રચેલી પરંપરાની શક્તિપીઠ પર આધુનિક અને પરંપરાનો સમન્વય કરીને અનેક પ્રગતિશીલ પ્રયોગો કરનારા ગઝલકારો આવ્યા છે જેમાં મુખ્ય નામ છે ભગવતીકુમાર શર્મા.

ભગવતીભાઈએ કવિતા, નવલકથા, વાર્તાસંગ્રહ, પ્રવાસકથા, વિવેચન, જીવન પ્રસંગો, સ્મૃતિકથા, નિબંધો, અનુવાદ અને આસ્વાદન એમ સાહિત્યના દરેક પ્રકારમાં સુપેરે ગતિ કરી હતી. સર્જક ઉપરાંત તેઓ એક રોજ-બ-રોજ સર્જાતા પત્રકારત્વતા વ્યવસાયમાં એક સંન્નિષ્ઠ પત્રકાર હતા.

આ કવિને સુયોગ્ય માન-અકરામ પ્રાપ્ત થયા છે પણ આ બધા સર્જનોમાં ભગવતીકુમારના સર્જનનો માપદંડ ગઝલ રહી છે. ગઝલની ઉપાસના કહો કે વીસ વીસ વર્ષના રિયાઝની સિદ્ધિ કહો પણ ગઝલ માટે આટલાં બધાં વર્ષો ગઝલ ગણગણ્યા કરી, મઠાર્યા કરી, માતબર કરી, શબ્દોના ચયનની મથામણ કરી, પ્રયોગો કરવામાં ખુમારી રાખી અને અંતે 1975માં ‘સંભવ’ કાવ્ય સંગ્રહથી શ્રીગણેશ કર્યા.

‘સંભવ’ સંગ્રહમાં ‘ક્યાં શોધુ?’ ગઝલમાં ‘મત્લા’ એટલે પહેલા શેરમાં બંને પંક્તિઓમાં કાફિયા-રદિફ હોય એવો ‘મત્લા’ નથી. મક્તા પણ નથી અને રદીફ-કાફિયાને ઓગાળી દીધી છે. આમ આ ગઝલનું બાહ્યતત્ત્વ સચવાતું નથી પણ અંત:તત્ત્વ કે ગઝલસત્ત્વ જોવા મળે છે. ભગવતીભાઈએ કાફિયાની છૂટ લઈને કાફિયા જેવા અનિવાર્ય અંગનો વિચ્છેદ કરવા સુધીના પ્રયોગો કર્યાં છે. એ વખતે પ્રશ્ર્નો થતા કે આવી રદીફ-કાફિયા વગરની ગઝલોને ગઝલ કહેવાય? આ પ્રયોગ વિશે ‘નખશિખ’ ગઝલ સંગ્રહના સંપાદકોએ કહ્યું છે કે: ‘રદીફ - કાફિયા શૂન્ય’ ગઝલો રચવી તે કાચના ઘરમાં વજજરના પાંચીકે રમવા જેવી વાત છે?

આધુનિક પરિભાષા સાથે પૂરા કલ્પનના પ્રયોગો એમણે કર્યાં છે. પચાસના દાયકામાં કવિતામાં પ્રવેશ કરીને 26 વર્ષ પછી પહેલો સંગ્રહ આપ્યો અને ત્યાર પછી કાવ્યયાત્રામાં અનેક પડાવો આપ્યા પણ ગતિ હંમેશાં ઊર્ધ્વગામી જ રહી હતી. ‘છંદો છે પાંદડા જેના’ 1987માં આવે છે. ‘ઝળહળ’ 1995માં, ‘નખ દર્પણ’ પણ એ જ વર્ષમાં અને ‘અઢી અક્ષરનું ચોમાસ’ 2001માં અને ‘ગઝલાયન’ 2009માં આવે છે. એમની શ્રેષ્ઠ ગઝલોના સંપાદનો ‘સુખનવર’ શ્રેણીમાં અને રવીન્દ્ર પારેખ સંપાદિત ‘ગઝલની પાલખીમાં નીકળ્યા’ પ્રકટ થયા છે. પછી મળે છે ‘ઉજાગરા’, ‘એક કાગળ હરિવરને’ અને ‘આત્મસાત’.

ભગવતીકુમાર વારંવાર પોતાની સર્જનયાત્રા અને ખાસ કરીને ગઝલ સર્જનની વાતો ગઝલમાં કરે છે. તેનાથી એક સાહિત્યકારના શબ્દ - સમર્પણનો ગ્રાફ નજરે પડે છે જેમ કે:
હું અક્ષરબ્રહ્મમાં ડૂબ્યો છું પણ ઈશ્ર્વરને જઈને કહેજો
જો મારી જરૂરત હોય તો તે આભેથી અનાહતનાદ કરે

શબ્દ શીંગડે સાઠમારીનો સતત અનુભવ
ધોરીનસને જોડી દીધી છે લેખણમાં

પાંચ આંગળે પાંચ કલમના કાયમ સ્થાનક,
કાના માતર હૃસ્વઈ દીર્ઘઈ છે આંટણમાં

સંબોધનો સ્વયંભૂપણે સ્ફુરતા જશે
કાગળ છે કાલજાનો તો લાવો કલમ-દવાત

શબ્દ, ઊર્મિ, રંગ, સૌરભ, તેજ ને થોડી ભીનાશ,
લ્યો, અમે બેસી ગઝલની પાલખીમાં નીકળ્યા.

મારી એકલતા છે મારું ઉપનિષદ,
શબ્દ, લેખણ, સાહી, કાગળ, કંઈ નથી.
 
કવિતાનો અગ્નિ પ્રગટ્યો છે પાંચ ટેરવે
ભડભડ બળતી છાતી, એને કોણ ઓલવે?
 
કલમ દાંત વચ્ચે દબાવી લખીશ
કપાશે યદિ હાથ કાંડા સુધી

કવિતાની રાધા સહિત રાસ રમીએ
શબદ-દાંડિયે પ્રાસ-અનુપ્રાસ રમીએ
કોઈ સાંવરી કોઈ ગોરી કવિતા,
રમત છે ગહન પણ અનાયાસ રમીએ.

તાજો જન્મેલો કો’ નિર્વસન શબ્દ છે,
લોહી-સંબંધે મારો સ્વજન શબ્દ છે
આ કવિતાના ભાલે હું બિન્દી કરું,
છે કલમ હાથમાં તો શુકન શબ્દ છે
 
આ ગઝલ મારી છે હયાતી પણ,
તારા હાથે લખાઈ જીવું છું

ગઝલ ત્યાં લખાઈ હશે આંસુભીની
મૂકી આવ્યો છું હું પલળતા અવાજો

ભાવની શબ્દની આ સફર, લોહી જેનાથી છે તર-બતર
લાગણી તે છતાં એક-બે માંડ આવી છે લેખણ સુધી.
આ બધા શેરોમાં ભગવતીકુમારે ગઝલનું બંધારણ આપ્યું છે. ગઝલની જોઈતી વસ્તુ સામગ્રીનો થાળ આપણને મળે છે આ શેરોમાંથી અને સાથે સાથે મળે છે સર્જકના ચિત્રની આરસી. ભગવતીભાઈ જેવા સબળ સર્જકના બીજાં અનેક પાસાંઓ છે. જેની વાત તો થશે પણ લખવાની વાતમાં એ શું કહે છે તેનો સંપૂર્ણ ગ્રાફ આ ગઝલમાંથી મળે છે:
હું કલમમાં વરસું છું ધોધમાર લખવું છે
આંગળા ભલે બુઠ્ઠાં ધારદાર લખવું છે.
લાગણી લખાવે તો લાખ વાર લખવું છે
બુદ્ધિ બૂમ પાડે તો પણ ધરાર લખવું છે
હોડ છે સટોસટની તો ય હું નહીં થાકું
મારે ઓ સમય, તારી હારોહાર લખવું છે
તું સુગંધની  કલકલ એક નદી વહાવી દે
મારે જળના કાગળ પર બેસુમાર લખવું છે
ભગવતીભાઈની સર્જન યાત્રાના અનેક આયામો છે અને મુકામો છે જેનો નાતો ભાવજગત સાથે છે, પત્રકાર હોવાથી તે આવો શે’ર કહી શકે છે:
ઘટનાનું લોહી કેટલું ઠંડું પડી ગયું!
જાણે સવારે યંત્રથી અખબાર ઊતરે.

ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ

ટહુકા બનીને ઝૂલીએ સૌરભની ડાળ પર
મંડપ વસંત કેરો શયનકક્ષ નીકળે.