Tue Jan 20 2026

Logo

White Logo

આરોગ્ય એક્સપ્રેસ : વિરુદ્ધ આહાર...આરોગ્ય માટે છે રેડ એલર્ટ

4 hours from now
Author: Mumbaisamachar Team
Video

રાજેશ યાજ્ઞિક

આપણે સહુ જાણીએ જ છીએ કે દરેક જીવિત પ્રાણી માટે આહાર અતિ આવશ્યક છે. આયુર્વેદ કહે છે કે આરોગ્ય અને વ્યાધિ બંને માટે જવાબદાર છે આપણો આહાર... બીજા શબ્દોમાં કહીએ તો યોગ્ય આહારથી જેમ આપણું આરોગ્ય સુધરે છે, તેવી રીતે અયોગ્ય આહારથી વ્યાધિ પણ ઉત્પન્ન થઇ શકે છે.

વિધિ (આહાર પદ્ધતિ) અનુસાર જો હિત આહાર (સુસંગત આહાર) લેવામાં આવે તો તે બળ (શક્તિનો વધારો), વર્ણ (રંગ) અને ઇન્દ્રિયપ્રસાદ (ઇન્દ્રિયોનું પોષણ) પ્રદાન કરે છે. જો ખોરાક અષ્ટ આહાર વિધિ (વિશેષતા) અનુસાર તૈયાર ન કરવામાં આવે તો તે શરીરને કોઈ ફાયદો કરતું નથી.

આચાર્ય વાગ્ભટ્ટે ‘અષ્ટાંગ સંગ્રહ’ ગ્રંથમાં વિરુદ્ધ અહાર (અસંગત ખોરાક)નું વર્ણન કર્યું છે, જે પદાર્થોનું સેવન કરવાથી દોષો વધે છે, પણ શરીરમાંથી બહાર નીકળતા નથી અને રસ વગેરે ધાતુઓ (શરીરની પેશીઓ)માં અસામાન્યતાઓ ઉત્પન્ન થાય છે સાથે વિવિધ રોગોને જન્મ આપે છે. આવા ખોરાકને વિરુદ્ધ આહાર (અસંગત આહાર) કહેવામાં આવે છે.    
  
આયુર્વેદિક ગ્રંથોમાં વિરુદ્ધ આહારના વિવિધ પ્રકારોનું વર્ણન કરવામાં આવ્યું છે. આચાર્ય સુશ્રુતે સુત્રસ્થાનના 20મા અધ્યાયમાં વિરુદ્ધ અહારનું વર્ણન કર્યું છે. આયુર્વેદમાં આચાર્ય ચરકે પણ કહ્યું છે કે, આહાર એ વ્યક્તિનું જીવન છે, પરંતુ જ્યારે તે યુક્તિ (યોગ્ય આયોજન) સાથે લેવામાં આવે તો... યુક્તિ સાથે લેવામાં આવે તો આહાર રસાયણ (કાયાકલ્પ) જેવું અસરકારક બને છે, પરંતુ યુક્તિ વિના, તે વિષ (ઝેર) જેવું બની શકે છે.

આપણે કહીએ છીએ કે ‘જેવું અન્ન તેવું મન’ આયુર્વેદે ખોરાકને તેના મૂળભૂત ગુણોના આધારે ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કર્યો છે: સાત્વિક-રાજસિક અને તામસિક... સાત્વિક આહાર મન અને આત્મા માટે ઉર્જાના સ્તરને સમૃદ્ધ અને ઉન્નત બનાવે છે, જ્યારે રાજસિક આહાર માણસને ભૌતિકવાદી અને સ્વાર્થી જીવનશૈલી તરફ ઉશ્કેરે છે. તામસિક આહાર એક એવો આહાર છે જે વ્યક્તિને દુષ્ટતા તરફ દોરી જાય છે.

આચાર્ય ચરકે 18 પ્રકારના વિરુદ્ધ આહારનું વર્ણન કર્યું છે.

1) દેશ વિરુદ્ધ- વ્યક્તિ જે સ્થળે રહેતો હોય ત્યાંની આબોહવાને અનુરૂપ સ્થાનિક ભોજન ન લેતા તેનાથી વિપરીત આહાર લેવો.

2) કાળ વિરુદ્ધ- સમય કે ઋતુ અનુસાર આહાર ન લેતા, વિપરીત આહાર, જેમકે ઉનાળામાં અત્યંત તીખું ભોજન, ઠંડીમાં વધારે ગળ્યાં કે ઠંડા પદાર્થોનું સેવન ન કરાય.

3) અગ્નિ વિરુદ્ધ- વ્યક્તિની પાચન શક્તિથી વિપરીત. આપણા જઠરાગ્નિને માફક આવે તેવો ખોરાક લેવો જોઈએ.

4) માત્રા વિરુદ્ધ- ઉદાહરણ તરીકે ઘી અને મધ સમાન માત્રામાં લેવું હાનિકારક કહેવાયું છે.

5) સાત્મ્ય વિરુદ્ધ- એલર્જિક ખોરાક લેવો, જેમકે લેક્ટોઝની અસહિષ્ણુતા ધરાવતી વ્યક્તિ દૂધજન્ય પદાર્થોનું સેવન કરે.

6) દોષ વિરુદ્ધ- ઉદાહરણ તરીકે વાત, પિત્ત કે કફ દોષ ધરાવતી વ્યક્તિને તેવા જ ગુણધર્મ ધરાવતો ખોરાક લેવાથી તકલીફ ઊભી થાય છે.

7) સંસ્કાર વિરુદ્ધ- ભોજન તૈયાર કરવાની રીતમાં વિપરીત હોય તેવા. જેમકે, તાંબાના વાસણમાં દહીં ખાવું.

8) વીર્ય વિરુદ્ધ- ગુણ વિરોધી આહાર. જેમકે આઈસ્ક્રીમ વિથ બ્રાઉનીમાં અત્યંત ઠંડો પદાર્થ, ખૂબ ગરમ વસ્તુ સાથે ભેગા કરીને ખવાય છે. તે અહિતકારી છે.

9) કોષ્ઠ વિરુદ્ધ- ઉદાહરણ તરીકે શિથિલ આંતરડા ધરાવતી વ્યક્તિને પચવામાં ભારે અને અધિક મળ ઉત્પન્ન કરે તેવો ખોરાક આપવો.

10) અવસ્થ વિરુદ્ધ- વ્યક્તિની અવસ્થા પ્રમાણે ખોરાક ખાવો જોઈએ. જેમકે બાલ્યાવસ્થામાં કફવર્ધક પદાર્થો ન ખવાય, વૃદ્ધાવસ્થામાં વાયુવર્ધ પદાર્થો ટાળવા જોઈએ. શારીરિક પરિશ્રમ કર્યા પછી તરત પચવામાં ભારે અથવા વાયુવર્ધક ખોરાક લેવો વગેરે.

11) ક્રમ વિરુદ્ધ- ભોજન કરીને સ્નાન કેવું ક્રમ વિરુદ્ધ ગણાય છે.

12) પરિહાર વિરુદ્ધ- ઉદાહરણ તરીકે ગુણધર્મમાં ગરમ હોય તેવી વસ્તુ પછી તરત તેનાથી વિપરીત ગુણધર્મ વળી ઠંડી વસ્તુ ખાવી.

13) ઉપચાર વિરુદ્ધ- શરદી થઈ હોય અને તેની સારવાર ચાલતી હોય ત્યારે વધુ કફ શરદી થાય તેવો ખોરાક ખાવો તે પણ વિરુદ્ધ આહાર જ છે .

14) પાક વિરુદ્ધ- ભોજન તૈયાર કરતી વખતે તેને અગ્નિ પર યોગ્ય રીતે પાકવા દેવો જોઈએ. કાચો રહી ગયેલો, વધારે પકાવેલો, કે અધકચરો ખોરાક તૈયાર કરવો તે વિરુદ્ધ આહાર બને છે.

15 ) સંયોગ વિરુદ્ધ- ઉદાહરણ તરીકે દૂધ સાથે ખાટી ચીજોનું સેવન. ફ્રૂટ સલાડ બનાવતી વખતે આવો વિરુદ્ધ આહાર ઘણા તૈયાર કરે છે.

16) હૃદય વિરુદ્ધ- અપ્રિય હોય તેવું ભોજન પણ વિરુદ્ધ આહારનું કામ કરે છે.

17) સમ્પદ વિરુદ્ધ- અધકચરા કે બગડેલા ખોરાકનું સેવન કરવું, વધારે પડતા ખોરાકનું સેવન કરવું પણ વિરુદ્ધ આહાર બને છે.

18)  વિધિ વિરુદ્ધ- જેમકે ઊભા રહી ખાવાનું કે પાણી ન પીવું જોઈએ. વાત કરતા કરતા ન જમવું જોઈએ એવા અનેક નિયમો આહાર વિધિમાં કહેલાં છે જે અનુસરણ કરવું જોઈએ.