આરંભ થાય એનો અંત નિશ્ર્ચિત છે. જન્મ પછી મરણ, સૂર્યોદય પછી સૂર્યાસ્ત અટળ છે. ત્રિઅંકી નાટકના ત્રીજા અને છેલ્લા અંકનું અંતિમ દૃશ્ય ભજવતી વખતે કલાકાર જે પ્રકારની લાગણી અનુભવતો હોય એવી જ લાગણી હું અત્યારે અનુભવી રહી છું. એ જ ન્યાયે 2023ના નવરાત્રીના શુભ અવસરે વિશ્વના સૌથી જૂના અને વિશ્વસનીય એવા ‘મુંબઈ સમાચાર’માં શરૂ થયેલી મારી કોલમનો આજનો આ હપ્તો અંતિમ હપ્તો છે.
જીવન એક સંઘર્ષ છે. અંગત જીવન હોય કે વ્યાવસાયિક કારકિર્દી હોય, દરેક મોરચે લડવાનું હોય છે. મારું જીવન પણ સંઘર્ષમય રહ્યું છે. દરેક પ્રસંગનો સામનો ગભરાયા વિના કર્યો છે. એક એક ડગલું માંડી, હિંમત, સાવચેતી અને નિષ્ઠા રાખી આગળ વધી અને જીવનમાં તડકા - છાંયડાનો અનુભવ કર્યો. વિલિયમ શેક્સપિયર કહી ગયા છે એમ જીવન પણ એક રંગમંચ છે અને આપણે બધા એક્ટર છીએ અને દરેકની નિર્ધારિત ભૂમિકા હોય છે. મેં પણ મારી ભૂમિકા સુપેરે નિભાવી છે એવો દાવો કરી શકું છું. આજે જીવનની સમી સાંજે નિવૃત્ત પણ નિજાનંદમાં મસ્ત છું ત્યારે ઘણા બધા વિચારો આવે છે. ‘આઈ એમ અલોન બટ નોટ લોન્લી’. આજે 84 વર્ષની ઉંમરે હું એકલવાયી જિંદગી જીવી રહી છું, પણ મને એકલતા નથી સાલી રહી અને એમાં ‘મુંબઈ સમાચાર’નો મોટો ફાળો રહ્યો છે.
મારી નાટ્ય સફરના સક્ષમ સાથી અરવિંદભાઈ વેકરિયાના સૂચનથી મારી જીવનકથા આલેખવાનો પ્રસ્તાવ ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવે સમક્ષ રજૂ કર્યો. નીલેશ દવે એક કુશળ તંત્રી હોવા ઉપરાંત રંગભૂમિને પ્રોત્સાહન આપવા કાયમ અગ્રેસર રહ્યા છે. આ લેખમાળાથી અખબારના વાચકોને જૂની રંગભૂમિના સંસ્મરણો તાજા થશે, એ સુવર્ણ સ્મૃતિઓ મમળાવવાની તક મળશે એ હેતુથી આ કોલમ શરૂ કરવાની પરવાનગી તેમણે આપી. તેમના જ સૂચનથી નવરાત્રીના પહેલા નોરતે, 15 ઓક્ટોબર, 2023ના દિવસે આ કોલમનો પ્રથમ હપ્તો પ્રગટ થયો. આજે 111મો અંતિમ હપ્તો પ્રગટ થયો છે. આ લેખમાળા દરમિયાન મને અનેક મધુર અનુભવ થયા અને એ દરમિયાન હું એકલી છું એ વાત જ સાવ ભૂલી ગઈ.
‘મુંબઈ સમાચાર’ની આ કોલમ મારફત વાચકો સમક્ષ જૂની અને રંગભૂમિના સુવર્ણકાળના કેટલાક પ્રકરણ હું રજૂ કરી શકી એનો મને આનંદ છે. પ્રમાણિકપણે કહું છું કે આ કોલમ પ્રગટ થઈ એ પહેલા અભિનેત્રી મહેશ્વરીની ઓળખ એક વર્ગ સુધી સીમિત હતી. અખબારમાં કોલમ શરૂ થયા પછી વાચકોના ઉમળકાભર્યા પ્રતિભાવથી મારા જીવનમાં ઉલ્લાસ અને આનંદની ભરતી આવી. મારા નામ અને કામની જાણ થતા સંસ્થાઓ તરફથી કાર્યક્રમો માટે હાજર રહેવા આમંત્રણ મળવા લાગ્યા. એ કાર્યક્રમોમાં હું જ્યારે રંગભૂમિના સંસ્મરણો રજૂ કરતી ત્યારે હાજર રહેલા નાટ્ય પ્રેમીઓના ચહેરા પર નજરે પડતો સંતોષ એ મારા માટે અનેક વર્ષોની કમાણી કરતાં વિશેષ હતો. એનો સંપૂર્ણ શ્રેય ‘મુંબઈ સમાચાર’ અને તંત્રી નીલેશ દવેને જાય છે.
આ કોલમમાં મેં નાટ્ય સફર ઉપરાંત મારા અંગત જીવનની વ્યથા કથા પણ આલેખી છે અને એ વાંચ્યા બાદ વાચકોના મળેલા પ્રતિભાવથી એ વ્યથા વિસારે પાડી દીધી અને એ માટે ‘મુંબઈ સમાચાર’ અને તંત્રી નીલેશ દવેની આભારી છું. સંધ્યાકાળે પ્રગટેલો એક દીવો પણ તેજસ્વી લાગતો હોય છે. ‘મુંબઈ સમાચાર’ના વાચકોએ મારી કોલમને વધાવી એ બદલ હું એમની આભારી છું. અને હા, 42 વર્ષ પછી મારા ભાઈ સાથે ફરી મેળાપ થયો એમાં ‘મુંબઈ સમાચાર’ નિમિત્ત બન્યું હતું એ મારા જીવનની ધન્ય ઘડીમાંની એક છે.
નવી રંગભૂમિ માટે મેં નાટકો કર્યા એમાં જેમ દિગ્દર્શક કાંતિ મડિયાનું મારી નાટ્ય સફરમાં મહત્ત્વ હતું એવું જ મહત્ત્વ નાટ્ય લેખક પ્રવીણ સોલંકીનું રહ્યું છે. ઉમદા માણસ અને વિવિધ વિષયો પર નાટક લખવામાં તેમની ગજબની હથોટી હતી. એમનો ગજબનો દબદબો હતો. પ્રવીણ ભાઈએ મારા માટે પાંચેક નાટક લખ્યા હતા. ‘કોઈ ભીંતેથી આયના ઉતારો’, ‘રંગ છે રાજ્જા’, ‘મોટું કુટુંબ સુખી કુટુંબ’, ‘મારું ઘર મારો સંસાર’ નામ અત્યારે યાદ આવી રહ્યા છે.
એક વાત મારે સ્વીકારવી જ રહી. રંગભૂમિ પર સફળ થવા મેં ખૂબ સંઘર્ષ કર્યો છે, આકરી મહેનત કરી છે, પણ કાયમ ઈશ્વરના આશીર્વાદ મારી સાથે રહ્યા છે. ક્યારેય અટકીને બેસી નથી રહેવું પડ્યું. જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા, પણ ડગમગી નહીં. જીવનમાં અનેક દુ:ખ આવ્યા, પણ ક્યારેય રોક્કકળ કરી હાથ જોડી બેસી ન રહી. હિમ્મત નથી હારી અને હસતે મોઢે દરેક પરિસ્થિતિનો સામનો કર્યો છે. આજે ઘરમાં એકલી રહું છું, પણ કોઈ વાતની કમી નથી કે અફસોસ નથી. કોહિનૂર હીરો જેવો મારો દીકરો મારી દરેકે દરેક બાબતની કાળજી રાખે છે. એક ફોન કરું ને હાજર થઈ જાય છે. કોઈ વાતે ઓછું નથી આવવા દેતો. તેણે પોતાનું પણ અલાયદું ઘર બનાવી લીધું છે અને એનું સાંસારિક જીવન ખૂબ સુખી છે. નિરાંતની જિંદગી જીવી રહી છું.
અત્યારે ઘરની બાલકનીમાં બેસી જૂની હિન્દી ફિલ્મોના ગીતો સાંભળી રહી છું અને એમાં ‘હમ દોનો’ ફિલ્મનું સાહિર લુધિયાનવી લિખિત ગીત વાગે છે. મારી જીવન કથની પર એ ફિટ બેસે છે. સ્વર્ગીય સાહિર સાબની ક્ષમા સાથે એક નજીવો ફેરફાર કરું છું:
‘મૈં જિંદગી કા સાથ નિભાતી ચલી ગયી, હર ફિક્ર કો ધુએં મેં ઉડાતી ચલી ગયી....
(સંપૂર્ણ)
‘વીસમી સદી’માં દીકરીને સાસરામાં પડતું દુ:ખ જોઈ પ્રેક્ષકો રોઈ પડતા
મૂળ નામ જમનાદાસ મોરારજી ભાટિયા પણ કવિ જામન તરીકે ખ્યાતિ મેળવી. બનેવીને નાટક જોવાનો શોખ હોવાથી સાળા જમનાદાસને પણ કિશોરાવસ્થામાં જ નાટકો જોવાનો લ્હાવો મળ્યો. એ ઉંમરે જ નાટ્યકળા પ્રત્યે રુચિ જાગી અને 15 વર્ષની ઉંમરે તેમણે નાટક લખ્યું હોવાની નોંધ છે. એમની કલમથી અવતરેલું ‘કુસંગદોષ’ નાટક રોયલ નાટક મંડળીએ ‘ભૂલનો ભોગ’ નામથી ભજવ્યું જેને સફળતા મળી હતી. નાનપણમાં જામને ધર્મગ્રંથોનું ખાસ્સું વાંચન કરેલું, પણ તેમણે પૌરાણિક નાટકો નથી લખ્યા. એમના સમય દરમિયાન ઐતિહાસિક નાટકોનું ચલણ હતું, પણ ‘જામન’ એનાથી પણ દૂર રહ્યા.
ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ ઉપર ભજવાયેલા તેમના નાટકોની સંખ્યા ઝાઝી નથી, પણ તેમણે સામાજિક સમસ્યાઓથી ભરપૂર નાટકો લખ્યાં હતા. તેમની શૈલીમાં તાજગીનો અનુભવ થતો હતો અને વાસ્તવિકતાને પ્રાધાન્ય આપતા હતા. એવી પણ નોંધ છે કે ચલચિત્રોના વધી રહેલા પ્રભાવ સામે નાટકો ટકી શકે એ માટે ત્રણ કલાકના નાટકની શરૂઆત તેમણે કરી હતી. સમયથી આગળ વિચારનારા જામનએ સ્ત્રી - પુરુષ વચ્ચેની અસમાનતા અને સામાજિક દૂષણો પર સર્ચલાઈટ મારતા નાટકો લખ્યા. તેમણે લખેલા ‘એમાં શું?’ નાટકમાં સામાન્યપણે અનેક ઘરમાં જોવા મળતી કથા હોવાથી એ ખાસ્સું લોકપ્રિય થયું હતું. સમાજની વાસ્તવિકતા સામે આંગળી ચીંધતા ‘વીસમી સદી’ નાટકમાં દીકરીને સાસરામાં પડતું દુ:ખ જોઈ ઘણા પ્રેક્ષકો રોઈ પડતા. અભિનય શોખ પૂરો કરવા નાટ્યલેખન તરફ વળેલા પ્રાગજી ડોસાએ જામનના ‘કોલેજિયન’ નાટકમાં ખલનાયક બાબુનું પાત્ર ભજવ્યું હતું. જામનનું વાંચન વિશાળ હતું અને ફ્રાન્સના ખ્યાતનામ લેખક વિક્ટર હ્યૂગોની મહાનવલકથા ‘લા મિઝરેબલ’ પરથી ‘પ્રવાસી’ નામનું નાટક પણ તેમણે લખીને ભજવ્યું હતું.