Tue Jan 20 2026

Logo

White Logo

ભારતમાં AI સર્વિસની કિંમત અમેરિકનો કેમ ચૂકવે છે? : વ્હાઇટ હાઉસના સલાહકારે ઉઠાવ્યા સવાલ...

washington dc   1 day ago
Author: Mumbai Samachar Team
Video

વોશિંગ્ટન ડી સી: રશિયા પાસેથી પેટ્રોલિયમની ખરીદી બદલ યુએસે ભારત પર ટેરિફ લાગુ કર્યો છે. યુએસ રાષ્ટ્રપતિ ભારત પર વધુ ટેરિફ લાદવાની વાત કરી ચૂક્યા છે. એવામાં વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર પીટર નવારોએ ભારત વિરુદ્ધ વધુ એક પગલાનું સૂચન કર્યું છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ઓપન AIના ચેટજીપીટી સહિતના AI પ્લેટફોર્મ યુએસની ધરતી પર કામ કરે છે પણ તેની સર્વિસ ભારતને મફતમાં કેમ આપવામાં આવી રહી છે? તેમણે આ મુદ્દે કાર્યવાહી કરવા પણ કહ્યું હતું.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન પીટર નવારોએ કહ્યું ચેટજીપીટી સહિતના પ્લેટફોર્મ અમેરિકન વીજળીનો ઉપયોગ કરે છે, જેમાં ભારત સહિત દુનિયાભરમાં AI સર્વિસ આપે છે. ભારતમાં AI સર્વિસ માટેની કિંમત અમેરિકનો કેમ ચુકવે? નાવારોએ કહ્યું કે મુદ્દે ધ્યાન આપવાની જરૂર છે.

નવારોએ ખેતીની યુએસમાં જમીનની ખરીદી અંગે પણ ચિંતા વ્યક્ત કરી, તેમણે કહ્યું કે વિદેશી ગ્રુપ્સ  વાસ્તવિક કિંમત કરતાં દસ ગણી વધુ કિંમત ચૂકવીને ખેતીની જમીનન ખરીદી રહ્યા છે. તેમણે કહ્યું કે આનાથી અમેરિકામાં ખાદ્યપદાર્થોના ભાવ વધી શકે છે.

અગાઉ નવારોએ રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી અંગે ભારતની ટીકા કરી હતી. તેમણે ભારતમાં યુએસની આયાતો પરના ટેક્સ અંગે ભારતને "ટેરિફનો મહારાજા" ગણાવ્યું હતું.  યુએસમાં ભારતીય આયાત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફનો બચાવ કરતા,  નવારોએ કહ્યું કે "બ્રાહ્મણો" ભારતીય જનતાના ભોગે નફો કમાઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયે પીટર નવારોના આ નિવેદનને વખોડી કાઢ્યું હતું. ભારતે ટેરિફને "અન્યાયી અને ગેરવાજબી" ગણાવ્યું હતું.