Tue Jan 20 2026

Logo

White Logo

ટ્રમ્પે યુરોપના 8 દેશો પર ટેરિફ લાદ્યો: : મેક્રોન અને સ્ટાર્મરે વિરોધ નોંધાવ્યો, યુએસ-યુરોપ વચ્ચે તણાવ વધ્યો

Washington DC   1 day ago
Author: Savan Zalariya
Video

વોશિંગ્ટન ડી સી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ શરતે કિંગડમ ઓફ ડેન્માર્કનાં સ્વાયત પ્રદેશ ગ્રીનલેન્ડ પર યુએસનો કબજો ઈચ્છે છે. તેમણે ગ્રીનલેન્ડ ખરીદવાનો પ્રસ્તાવ મુક્યો છે, જેનો ડેન્માર્ક ઉપરાંત યુરોપના અન્ય દેશોએ વિરોધ કર્યો છે. રોષે ભરાયેલા ટ્રમ્પે  ગ્રીનલેન્ડ ખરીદવાની મંજૂરી ન મળે ત્યાં સુધી યુરોપના 8 દેશો પર ટેરિફ લાગુ કર્યો છે, યુરોપિયન દેશોના નેતાઓએ ટ્રમ્પના આ પગલાને વખોડી કાઢ્યું છે. એવામાં યુએસ અને યુરોપ વચ્ચે તણાવ વધ્યો છે..

પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને  ટ્રમ્પે લખ્યું કે ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, યુકે અને નેધરલેન્ડ્સ પર 1 ફેબ્રુઆરીથી 10% ટેરિફ લાગુ થશે, 1 જૂનથી આ  ટેરિફ વધીને 25% થઇ જશે, જ્યાં સુધી યુનાઇટેડ સ્ટેટ્સ ગ્રીનલેન્ડ ખરીદવા માટે કોઈ ડીલ ન કરે ત્યાં સુધી લાગુ રહેશે.

ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું, "અમે ઘણા વર્ષોથી ડેનમાર્ક, અને યુરોપિયન યુનિયનના તમામ દેશો અને અન્ય દેશો પાસેથી ટેરિફ વસૂલ્યા વિના સબસિડી આપી રહ્યા છીએ. હવે, સદીઓ પછી સમય આવી ગયો છે ડેનમાર્ક એ ઋણ ચૂકવે- વિશ્વ શાંતિ દાવ પર છે!"

ગ્રીનલેન્ડ પર કબજા અંગે ટ્રમ્પની દલીલ:
ગ્રીનલેન્ડ પર યુએસના કબજા માટે દલીલ આપતા ટ્રમ્પે કહ્યું, “ચીન અને રશિયાને ગ્રીનલેન્ડ જોઈએ છે, અને ડેનમાર્ક તેના કંઈ કરી શકે એમ નથી. ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પના નેતૃત્વ હેઠળ જ આ રમત રમી શકે છે, અને એ પણ ખૂબ જ સફળતાપૂર્વક!"

'આર્કટિક એન્ડ્યુરન્સ' નામની કવાયતના ભાગ રૂપે નાટોના સભ્ય દેશો ગ્રીનલેન્ડમાં લશ્કર મોકલી રહ્યા છે, એવમાં ટ્રમ્પે યુરોપિયન દેશો પર ટેરીફ લાગુ કરીને તણાવમાં વધારો કર્યો છે.

યુરોપના દેશો એ ટ્રમ્પના પગલાને વખોડું:
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે ટેરીફ લાગુ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના પગલાને વખોડી કાઢ્યું છે.

ઇમેન્યુઅલ મેક્રોને X પર પોસ્ટ કરીને લખ્યું, "ટેરિફની ધમકીઓ અસ્વીકાર્ય છે. તેમણે એમ પણ લખ્યું કે યુરોપિયન સાર્વભૌમત્વની રક્ષા માટે યુરોપિયનો એક સાથે અને સંકલિત રીતે પ્રતિક્રિયા આપશે.”

 

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે પ્રતિક્રિયા આપતા કહ્યું, "નાટોના સાથી દેશોની સામૂહિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને દેશો પર ટેરિફ લાગુ કરવો સંપૂર્ણપણે અયોગ્ય છે. અમે યુએસ વહીવટીતંત્ર સાથે આ અંગે ચર્ચા કરીશું."