નાગપુર: મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે સ્થાનિક પોલીસ સાથે નાગપુરમાં જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી કહેવાતા ધર્મોપદેશક છાંગુર બાબાના મુખ્ય સાથીની ધરપકડ કરી હતી.છાંગુર બાબા ઉર્ફે જલાલુદ્દીન ઉર્ફે કરીમુલ્લા શાહ અને તેના સાથીની લખનઊમાં નોંધાયેલા એક એફઆઈઆર પ્રકરણે ઉત્તર પ્રદેશની એટીએસ તપાસ કરી રહી હતી. આ કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ મામલાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે પણ તપાસ હાથ ધરી હતી.
છાંગુર બાબાના નેટવર્ક માટેના લૉજિસ્ટિક અને ભંડોળની વ્યવસ્થામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ઈધુ ઈસ્લામને પાંચપાવલી પોલીસ સ્ટેશન હેઠળના આશી નગરમાંથી શનિવારના મળસકે પાંચ વાગ્યે તાબામાં લેવાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા ગંભીર ગુનામાં પોલીસ ઈસ્લામને શોધી રહી હતી. તેની વિરુદ્ધ અરેસ્ટ વૉરન્ટ પણ ઈશ્યુ કરાયા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી ન થાય એ રીતે આશી નગરની સાંકડી ગલીમાં સાવધાનીથી ઑપરેશન હાથ ધરાયું હતું.
કોઈ પણ સમસ્યા વિના પોલીસની ટીમે તેને પકડી પાડવામાં સફળતા મેળવી હતી, એવું અધિકારીએ જણાવ્યું હતું.છેલ્લાં કેટલાંક વર્ષથી તે ફરાર હતો અને સંતાતો ફરતો હતો. આધારભૂત માહિતીને આધારે શનિવારના મળસકે તેની ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઈ)