નાશિક: નાશિકમાં પિક-અપ વૅન અને લક્ઝરી બસ સામસામે ટકરાતાં ચાર પ્રવાસીનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે બે ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત રવિવારની મધરાતે દોઢ વાગ્યાની આસપાસ માલેગાંવ તાલુકામાં મનમાડ-માલેગાંવ રોડ પર વરહાણે ગામ નજીક બન્યો હતો. માલેગાંવ તરફ જઈ રહેલી લક્ઝરી બસ સામેથી આવેલા પિક-અપ વાહન સાથે ભટકાઈ હતી.
અકસ્માતને કારણે પિક-અપ વૅનમાંના ત્રણ જણે જીવ ગુમાવ્યા હતા. મૃતકોની ઓળખ શેખ અતા-ઉર રેહમાન શેખ અબીદ (40), સત્તાર ખાન મોહમ્મદ ખાન (40) અને યાકુબ શેરુ ખાન (27) તરીકે થઈ હતી. ત્રણેય માલેગાંવના રહેવાસી હતા.
આ ઘટનામાં બસમાં ડ્રાઈવરની કૅબિનમાં બેસેલા એક શખસનું પણ મૃત્યુ થયું હતું. જોકે સોમવારની મોડી સાંજ સુધી તેની ઓળખ થઈ શકી નહોતી. અકસ્માતમાં જખમી થયેલા બે જણને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માત પાછળનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું. ઘટનાની નોંધ કરી માલેગાંવ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)